હીરાસર એરપોર્ટ માટે કલેકટર તંત્રે ૨૦ એકર ખાનગી જમીનનો એરપોર્ટ ઓથોરિટીને કબજો સોંપ્યો

66

હીરાસર અને ગારીડા ગામના કુલ ૭ જેટલા ખેડૂતોની જમીન એરપોર્ટ ઓથોરિટીના હવાલે કરાઈ

એરપોર્ટ માટે ૪૨ હેકટર ખાનગી મળીને કુલ ૧૦૩૩ હેકટર જમીન ઉપયોગમાં લેવાશે

હીરાસર એરપોર્ટ માટે જિલ્લા કલેકટર તંત્ર દ્વારા ૨૦ એકર ખાનગી જમીનનો આજે એરપોર્ટ ઓથોરિટીને કબજો સોંપવામાં આવ્યો છે. આ માટે તાલુકા મામલતદારની ટિમ દ્વારા સ્થળ વિઝીટ પણ કરવામાં આવી હતી. જો કે એરપોર્ટ માટે બાંધકામ શરૂ થઈ ગયું છે. હાલ દીવાલનું બાંધકામ કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

રાજકોટની ભાગોળે હીરાસર ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ થવાનું છે. જેના માટે જમીન ફાળવવા જિલ્લા કલેકટર તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી પૂર્ણતાના આરે છે. આ એરપોર્ટ માટે રાજકોટ જિલ્લાની ૩૬.૨૫ હેકટર ખાનગી મળીને ૭૦૭.૨૧ હેકટર જમીન ફાળવવામાં આવી છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાની ૪૨.૩૧ હેકટર ખાનગી જમીન મળીને કુલ ૩૨૫.૯૬ હેકટર જમીન ફાળવામાં આવી છે. આમ એરપોર્ટ માટે કુલ ૪૨.૩૧ હેકટર ખાનગી મળીને કુલ ૧૦૩૩.૧૭ હેકટર જમીનનો ઉપયોગ કરવામાં આવનાર છે.

રાજકોટ જિલ્લાના હીરાસર અને ગારીડાના ૭ જેટલા ખાતેદારોની ૨૦ એકર જેટલી  ખાનગી જમીન કલેકટર તંત્રે સંપાદિત કરી હતી. આજ રોજ આ ૨૦ એકર જમીન એરપોર્ટ ઓથોરિટીને કલેકટર તંત્ર દ્વારા સોંપવામાં આવી હતી. સરકારી જમીનનો કબજો અગાઉ કલેકટર તંત્ર દ્વારા સોંપવામાં આવ્યો હતો. બાદમાં આજે ખાનગી જમીન પણ એરપોર્ટ ઓથોરિટીને હવાલે કરતા એરપોર્ટના કામને વેગ મળશે. ઉલ્લેખનીય છે કે નવા એરપોર્ટના બાંધકામ દિલીપ બિલ્ડકોનને સોંપવામાં આવ્યું છે. આ પહેલા હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટનું કામ રિલાયન્સ ઇન્ફ્રા.ને મળ્યું હતું. પરંતુ અનિલ અંબાણીએ સમયસર જરૂરી રકમ ન ભરતા તેનો કોન્ટ્રાક્ટ રદ્દ કરાયો હતો. બાદમાં ભોપાલની કંપની દિલીપ બિલ્ડકોનને ૫૭૦ કરોડના ખર્ચે ૩૦ મહિનામાં એરપોર્ટ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. હાલ એરપોર્ટનું બાંધકામ કાર્ય શરૂ થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે. અત્યારે એરપોર્ટની ફરતે બાઉન્ડરીએ દીવાલ બનાવવામાં આવી રહી છે.

બે ખાતેદારોની જમીનનો ટાઈટલ વિવાદ પ્રાંતમાં પેન્ડિંગ: ચુકાદા બાદ વળતર ચૂકવાશે 

મળતી માહિતી મુજબ હીરાસર અને ગારીડાના ૭ ખાતેદારોની ૨૦ એકર જમીનનો એરપોર્ટ ઓથોરિટીને કબજો સોંપવામાં આવ્યો છે. તેમાં બે ખાતેદારોની જમીનના ટાઇટલનો કેસ પ્રાંત કચેરીમાં પેન્ડિગ હાલતમાં છે. કલેકટર તંત્ર દ્વારા આ જમીનનું પણ સંપાદન કરી નાખવામાં આવ્યું છે. બાદમાં જ્યારે પ્રાંત દ્વારા ચુકાદો આપવામાં આવશે તેને આધીન જે તે ખાતેદારોને વળતર ચુકવવામાં આવશે.

Loading...