Abtak Media Google News

સ્વ. રામજીભાઈ પાડલિયાની સ્મૃતિમાં ભામાશા હેમરાજભાઈ પાડલિયા દ્વારા અનેક વ્યવસ્થાઓ કરી અપાઈ: કોમોડિટી ગ્રૂપ ઑફ ન્યૂઝપેપર્સનાં મેનેજિંગ તંત્રી મયુર મહેતા દ્વારા 63 હજારનાં ઇનામો અપાશે: રેસકોર્સના આંતરરાષ્ટ્રીય મેદાનમાં જામશે જંગ  રાજકોટ પોલીસ તથા મ્યુનિસિપલ કોર્પોરેશનનો પણ અવિરત સહયોગ

શો મસ્ટ ગો ઑન. કોરોનામાં મીડિયાકર્મીઓ ઊંધું ઘાલી ને દોડ્યા છે. પરંતુ, હવે એમને ઘરેડમાંથી બહાર કાઢી ને તાજામાજા કરવાનો સમય આવી ગયો છે. આ વર્ષે 7 માર્ચ, 2021થી મીડિયા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાવા જઈ રહી છે.

આ તકે સૌપ્રથમ તો દર વર્ષે  સહયોગ આપવા આયોજકોએ સ્પોન્સર્સનો ખૂબ-ખૂબ આભાર માન્યો હતો. આ ટુર્નામેન્ટમાં સામાન્ય રીતે 12થી 16 ટીમો ભાગ લેતી હોય છે,  જેમાં શહેરના લગભગ તમામ સવારના અને સાંજના અખબારોની ટીમ તો હોય જ છે, એ ઉપરાંત ઇલેક્ટ્રોનિક મીડિયા, રેસ્ટ ઓફ પ્રેસ (જેમાં મેગેઝિન્સ તથા અંગ્રેજી છાપાંઓનો બ્યુરો સ્ટાફ તેમ જ એફ. એમ. રેડિયોના છઉં વગેરે સામેલ હોય છે) જેવી ટીમો પણ હોંશેહોંશે ભાગ લેતી હોય છે. સેમી ફાઇનલ તથા ફાઇનલ મેચો રાત્રી પ્રકાશમાં રમાતી હોય છે અને શહેરભરના અનેક મહાનુભાવોએ તેનો આનંદ ઉઠાવે છે. રાજકોટની અનેક સેલિબ્રિટીઝ તેમાં ઉપસ્થિત રહી ને અયોજકોનો ઉત્સાહ વધારે છે.

આ મીડિયા ક્રિકેટ ટુર્નામેન્ટ માત્ર ગમ્મત ખાતર નથી હોતી. બધી જ ટીમના પ્લેયર્સ દોઢ-બે મહિના સખ્ત પ્રેક્ટિસ કરે છે. બધા જ ગંભીરતાથી રમે છે. આ ટુર્નામેન્ટ પૂર્ણત: આંતરરાષ્ટ્રીય નિયમોથી રમાય છે. રાજકોટના ઈન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાતી આ ટુર્નામેન્ટમાં સીઝન બોલનો જ ઉપયોગ થાય છે, સ્ટેટ પેનલના અમ્પાયર્સ, સ્ટેટ પેનલના સ્કોરર્સની સેવાઓ લેવામાં આવે છે. બે ઇનિંગ વચ્ચેના બ્રેકમાં ચા-નાસ્તો અપાય છે. સારા ઈનામો આપવામાં આવે છે. ફાઈનલ મેચ પછી એક જમણવારનું આયોજન હોય છે જેમાં ઉપસ્થિત મહેમાનો ઉપરાંત દરેક ટીમના લોકો અને મીડિયાના અન્ય અનેક મોભીઓ હાજરી આપે છે.

આ ટુર્નામેન્ટ ભૂતકાળમાં અનેક વખત યોજાઈ છે પરંતુ કોઈને કોઈ કારણોસર નિયમિત થતી નહોતી. છેવટે વિવિધ મીડિયા ગ્રુપમાંથી 11 લોકોની એક કમિટી બનાવી અમે છેલ્લા પાંચેક વર્ષથી આ ટુર્નામેન્ટ નિયમિત યોજવા નિર્ધાર કર્યો છે. કારણ કે, સતત સ્ટ્રેસ નીચે કામ કરતા મીડિયાકર્મીઓ માટે આ આયોજન કોઈ તહેવારથી કમ નથી. સૌ ઉત્સાહભેર ભાગ લે છે અને ખેલભાવનાથી રમે છે.

આ ઉમદા કાર્યમાં અનેક મહાનુભાવોનો સહયોગ સાંપડી રહ્યો છે. મૂળ પોરબંદરના અને હાલ ગાંધીનગર સ્થિત જાણીતા ભામાશા અને સામાજિક અગ્રણી હેમરાજભાઈ પાડલિયાએ તેમનાં પિતા રામજીભાઈ પાડલિયાનાં સ્મરણાર્થે આ ટુર્નામેન્ટમાં સાધનો, નાસ્તો, રિફ્રેશમેન્ટ સહિત અનેક સહાય કરી છે.

જ્યારે કોમોડિટી ગ્રૂપ ઑફ ન્યૂઝપેપર્સનાં મેનેજીંગ તંત્રી અને ક્રિકેટનાં હાર્ડકોર ચાહક એવા મયુર મહેતાએ વિજેતા ટીમને 25 હજાર, રનર્સ અપ ટીમને 15 હજાર સહિત શિલ્ડ અને બીજા અનેક ઇનામો મળી ને કુલ 63 હજાર રૂપિયાનાં પુરસ્કારો જાહેર કર્યા છે. “મધુધારા”નાં દર્શન ભાલારા દ્વારા દરેક મેન ઑફ ધી મેચને મૂલ્યવાન મધનું ગિફ્ટ પેક તેમજ હર્ષ રાછ – ક્રિશિવ ટી, રચિત એન્ટરપ્રાઈઝ દ્વારા પણ ગિફ્ટ પેક અપાશે. આ ઉપરાંત પણ અનેક મહાનુભાવો સહકાર આપી રહ્યા છે. આ આયોજન પણ સ્પોર્ટ્સ અને મીડિયાને જોડતી એક ઉત્તમ પ્રવૃત્તિ છે. આ વર્ષે પણ સેમી ફાઇનલ અને ફાઇનલ મેચ રાત્રી પ્રકાશમાં રમાશે અને ફાઇનલનાં ઝાકઝમાળ ઇનામ વિતરણ સમારંભ પછી શાનદાર ભોજન સમારોહ યોજાશે.

આ તકે શહેરનાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ટુર્નામેન્ટના આયોજનમાં તુષાર રાછ, કમલેશ ગુપ્તા, અનિરુદ્ધ નકુમ, હરેશ ધામી, કુલદીપ રાઠોડ, કિન્નર આચાર્ય, હુસૈન ભારમલ, જતીન પરમાર સહિતનાં મિત્રો જહેમત લઈ રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.