દેશમાં પક્ષીઓના રહસ્યમય મોતથી ચિંતાના વાદળો!

ગુજરાત, રાજસ્થાન અને હિમાચલ પ્રદેશમાં મોટા પ્રમાણમાં પક્ષીઓના મૃતદેહો મળી આવતા અનેક તર્ક વિતર્ક: પક્ષીપ્રેમીઓમાં શોકની લાગણી

દેશના ઘણા રાજ્યોમાંથી મોટી સંખ્યામાં પક્ષીઓના અચાનક મૃત્યુ થયાના અહેવાલો મળી રહ્યા  છે. દર વર્ષે શિયાળાની ઋતુમાં પ્રાણીઓ અને પક્ષીઓની સમસ્યાઓ વધે છે, પરંતુ ચાલુ વર્ષે મોટા પ્રમાણમાં પક્ષીઓના મૃતદેહો મળી આવતા ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.

જૂનાગઢના માણાવદરમાં પણ પક્ષીઓના મોતના કિસ્સા સામે આવી રહ્યા છે. બીજી તરફ રાજસ્થાન અને હિમાચલ પ્રદેશમાં પક્ષીઓના મોતના પગલે વહીવટ તંત્ર એલર્ટ કરવામાં આવ્યા છે. દેશના રાજસ્થાન ગુજરાત અને હિમાચલ પ્રદેશ સહિતના રાજ્યોમાંથી મોટા પ્રમાણમાં પક્ષીઓના મોતની ઘટના સામે આવ્યા બાદ અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે પક્ષીઓના મોત નું કારણ જાણવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અલબત્ત આ તમામ સ્થળોએ મોતના કારણો અલગ અલગ હોઈ શકે પરંતુ પ્રારંભિક તબક્કે જ મોટી સંખ્યામાં મોતના કિસ્સાઓ પક્ષી પ્રેમીઓ માટે દુ:ખદ છે.

હિમાચલમાં ૧૪૦૦ યાયાવર પક્ષીઓના રહસ્યમય મોત

હિમાચલ પ્રદેશના પોન્ગ ડેમ વિસ્તારમાં ૧,૪૦૦ થી વધુ સ્થળાંતરીત પક્ષીઓ રહસ્યમય રીતે મૃત્યુ પામ્યા છે. સાવચેતીના પગલે કાંગરા જિલ્લા વહીવટીતંત્રે આગામી આદેશો સુધી ડેમ જળાશયમાં થતી તમામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂક્યો છે. ભોપાલની હાઈ સિક્યુરિટી એનિમલ ડિસીઝ લેબમાં મોતનું કારણ જાણવા નમૂનાઓ મોકલવામાં આવ્યા છે.

ઈન્દોરમાં કાગડાઓમાંથી વાયરસ મળ્યો

મધ્યપ્રદેશના ઈન્દોરની એક ખાનગી કોલેજ કેમ્પસમાં ૧૦૦ થી વધુ કાગડાઓમાં મૃત મળી આવેલા ૨ માંથી ૨ ’એચ-૫એન-૮’ વાયરસ મળી આવ્યો હતો. આ પછી જાહેર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ કાર્યરત પશુરોગ વિભાગ અને અન્ય સંબંધિત વિભાગો સક્રિય થઈ ગયા છે. આ શ્રેણીમાં, સંકલિત રોગ સર્વેલન્સ પ્રોગ્રામ (આઈડીએસપી) ના અધિક નિયામક ડો. શૈલેષ સકલે ઇન્દોર પહોંચ્યા હતા અને આ મામલાની સમીક્ષા કરી હતી.

માણાવદરના બાંટવા ખારાડેમ નજીકથી ૫૩ પક્ષીઓના મૃતદેહ મળી આવ્યા

માણાવદર તાલુકાના બાંટવા ના ખારાડેમ પાસે રેવન્યુ વિસ્તારમાંથી ટીટોડી, બંગલા,બતક,નકટો સહિત ના ૫૩ પક્ષીઓના મૃતદેહ મળી આવતા ચકચાર પ્રસરી છે. આ અંગે વનવિભાગે તપાસ હાથ ધરી છે. આ અંગે મળતી વિગતો અનુસાર માણાવદરના બાંટવા નજીકના ખારાડેમ પાસેના રેવન્યુ વિસ્તારમાંથી પક્ષીઓના મૃતદેહ પડયા હોવાની મળેલ બાતમીના આધારે વન વિભાગ ના સ્ટાફે તપાસ હાથ ધરી હતી જેમાં સ્થળ પરથી ટીટોડી – ૪૬, બંગલા ૩, નટકો ૧, બતક ૩ મળી કુલ ૫૩ પક્ષીઓના મૃતદેહ મળી આવતા વેટરનરી ડોક્ટર ફળદુ ને બોલાવ્યા હતા તેઓએ પ્રથામિક નિરીક્ષણ કરતા ફુડ પોઇઝનીંગ અથવા ઠંડીથી મૃત્યુ ની આશંકા દર્શાવી છે. તેમણે જણાવ્યું કે આટલી મોટી સંખ્યામાં પક્ષીઓના મોત પાછળ કોઇ રોગચાળો પણ હોઇ શકે તેનું સાચું કારણ જાણવા દશ ટીટોડીના મૃતદેહો ને જૂનાગઢ પી.એમ.માટે મોકલવામાં આવેલ છે. આ મળી આવેલ પક્ષીઓમાં ૪૬ ટીટોડી,  ૩ બગલી,  નટકો ૧, બતક ૩ સમાવેશ થાય છે. પોસ્ટમોર્ટમ બાદ મૃત્યુ નું કારણ બહાર આવશે આ પક્ષીઓના સામુહિક મોતથી પક્ષી પ્રેમીઓમાં અરેરાટી પ્રસરી ગઈ છે.

Loading...