Abtak Media Google News

ખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સામાન્યમાં સામાન્ય નાગરિક-પ્રજાવર્ગોને પોતીકી સરકારની અનુભૂતિ કરાવવાની સંવેદનાસભર કાર્યસંસ્કૃતિના પાયામાં રાજ્ય સરકારના કર્મયોગીઓની ભૂમિકા મહત્વપૂર્ણ છે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે પ્રજાને પ્રશાસન તંત્ર પોતાનું લાગે, તેમને જે કલ્યાણ રાજ્યની સંકલ્પના-સપના સંજોયા હોય તે પરિપૂર્ણ થાય તેવો સેવાદાયિત્વભાવ જ સરકારના કર્મયોગીઓ-અધિકારીઓ-પદાધિકારીઓ પાસે અપેક્ષિત છે.

મુખ્યમંત્રીશ્રી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તિર્ણ થયેલા ૪,૬૮૧ બિન સચિવાલય સંવર્ગ અને સચિવાલય સંવર્ગના ઓફિસ આસિસ્ટન્ટ્સને મહાત્મા મંદિરમાં નિમણૂંક પત્રો એનાયત કરવાના સમારોહના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરી રહ્યા હતાં.

શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્ય સેવામાં જોડાઇ રહેલી આ નવયુવાશક્તિ પોતાની ઉચ્ચ દક્ષતા-સજ્જતાથી પ્રધાનમંત્રીશ્રીની નયા ભારતના નિર્માણની પ્રતિબદ્ધતા સાકાર કરશે જ તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે આ નવ નિયુક્ત કર્મયોગીઓ પબ્લિક ડિલિંગથી માંડીને પોતાના સિનિયર્સ પાસેથી કાર્યપદ્ધતિનું માર્ગદર્શન ભાથું મેળવી સ્વવ્યક્તિત્વ ડેવલપ કરવા સાથે પ્રજાહિત- પ્રજાકલ્યાણના કાર્યો માટે પ્રતિબદ્ધ રહે તે સમયની માંગ છે.

તેમણે કહ્યું કે ભૂતકાળની કટકી-બટકી અને વચેટિયા-દલાલોની દરમિયાનગીરીથી થતી ભરતીઓ પર સદંતર રોક લગાવી આપણે પારદર્શી અને મેરિટના આધારે ભરતી પ્રક્રિયા શરૂ કરીને ૬૭ હજાર નવયુવાશક્તિને સરકારી સેવામાં જોડાવાના અવસર વ્યવસ્થિત મેનપાવર પ્લાનીંગથી આપ્યા છે.

મુખ્યમંત્રીશ્રીએ પ્રજાનો ભરોસો-વિશ્વાસ તૂટે નહિં, સરકારી કચેરીઓમાં કામકાજ માટે આવનારા નાગરિકોને કર્મયોગીની સંવેદનાનો અનુભવ થાય, ધક્કા ખાવા ન પડે તેવી સિસ્ટમ માટે હિમાયત કરી હતી.

શ્રી વિજયભાઈએ કહ્યું કે, સરકારી સેવામાં દાખલ થઈને નોકરી મેળવ્યાનો સંતોષ માત્ર નહિં, આગળ વધવાના લક્ષ્ય, જન સેવાની ભાવના સાથે કર્મચારી વર્ક એક્સલન્સી, યોગ ભાવનાથી કર્મયોગી બની શકે.

મુખ્યમંત્રીશ્રીએ એમ પણ ઉમેર્યું કે સ્વરાજ્યને સુરાજ્ય-સુશાસનમાં પરિવર્તિત કરવાનું અંતિમ લક્ષ્ય તો છેવાડાના- વંચિત-ગરીબ-શોષિતનું કલ્યાણમાં જ રહેલું છે.

સરકારી સેવામાં જોડાઇને રાજ્યની આ નવયુવાશક્તિ એવા વંચિતોનો હાથ ઝાલી તેમને વિકાસની ધારામાં સામેલ કરીને સાચા અર્થમાં સેવાદાયિત્વ અદા કરી શકે તેવી આ જીવનની તક મળી છે તેને પ્રામાણિકતા, સંવેદના, નિષ્ઠા અને ફરજપરસ્તીથી નિભાવી રાજ્યના-રાષ્ટ્રના વિકાસમાં સહભાગી થઈએ.

મુખ્ય સચિવ શ્રી જે.એન.સિંઘે સિવિલ સર્વિસ દિવસે નિમણૂક મેળવતા ઉમેદવારોને આવકારતાં કહ્યું કે, આજના દિવસે આપ સૌ સરકારી સેવામાં જોડાઇ રહ્યા છો તે આપ સૌ માટે ગૌરવનો દિવસ છે. તમને લોકોને જે સેવા કરવાની તક મળી છે તે નિષ્ઠા પૂર્વક બજાવી ટીમ ગુજરાતને વધુ સબળ બનાવશો. રાજ્ય સરકારે માત્ર એક વર્ષમાં ૬૭ હજારની ભરતી કરવાનો પ્રયાસ કર્યો છે તે એપ્રિલ સુધીમાં પર્ણ કરી છે. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળ વાર્ષિક ભરતી કેલેન્ડર મુજબ ભરતી કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે જેના ભાગરૂપે આપને નોકરી મળી છે ત્યારે આપ પણ વધુ ઉજ્જવળતાથી ફરજો અદા કરશો તેવો અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ શ્રી આસિત વોરા, ગવૌણ સેવા પસંદગી મંડળના સભ્ય શ્રી રાજુ ઐયર, વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી અરવિંદ અગ્રવાલ, સામાન્ય વહીવટ વિભાગના સચિવ શ્રી ધનંજય દ્વિવેદી સહિત વિવિધ વિભાગના નિમણૂક પામેલા ઉમેદવારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.