Abtak Media Google News

જો ઉદ્યોગોએ સરકારની ગાઈડલાઈન મુજબ તકેદારીના પગલાં નહીં લીધા હોય તો તેને તુરંત જ બંધ કરી દેવાશે

કુલ ૨૪ અધિકારીઓ અને કર્મચારીઓ ફિલ્ડમાં : નિયમોનું પાલન ન કરવા બદલ બંધ કરાયેલા ઉદ્યોગો ગાઇડલાઇનનું પાલન કરતા થાય પછી જ ફરી મંજૂરી અપાશે

હાલ જિલ્લામાં માત્ર બાહેંધરી પત્રકના આધારે ઉદ્યોગોને શરૂ કરવાની છૂટ આપવામાં આવી છે. પરંતુ સરકારની ગાઈડલાઈન પ્રમાણે ઉદ્યોગોને ખાસ તકેદારીના પગલાં લેવાની સૂચના આપવામાં આવી છે. ઉદ્યોગોએ આ તકેદારીના પગલાં લીધા છે કે નહીં તે તપાસવા આજે જિલ્લા કલેકટરે ૧૨ ટિમો મેદાનમાં ઉતારી છે.

હાલ લોકડાઉનની પરિસ્થિતિમાં ગઈકાલથી ઉદ્યોગોને શરૂ કરવાની છૂટછાટ આપવામાં આવી છે. રાજ્યસરકારના આદેશને પગલે જિલ્લા વહીવટી તંત્રએ ઉદ્યોગોને શરૂ કરવા સંદર્ભે એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે ગઈકાલે મહત્વપૂર્ણ બેઠક યોજીને તેઓના સૂચન પણ મેળવ્યા હતા અને તેઓને મૂંઝવતા પ્રશ્નો પણ સાંભળ્યા હતા. વધુમાં ઉદ્યોગકારોની સરળતા માટે ઉદ્યોગોને શરૂ કરવાની સરળ વ્યવસ્થા પણ ગોઠવી આપી હતી.

જે મુજબ ઉદ્યોગકારોએ પોતાનો ઉદ્યોગ શરૂ કરવા માટે માત્રને માત્ર બાહેંધરી પત્રક ભરીને તેની એક નકલ પોતાની પાસે જ્યારે બીજી નકલ એસોસિએશન અથવા પ્રાંત અધિકારીને મોકલવાની રહેશે. માત્ર બાહેંધરી પત્રક  ભરવાથી ઉદ્યોગોને શરૂ કરવાની છૂટ તંત્ર દ્વારા આપવામાં આવી છે.

જો કે આ બાહેંધરી પત્રકમાં જે નિયમો દર્શાવ્યા છે તેનું કડક પાલન કરવાની પણ ખાસ સૂચના આપવામાં આવી છે.

આ તમામ તકેદારી રાખવાની જે સૂચનાઓ તંત્ર દ્વારા આપવામાં આવી છે. તેનું ચુસ્તપણે પાલન થાય છે કે નહિ તે તપાસવા માટે આજે જિલ્લા કલેકટર દ્વારા ખાસ ૧૨ ટિમો નિયુક્ત કરવામાં આવી છે.

આ ટિમોમાં ૨૪ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ છે. આ ટિમો ફિલ્ડમાં ઉત્તરીને ઉદ્યોગોમાં સરકારની ગાઈડલાઈનનું પાલન થાય છે કે નહીં તેની તપાસણી કરશે. વધુમાં જો કોઈ ઉદ્યોગોમાં આ ગાઈડલાઈનનું પાલન થતું નહિ હોય તો તેને તુરંત જ બંધ કરાવી દેવાની પણ સતા આ ટીમોને આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.