રાજયમાં પાંચ દિવસ ‘મેઘો’ મહેરબાન રહેશે

દક્ષિણ ગુજરાત અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં સાયકલોનીક સરકયુલેશનની અસરતળે રાજયમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી: કચ્છનાં રાપરમાં ૨ ઈંચ વરસ્યો

રાજયમાં ફરી મેઘરાજા જમાવટ કરે તેવા સુખદ સંજોગો સર્જાયા છે. દક્ષિણ ગુજરાત અને પૂર્વ ઉતરપ્રદેશમાં સાયકલોનીક સરકયુલેશન સર્જાયું છે જેની અસરતળે આગામી રવિવાર સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પણ વરસી શકે છે. મુંબઈમાં પણ રવિવાર સુધી મેઘો મન મુકીને વરસે તેવી સંભાવના જણાઈ રહી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયનાં ૧૯ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હોવાનું નોંધાયું છે.

હવામાન વિભાગનાં સુત્રોનાં જણાવ્યા અનુસાર આવતીકાલે અને શનિવારનાં રોજ મુંબઈ અને ગોવામાં વરસાદ પડે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે. હાલ બે સિસ્ટમ સક્રિય થવા પામી છે. દક્ષિણ-ગુજરાત અને તેની સાથે જોડાયેલા વિસ્તારો તથા પૂર્વ ઉતરપ્રદેશ અને તેની સાથે જોડાયેલા વિસ્તારોમાં સાયકલોનીક સરકયુલેશન હોવાનાં કારણે વરસાદની સંભાવના છે. ગુજરાત તથા મહારાષ્ટ્રમાં આગામી પાંચ દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી વ્યકત કરવામાં આવી છે. આ ઉપરાંત મધ્યપ્રદેશ, વિદર્ભ, છતિસગઢ અને પૂર્વ ઉત્તરપ્રદેશમાં પણ આગામી એક વીકમાં ભારે વરસાદ પડશે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં આગામી ૪૮ કલાક દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયનાં ૧૯ તાલુકાઓમાં વરસાદ પડયાનું નોંધાયું છે. આજે સવારથી ત્રણ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો હોવાનાં અહેવાલો મળી રહ્યા છે. કચ્છનાં રાપરમાં ગઈકાલે અનરાધાર ૨ ઈંચ વરસાદ વરસી ગયો હતો. આ ઉપરાંત સૌરાષ્ટ્રનાં લાલપુર, જામકંડોરણા, જામજોધપુર, જુનાગઢમાં હળવા ઝાપટા પડયા હતા. આજે સવારથી અસહ્ય ઉકળાટનો અહેસાસ લોકો કરી રહ્યા છે.

ચોટીલાનો ત્રિવેણી ઠાંગો ડેમ ઓવરફલો થવાની તૈયારીમાં: છ ગામોમાં એલર્ટ

ચોટીલા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારો અંદાજે બે ઈંચ જેટલો વરસાદ વરસી જતા ચોટીલા પંથકના ત્રિવેણી ઠાંગા ડેમમાં પાણીની નવી આવક થવા પામી છે, આથી પાણી નું જળ સ્તર ઉંચુ આવ્યુ છે,સિંચાઈ પેટા વિભાગ ચોટીલા તરફથી ચોટીલાના ડાકવડલા ગામ પાસે આવેલ ત્રિવેણી ઠાંગા ડેમ ની કુલ જળ સપાટી ૨૦૮ મિટર છે, ત્યારે હાલ વરસાદ વરસતા ડેમની જળ સપાટી વધારો થતાં હાલ ૨૦૭.૧૫ થઈ ગયેલ હોવાથી ડાકવડલા,રામપરા-રાજ,ખાટળી, શેખલીયા,મેવાસા, લોમાકોટડી જેવા ૬ ગામ ને નદીના પટમાં અવર જવર ન કરવા અને સાવચેત રહેવા માટેની સૂચના આપી ને સતર્ક રહેવા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

Loading...