Abtak Media Google News

માનવ પશુ-પક્ષીની જાનહાનિ અને ઇજા નિવારવાના સંવેદનશીલ અભિગમથી નિર્ણય

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સમગ્ર રાજ્યમાં ચાઇનીઝ તુકકલ અને ચાઇનીઝ માંઝા/પ્લાસ્ટિક દોરીના ઉપયોગ ઉપર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવાના આદેશો કર્યા છે.

ઉત્તરાયણના તહેવારો દરમિયાન આવી ચાઇનીઝ તુકકલ અને માંઝા/પ્લાસ્ટિક દોરીના ઉપયોગથી માનવ-પશુ-પક્ષીને થતી જાનહાનિ, ઇજાઓ નિવારવાના સંવેદનાસ્પર્શી ભાવથી તેમણે આ નિર્ણયના ચુસ્ત અમલ માટે સૂચનાઓ આપી છે. ગુજરાતમાં સી.આર.પી.સી.ની કલમ ૧૪૪ અન્વયે આ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, ઉત્તરાયણના તહેવારો દરમિયાન રાજ્યભરમાં પતંગ રસિકો મોટાપાયે પતંગ ચગાવતા હોય છે. આવા પતંગ ચગાવવામાં ચાઇનીઝ દોરી તરીકે પ્રખ્યાત ચાઇનીઝ માંઝા/પ્લાસ્ટીક દોરી માનવજીવન, પક્ષીઓ તેમજ પર્યાવરણ માટે ખતરારૂપ છે.

આવી બનાવટથી ઘણીવાર પ્રાણઘાતક ઇજાઓ પણ થાય છે. એટલું જ નહિ, આવી ચાઇનીઝ માંઝા/પ્લાસ્ટીક દોરી લાંબા સમય સુધી કુદરતી રીતે નાશ પામતી નથી અને ગટરો-ડ્રેનેજમાં તે જવાથી ગટરો ડ્રેનેજ જામ થઇ જાય છે.

7537D2F3 2

તદઉપરાંત વીજલાઇન અને સબસ્ટેશનમાં આવી દોરી ભરાઇ જવાથી કે પતંગ ભરાવાથી વીજ ફોલ્ટ પણ થાય છે.  ગાય કે અન્ય પ્રાણીના પેટમાં ખોરાક સાથે ચાઇનીઝ પતંગ-તુકકલ કે દોરી જવાથી ઘણીવાર આફરો-ગભરામણથી પશુ મૃત્યુની ઘટનાઓ રાજ્યમાં બનતી હોય છે.

આ ઉપરાંત ઉત્તરાયણના દિવસોમાં રાત્રિના સમયે સ્કાય લેન્ટર્ન-ચાઇનીઝ તુકકલ ઉડાડવાને કારણે તે કોઇ વસ્તુ સાથે અકસ્માતે અથડાય તો આગ લાગવાના બનાવો બને છે.

આ બધી જ બાબતોને વ્યાપક જનહિતમાં ધ્યાને લઇને ચાઇનીઝ તુકકલ, ચાઇનીઝ માંઝા/પ્લાસ્ટિક દોરીની ખરીદી, સંગ્રહ, વેચાણ અને ઉપયોગ ઉપર રાજ્ય સરકારે તત્કાલ અસરથી પ્રતિબંધ ફરમાવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.