રંગીલા રાજકોટીયન્સ સ્વાસ્થ્ય માટે પણ સભાન

63

“પહેલુ સુખ તે જાતે નર્યા”

શિયાળાની ફૂલગુલાબી ઠંડીમાં નાના મોટા સૌ કોઈ મોર્નિંગ વોક સાથે કરે છે આનંદની અનુભૂતિ: વહેલી સવારે સ્વાસ્થ્ય વર્ધક ઉકાળો પી લોકો મેળવે છે તાજગી: વિવિધ રમતો, દોડ, ક્રિકેટ પ્રેમીઓ ક્રિકેટ રમી શરીરને બનાવે છે તંદુરસ્ત

રોજીંદા જીવનની ભાગદોડમાં માણસ પોતાની માટે સમય કાઢવાનું ભૂલી જાય છે. પરંતુ હાલના સમયમાં ફિટનેસ જાળવવા, સ્ટ્રેસમાંથી મૂકત રહેવા તેમજ બોડી બનાવવા માટે મોટા ભાગના લોકો સજાગ છે.અને નિયમિત પણે કસરત માટે સમય ફાળવી રહ્યા છે. શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. અને ઠંડીની અસર પણ શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે રંગીલા રાજકોટના લોકોમાં વહેલી સવારે મોર્નિંગ વોકથી માંડીને વિવિધ સ્પોર્ટસ એકિટવીટી અને કસરત કરવાનું પ્રમાણ વધ્યું છે. કહેવાય છે કે જો શિયાળાના ચાર મહિના પોતાના સ્વાસ્થ્ય અને આરોગ્ય પ્રત્યે મેનત કરવામાં આવે તો આખુ વર્ષ શરીર તંદુરસ્ત રહે છે.

એજ માન્યતા અનુસાર નાના બાળકોથી માંડીને વડીલો દ્વારા વિવિધ પ્રકારની કસરતો, જીમ, ગેમ્સ વગેરે એકિટવીટી કરવામાં આવી રહી છે. રાજકોટના રેસકોર્ષ ગાર્ડન ઉપરાંત રીંગરોડ ફરતે લોકો સવારે ૫ વાગ્યાથી મોર્નિંગ વોક કરવા નીકળી પડે છે. આ ઉપરાંત ગાર્ડનમાં પ્રાણાયામ, યોગા, કસરતો પણ કરે છે. ગાર્ડનમાં આવેલા વિવિધ પ્રકારનાં કસરતના સાધનો તેમાં ખૂબજ સહાયરૂપ થાય છે. અહી બાળકોથી લઈ વડીલો પણ કસરત કરતા નજરે પડે છે. આ ઉપરાંત ગાર્ડનમાં સિનિયર સીટીઝન દ્વારા લાફટર કલબ પણ ચલાવવામાં આવે છે. જેમાં ૧૫૦થી વધુ સભ્યો શારીરીક સ્વાસ્થ્ય મેળવવા માટે વિવિધ પ્રકારની હસવાની કસરતો કરે છે.

જે માનસીક સ્વાસ્થય માટે પણ ખૂબજ જરૂરી છે. એ સિવાય સ્નાનાગાર પાસે આવેલ કોર્પોરેશન સંચાલિત જીમમાં પણ મોટી સંખ્યામાં યુવાનો પોતાની ફિટનેસ જાળવવા માયે વિવિધ કસરતો કરે છે. અહી કસરતને લગતાં તમામ ઈકવીપમેન્ટસ હોવાથી સરળતાથી તેઓ કસરત કરી શકે છે. મોર્નિંગ વોક દરમિયાન વહેલી સવારે મળતા વિવિધ ઉકાળાનો પણ લોકો લાભ લેવાનું ચૂકતા નથી જે સ્વાસ્થ્ય માટે ખૂબજ ફાયદાકારક તેમજ આરોગ્ય વર્ધક હોય છે.

બાલભવન પાસે આવેલ ઈન્ડોર સ્ટેડિયમમાં પણ સ્પોર્ટસને લગતી વિવિધ રમતો વહેલી સવારમાં રમવામાં આવે છે. વિવિધ સ્પોર્ટસ એકિટવીટી શારીરીક સ્વાસ્થ્ય મેળવવામાં મહત્વનો ભાગ ભજવે છે.

રનર્સ કલબના સભ્ય

અબતક સાથેની વાતચીતમાં રનર્સ કલબના સભ્યોએ જણાવ્યું હતુકે શિયાળાની વહેલી સવારે કસરત કરવાથી તંદુરસ્તીમાં સુધારો થાય છે. રોજ સવારે કસરત, વોર્કિંગ અને રનીંગ કરવામાં આવે તો વધતી જતી ઉમરનો પણ તમને અહેસાસ નથી થતો. રનર્સ ગ્રુપના ૨૫ વર્ષથી ૭૦ વર્ષ સુધીના લોકો જોડાયેલા છે જેમાં તમામ સભ્યો પોતાની રીતે અને કેપેસીટી પ્રમાણે રનીંગ કરતા હોય છે. અને ઘર રવિવારે આઠથી દસ રીંગરોડના રાઉન્ડ એટલે અંદાજીત વીસથી પચ્ચીસ કિલોમીટર જેટલુ રનીંગ કરે છે. રનર્સ ગ્રુપના છગનભાઈ ૭૦ વર્ષની ઉંમરમાં પણ રનીંગ કરી પોતાની ફીટનેસ જાળવવામાં સફળ રહ્યા છે. ઘણી બધી પ્રતિયોગીતામાં પોતે ગોલ્ડ મેડલ પણ જીતી ચૂકયા છે.

પી.ડી.અગ્રાવત

વહેલી સવારે મોર્નિંગ વોક અંગે તકેદારી ધરાવતા સીનીયર સીટીઝન લોકોએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે શિયાળાની સવારમાં વોકિંગ અને હળવી કસરતો કરવાથી ઘણા બધા ફાયદાઓ થાય છે. પગના ઓપરેશન બાદ પણ ચાલવા આવાથી શરીર હરતુ ફરતુ અને તંદુરસ્ત રહે છે. સાથોસાથ વહેલી સવારે કસરત અને વોકિંગ કરવાથી શરીર સાથે સાથે મન પણ તંદુરસ્ત રહે છે. સાથોસાથ જો ખાવા પીવાની બાબતે પણ ધ્યાન રાખવામાં આવે તો શરીર વધુ તંદુરસ્ત બને છે. શિયાળામાં ખાવા પીવાની વધુ મજા પડે છે.અને તેમાં પણ અડદીયા, ચીકી જેવી વાનગીઓ ખાવી વધુ મજા આવે છે. શિયાળામાં ભૂખ વધુ લાગવાથી ખોરાક સાથે જો પૂરતી કસરત કરવામાં આવે તો શરીરને ઘણા બધા રોગ નિવારી શકાય છે. ડોકટર દ્વારા શરીરની ફીટનેસને લઈ ઘણા બધા સુજાવો મળે છે.પણ જો તમે સવારે ફકત ૩૦ મિનિટ કે તેથી વધુ ચાલી શકો તો તમને કોઈ ડોકટર પાસે જવાની જરૂર રહેતી નથી.

કસરત કરવાથી દિવસ સ્ફુર્તિ ભર્યો રહે છે :એડવોકેટ મિનલ સોનપાલ

એડવોકેટ મિનલ સોનપાલે જણાવ્યું હતુ કે હું દરરોજ ફિટનેસ જાળવવા બેડમિન્ટન રમુ છું અને સ્કીપીંગ કરૂ છું. કોઈવાર વોક અને યોગા પણ કરૂ  છું વહેલી સવારમાં કરવામાં આવતા વર્ક આઉટથી શારીરીક તેમજ માનસિક સ્વસ્થતા પ્રાપ્ત થાય છે. એમાં પણ શિયાળામાં કરવામા આવતી કસરતોથી ખૂબજ ફાયદો થાય છે. આખો દિવસ સ્ફૂર્તિવાળો રહે છે. અને આળસ પણ દૂર ભાગે છે. તો દરેક લોકોએ નિયમિત કસરતો કરવી જોઈએ અને બહાર નીકળવાનો સમય ન મળે તો ઘરે યોગા અને પ્રાણાયામ કરવા જોઈએ.

તણાવમુક્તિ માટે મોર્નિંગ વોક ખુબ જ જરૂરી :ડો. જગદિશ ખોયાણી

ડો. જગદિશ ખોયાણીએ જણાવ્યું હતુ કે દરરોજ શિયાળાની ઋતુમાં વહેલી સવારે કસરત કરવી એ આરોગ્ય માટે ખૂબજ ફાયદાકારક છે.જો આરોગ્ય સારું હશે તો દવાની પણ જરૂર નહિ પડે. રોજીંદા ભાગદોડ વાળી લાઈફ સ્ટાઈલ તેમજ આગળ વધવાની હોડમાં સ્ટ્રેસ વિકરાળ સ્વરૂપ લઈ લે છે. દરરોજ વ્યાયામ દ્વારા સ્ટ્રેસથી છૂટકારો ળવી શકાય છે.તેવી દરરોજ આરોગ્ય જાળવવા માટે કસરત કરવી અથવા તો મનપસંદ રમતો રમવી એ ખૂબ ફાયદાકારક છે.

શિયાળામાં સ્વાસ્થ્યની કેળવણી માટેની ટિપ્સ

* રોજ વહેલી સવારે ૩૦ થી ૪૦ મીનીટ વોકીંગ

* શરીરને સ્વસ્થ રાખવા માટે હળવી કસરતો

* વ્યાયમ યોગાથી મનને તંદુરસ્તી રાખી શકાય છે

* દાતણ કરવાથી દાંતના રોગ નાબુદ કરી શકાય છે

* ખોરાક પર ધ્યાન રાખવાથી આંતરીક અવયવો સ્વસ્થ રહે છે.

* કાવા જેવા સ્વાસ્થયવર્ધક પીણાનો એકમાત્ર લાભ શીયાળામાં લઈ શકાય.

પરસેવો પાડવાથી શરીરના ટોક્સિક દ્રવ્યો બહાર નીકળી જાય છે : કલેકટર રાહુલ ગુપ્તા

આ કે કલેકટર રાહુલ ગુપ્તાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યુંં હતુ કે હું દરરોજ ઈન્ડોર સ્ટેડિયમ વહેલી સવારથી ગેમ્સ રમવા માટે આવું છે. બેડમિન્ટન મને વધુ પસંદ છે. મિત્રો સાથે વહેલી સવારમાં રમતો રમવાથી આનંદ પણ મળે છે. અને સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે છે. કસરત દ્વારા થતા પસીના દ્વારા શરીરમાંથી ઉત્પન્ન થતા વિવિધ ટોકિસક અને ઝેરી દ્રવ્યો બહાર નીકળી જાય છે. અને શરીર સ્ફૂર્તિલુ રહે છે. શારીરીક સાથે માનસીક સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે છે. ખાસ કરીને જેટલા પણ યુવાનો છે. તેમણે જરૂરથી પોતાની ફિટનેસ જાળવવા માટે કસરત કરવી જ જોઈએ.

ફિટનેસ માટે સવારે ૧ કલાક તો ફાળવવી જ જોઇએ :મ્યુની. કમિશનર બંછાનીધી પાની

રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર બંછાનીધી પાનીએ ‘અબતક’ સાથે ખાસ વાતચીત કરી હતીઅને જણાવ્યું હતુ કે તેઓ દરરોજ વહેલી સવારે સાડા છ કલાકથી ૮ સુધી બેડમિન્ટન રમે છે. તેનાથી આખા શરીરની કસરત પણ થઈ જાય છે. અને સ્ટ્રેસ પણ દૂર રહે છે. આ ઉપરાંત વધુમાં જણાવ્યું હતુ કે રાજકોટવાસીઓએ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલી વિવિધ સુવિધાઓ જેવી કે ઈન્ડોર સ્ટેડિયમ, જીમ, વગેરેનો લાભ લેવો જોઈએ અને દરરોજ અચૂક ફીટનેસ જાળવવા તેમજ પોતાના સ્વાસ્થ્ય માટે સવારે ૧ કલાક ફાળવીને વ્યાયામ કરવો જોઈએ.

રાજયના લોકોની તંદુરસ્તી જ સાચી મિલકત: રાજુ ધ્રુવ

અબતક સાથેની વાતચીતમાં ભાજપ પ્રવકતા રાજુભાઈ ધ્રુવે જણાવ્યુ હતુ કે શિયાળાની સવારમાં ચાલવાથી મન પ્રફૂલીત રહે જ છે. પરંતુ જો હૃદયને ચલાવતું રાખવું હોય તો પગ પણ ચલાવવા જરૂરી છે. વહેલી સવારે ચાલવાથી શરીરની તંદુરસ્તી સાથે મનની તંદુરસ્તી પણ સારી છે. સાથોસાથ ચાલવાથી શરીરના ઘણા બધા આવેગો અને મનના વિચારો પર પણ કાબુ મેળવી શકાય છે. યુવાનો અને બાળકોમાં પણ કસરતનું પ્રમાણ વધી રહ્યું છે. અને રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો પણ આભાર વ્યકત કરૂ છું કે રાજકોટ વાસીઓને ચાલવા માટેના ટ્રકે જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.

લોકો સવારે કસરત અને ચાલવાનું જો રાખે તો રાજય અને રાષ્ટ્રના નાગરીકો તંદુરસ્ત છે. મહામુલી આઝાદીનું જો રક્ષણ અને સર્વધન કરવું હોય તો આપણે પણ તંદુરસ્ત રહેવું પડશે.

હું ચેનલ અબતક અને આદરણીય સતીષભાઈને ખરેખર અભિનંદન પાઠવું છું કે તમે લોકો ખરેખર અરીસા સમાન છો કે આટલી વહેલી સવારે તમે લોકો અહીયા આવી રાજકોટવાસીઓની તંદુરસ્તીનો ખ્યાલ રાખો છો. વહેલી સવારે લોકો કસરત માટે પ્રેરાય સાથોસાથ ખોરાકમાં પણ થોડુ ધ્યાન રાખે તો જરૂર રાજકોટવાસીઓ સ્વસ્થ અને તંદુરસ્ત રહી શકે છે.

શિયાળામાં વહેલી સવારે લાફીંગ કલબ અને જોગીંગનો લાભ લઇ લોકો સ્વસ્થ રહે છે: પોપટભાઈ પટેલ

અબતક સાથેની વાતચીતમા શહેરીજનોમાં વાત કરી હતી જેમાં પોપટભાઈ પટેલે વાત કરતા જણાવ્યું હતુ કે છેલ્લા ૨૦ વર્ષથી લાઈફીંગ કલબ ચાલે છે. જેમાં તમામ સભ્યો રોજ સવારે પાંચ વાગે પહેલા રીંગરોડ પર વોકિંગ કરીએ છીએ ત્યારબાદ ગાર્ડનમાં લાફીગ માટે જઈએ છીએ સાથોસાથ પહેલાના જમાનાની જેમ દાતણ પણ ઉપયોગમાં લઈએ એ રોજ સવારે રમેશભાઈ રાચ્છ તરફથી વિનામૂલ્યે દાંતણનું વિતરણ કરવામાં આવે છે. દાતણના વિતરણ માટે રમેશભાઈ જૂનાગઢથી દાતણ મગાવે છે. જેનો હર વર્ષે સરેરાશ દોઢ લાખ જેટલો ખર્ચો કરી લોકોને વિનામૂલ્યે દાતણનું વિતરણ કરવામાં આવે છે.

શિયાળાની વહેલી સવારે કસરત કરવાથી શરીરને પરીપકવ બનાવી શકાય છે. રોજ સવારે એક કાક કે તેથી વધુ કસરત કરવાથી કોઈ પણ રોગ પર નિયંત્રણ મેળવી શકીએ છીએ પોતાનો અનૂભવ જણાવતા પોપટભાઈએ જણાવ્યું હતુ કે ૧૦ વર્ષ પહેલા ચિકનગુનીયા જેવા રોગોથી લોકો પીડાતા હતા પરંતુ સવારે વોર્કિંગ અને લાફીંગ દ્વારા જટીલ બિમારીઓ ઉપર પણ કાબુ મેળવી શકાય છે.

સાથોસાથ કરજણનું દાતણનો ઉપયોગ કરવાથી દાતના ઘણા બધા રોગોથી મુકિત મેળવી શકાય છે. જેમાં પેઢાના દુખાવા મોંના ચાંદા જેવી સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે. દાતણનો ઉપયોગ કરવાથી દાતના દુ:ખાવો કે દાંત કઢાવા જેવા પ્રશ્ર્નો જ રહેતા નથી. સાથો સાથ લોકોને પ્રેરણા માટે પોપટભાઈએ જણાવ્યું હતુ કે લોકો વહેલી સવારે ઉઠી કસરતો અને લાફીંગ પર ધ્યાન આપે તો દિવસ તો સ્ફૂરતીમાં રહે છે. સાથોસાથ સ્વાસ્થ્ય પણ તંદુરસ્ત રહે છે.

Loading...