સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોચિંગ કૅમ્પ માત્ર નામના !! વિદ્યાર્થીઓમાં રોષ

૭૦૦ થી વધુ વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન બાદ પણ કોચિંગ કેમ્પ શરૂ ન થતા વિદ્યાર્થીઓમાં રોષ

મોટાભાગના સ્પોર્ટસ કોમ્પલેક્ષ લોકડાઉનથી હજુ સુધી બંધ હાલતમાં: તાત્કાલિક કેમ્પ શરૂ કરવા વિદ્યાર્થીઓની માંગ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં જાન્યુઆરી માસથી જ ૧૧ રમત-ગમતનો ટ્રેનિંગ કેમ્પ શરૂ કરવાની વાત હતી તે હજુ કાગળ પર જ છે. એકબાજુ યુનિવર્સિટીની પરીક્ષાઓ ચાલી રહી છે અને બીજીબાજું યુનિવર્સિટીના સતાધીશો દ્વારા કોચિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ યુનિવર્સિટીના આ કોચિંગ કેમ્પને જાણે પરીક્ષાનું ગ્રહણ લાગી ગયું હોય તેમ માત્ર મોટી મોટી વાતો જ કરવામાં આવી હતી. જાન્યુઆરી માસના ૫ દિવસ વીતી ગયા છતાં પણ આ કેમ્પનો પ્રારંભ હજુ સુધી થયો નથી.

ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર માસમાં યુનિવર્સિટીના રજીસ્ટાર ડો.જતીન સોનીએ દ્વારા, કોરોના કાળમાં ખેલકુદની પ્રવૃત્તિઓમાં અંતરાલ આવ્યા બાદ હવે સ્પોટર્સ ક્ષેત્ર પાછું જીવંત કરવા નવા વર્ષના પ્રારંભથી જ કોચિંગ કેમ્પ શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યા છે. જેમાં યોગા, એરોબિક્સ, બાસ્કેટ બોલ, સ્વિમિંગ, બેડમિન્ટન, ફૂટબોલ અને ટેનિસ સહિતની રમતનો કોચિંગ કેમ્પ શરૂ કરવાનો હતો. અને આ કોચિંગ કેમ્પમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશનનો છેલ્લો દિવસ ૨૮ ડિસેમ્બર ૨૦૨૦નો હતો અને કુલ ૭૦૦થી વધુ વિદ્યાર્થીઓએ આ કેમ્પમાં ભાગ લેવા રજિસ્ટ્રેશન કરાવ્યું હતું પણ કમનસીબે હજુ સુધી આ કેમ્પના શ્રી ગણેશ થયા જ નથી.

એકબાજુ યુનિવર્સિટી ખેલે ગુજરાત જીતે ગુજરાતના સૂત્રને સાર્થક કરવા રમત ગમત ક્ષેત્રે મોટી મોટી જાહેરાત તો કરે છે પરંતુ બીજીબાજૂ યુનિવર્સિટી રમત ગમત ક્ષેત્રે ઢીલી નીતિ અપનાવતી હોય તેમ લાગી રહ્યું છે.

યુનિવર્સિટીમાં ૧ જાન્યુઆરીથી શરૂ થનાર કોચિંગ કેમ્પ પરિક્ષાના કારણે મોકૂફ રખાયો હોય તેવું સૂત્ર માંથી જાણવા મળી રહ્યું છે જ્યારે પરીક્ષા આગામી ૮ જાન્યુઆરીએ પુરી થાય ત્યારબાદ આ કેમ્પ ચાલુ થશે તેમ સત્તાધીશોનું કહેવું છે હવે આગામી ૧૧ જાન્યુઆરીથી પરીક્ષાનો ત્રીજો તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે તો શું પાછું કોચિંગ કેમ્પને પરીક્ષાનું ગ્રહણ લાગશે કે કેમ ?? તે મોટો સવાલ ઉભો થયો છે.

ગાઈડલાઈનનો ઉલાળ્યો: સૌ.યુનિ.માં બાળકોને અપાતી બાસ્કેટબોલની તાલીમ

કોરોનાને કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માર્ચ મહિનાથી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બંધ હાલતમાં હતા. જો કે છેલ્લા ૩ મહિનાથી મોટાભાગના કોમ્પલેક્ષ ધમધમ્યા છે ત્યારે કેન્દ્ર સરકારની ગાઈડ લાઇન મુજબનો યુનિવર્સિટી ઉલાળિયો કરતી હોય તેમ બાસ્કેટબોલમાં ૧૦ વર્ષથી ઓછી વયના બાળકોને પણ હાલ કોચિંગ આપવામાં આવી રહ્યું છે. જો કે કેન્દ્રની સ્પષ્ટ ગાઈડલાઈન છે કે, ૧૦ વર્ષથી નીચેની વયના બાળકોને ટ્રેનિંગ આ પરિસ્થિતિમાં આપી શકાય નહીં. છતાં યુનિવર્સિટીના સતાધીશો આંખ આડે કાન કરતા હોય તેમ કોઈ ફર્ક જ નથી પડતો.

નેશનલ કક્ષાના શૂટીંગ રેન્જના ખેલાડીઓ પ્રેક્ટિસથી વંચિત

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નેશનલ કક્ષાનું શુટીંગ રેન્જ તાજેતરમાં બન્યું છે અને રાજકોટના તેજસ્વી ખેલાડીઓ અહીં પ્રેકટીસ કરી નેશનલ લેવલે યુનિવર્સિટીનું નામ રોશન કરે છે ત્યારે કોરાનાકાળથી બંધ થયેલુ શુટીંગ રેન્જ હજુ સુધી શરૂ ન થતા શુટીંગ રેન્જના તેજસ્વી વિદ્યાર્થીઓ પ્રેકટીસથી વંચિત છે ત્યારે યુનિવર્સિટીના મોટાભાગના સ્પોર્ટસ કોમ્પલેક્ષ ધમધમતા થયા છે જો કે શુટીંગ રેન્જ યુનિવર્સિટીના સત્તાધીશોના મનસ્વી વલણને કારણે હજુ સુધી બંધ છે એટલે તાત્કાલીક આ રેન્જ શરૂ થાય તેવી માંગ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહી છે.

Loading...