જિલ્લાની ૨૫૮ સગર્ભાઓ સાથે કલેકટર, જિ.પં. પ્રમુખ અને ડીડીઓનો વાર્તાલાપ

વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે યોજાયો ઓનલાઈન વાર્તાલાપ કાર્યક્રમ

વિશ્વ સ્તનપાન સપ્તાહની  ઉજવણીના ભાગરૂપે પ્રથમ દિવસે  રાજકોટ જિલ્લામાં જિલ્લા કક્ષાએ પ્રમુખ જીલ્લા પંચાયત અલ્પાબેન ખાટરીયા, કલેકટર રૈમ્યા મોહન અને જીલ્લા વિકાસ અધિકારી અનીલ રાણાવસીયા દ્વારા તારીખ ૧ થી ૭ ઓગષ્ટ સુધી જે સગર્ભા બહેનોને પ્રસુતિ થનાર છે તેવી કુલ ૨૫૮ સગર્ભા સ્ત્રીઓ અને ધાત્રીમાતાઓ સાથે વીડિયો કોલિંગ/ટેલિફોનિક વાતચીત દ્વારા વાર્તાલાપ કરવામાં આવેલ હતો.

જેમાં બાળકના સર્વોત્તમ વિકાસ અને વૃદ્ધિ માટે માત્ર સ્તનપાન, પહેલા ૧૦૦૦ દિવસમાં બાળકના વૃદ્ધિ અને વિકાસ માટેની કાળજી, માતાનું પહેલું પીળું ઘટ્ટ દૂધ બાળક માટે જીવનની પહેલી રસી સમાન છે, માતાના દૂધ સિવાય કોઈપણ પદાર્થો બાળકને ના આપવા, પહેલા છ મહિના સુધી બાળકને ફક્ત સ્તનપાન, બાળક છ મહિના પૂરા કરે તરત જ ઉપરી આહાર, આંગણવાડી કેન્દ્ર ઉપરથી પડતા માતૃશક્તિ આહારનું રોજ બરોજના ખોરાકમાં ઉપયોગ વગેરે બાબતે સંવાદ કરવામાં આવેલ હતો. સાથે આજરોજ જિલ્લા/તાલુકા કક્ષાએથી વિશ્વ સ્તનપાન નિમિત્તે વાર્તાલાપ કરવામાં આવેલ હતો. કલેકટર રૈમ્યા મોહને ગોંડલ તાલુકાના શીવરાજપુર ગામના સગર્ભા લાભાર્થી હિનાબેન તેમજ જિલ્લા વિકાસ અધિકારી રાણાવસીયાએ વિંછીયા તાલુકાના હાથસણી ગામના નિરાંતબેન ભરતભાઇ રંગપરા સાથે વિડિયો કોલીંગ દ્વારા વાર્તાલાપ કર્યો હતો. આ પ્રસંગે વિભાગીય નાયબ નિયામકશ્રી, ડેપ્યુટી ડીડીઓ, સી.ડી.એચ.ઓ, ઓફીસર આઈ.સી.ડી.એસ, અધ્યક્ષ મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિ જીલ્લા પંચાયત  રાજકોટ દ્વારા અને તાલુકા કક્ષાએ ટી.એચ.ઓ,  મેડિકલ ઓફિસર, ફિમેલ હેલ્થ વર્કર, સેજા સુપરવાઇઝર અને આંગણવાડી વર્કરો ઉપસ્થિત રહ્યા હતા તેમ આઇ.સી.ડી.એસના પ્રોજેકટ ઓફીસર વત્સલાબેન દવેની યાદીમાં જણાવાયું છે.

Loading...