Abtak Media Google News

જોડીયાના પીઠડમાં ૧૦ ઈંચ

વાંસજાળીયા, પરડવા, ધ્રાફા સહિતના ગામોમાં ૫ થી ૬ ઈંચ

જામનગર જિલ્લામાં ગઈકાલે મેઘરાજાની અમિધારા અવિરત ચાલુ રહી હતી, જેમાં ખાસ કરીને જોડિયા પંથકમાં મેઘરાજાની તોફાની બેટીંગ જોવા મળી હતી. જોડિયા તાલુકાના પીઠડ ગામમાં ૧૦ ઈંચ વરસાદ વરસી ગયો હતો. ઉપરાંત જામજોધપુર તાલુકાના વાંસજાળિયા, પરડવા અને ધ્રાફા સહિતના ગામોમાં પ થી ૬ ઈંચ વરસાદ પડી ગયાના અહેવાલો મળ્યા છે.

જામનગર શહેરમાં ગઈકાલે બપોરે એક વાગ્યાથી મેઘરાજાએ વિરામ લીધો છે. તે જ રીતે કાલાવડ, ધ્રોળ અને જોડિયામાં પણ મેઘરાજાએ વિરામ લીધો હતો. જામજોધપુરમાં એક ઈંચ અને લાલપુરમાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો, જો કે આજે સવારથી સમગ્ર જિલ્લામાં મેઘરાજાએ વિરામ રાખ્યો છે.

જોડિયા પંથકમાં પડેલા વરસાદના કારણે પીઠડ ગામમાં ૧૦ ઈંચ વરસાદ નોંધાયો છે. તેમજ જામજોધપુર તાલુકાના વાંસજાળિયા ગામમાં ૧૪૩ મી.મી., પરડવા ગામમાં ૧૩૦ મી.મી., ધ્રાફા અને જામવાડીમાં ૯૦ મી.મી., લાલપુરના મોટાખડબામાં ૧૦ મી.મી., ભણગોરમાં ૪૬ મી.મી., કાલાવડ તાલુકાના ખરેડીમાં પ૦મી.મી., નિકાવામાં ૪પ મી.મી., ભણસાણ બેરાજામાં ૪૦ મી.મી., નવાગામમાં ૩પ મી.મી., મોટા પાંચદેવડામાં ૩૦ મી.મી. અને મોટાવડાળામાં ૩૦ મી.મી. વરસાદ નોંધાયો છે. ઉપરાંત જામનગર તાલુકાના ધુતારપરમાં પ૦ મી.મી., અલિયાબાડમાં ર૮ મી.મી., ફલ્લામાં ૩પ મી.મી. અને નાઘેડીમાં ૩૦ મી.મી. વરસાદ નોંધાયો છે.

ચાલુ વરસાદે મકાન ધરાશાયી સદ્દનશીબે જાનહાની ટળી

જામનગરના લંઘાવડના ઢાળીયા પાસે આવેલું એક આસામીનું કાચું મકાન ગઈકાલે બપોરે ચાલુ વરસાદે ધસી પડતા દોડધામ મચી હતી. સદનશીબે આ વેળાએ ઘરમાં એક જ વ્યકિત હાજર હતાં તેઓ બહાર દોડી જતાં જાનહાની અટકી હતી. ફાયર બ્રિગેડ સહિતની ટીમે કાટમાળ ખસેડયો હતો.

જામનગરના સુભાષ શાક માર્કેટ રોડ પર આવેલા લંઘાવડના ઢાળીયા પાસે વસવાટ કરતા યાકુબભાઈ ઈબ્રાહીમભાઈ કચીરી નામના આસામીનું કાચું મકાન ગઈકાલે બપોરે ભારે વરસાદમાં ધરાશાયી થતાં દોડધામ મચી ગઈ હતી.

ગઈકાલે બપોરે વરસી રહેલા વરસાદ વચ્ચે આ આસામીના વર્ષો જુના કાચા મકાનમાં પતરા તુટવાનો અવાજ આવ્યો હતો. આ વેળાએ આઠ સભ્યોના પરિવારમાંથી એક મહિલા જ ઘરમાં હાજર હતાં તેઓએ અવાજ સાંભળતા ઘરની બહાર દોટ મૂકી હતી તે પછી મકાન પડી ગયું હતું તેથી જાનહાની ટળવા પામી હતી.

મકાન પડયું હોવાની વિગત જામનગર મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા તથા ફાયર બ્રિગેડને આપવામાં આવતા બન્ને શાખાનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસ પણ ધસી ગઈ હતી. સદનસીબે બપોરે બેએક વાગ્યે વરસાદ થંભી ગયો હતો. તેથી ઘરમાં રહેલો સામાન બહાર કાઢવામાં સરળતા રહી હતી. જયારે કાટમાળ પણ ખસેડવાની કાર્યવાહી પૂરજોશમાં કરવામાં આવી હતી. તેમ છતાં ઘરમાં રહેલાં ફ્રીજ, ટીવી સહિતનો સામાન દબાઈ ગયો હતો.

નવાગામ ઘેડમાં રંગમતી નદીના વહેણમાં યુવાન તણાયો

જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલી મધુરમ સોસાયટી પાસેથી ગઈકાલે સાંજે શામજીભાઈ મોહનભાઈ કંટારીયા (ઉ.વ.૪૫) નામના એક વ્યકિત પસાર થતા હતા ત્યારે સોસાયટીની પાછળના ભાગમાંથી ધસમસતા જઈ રહેલાં રંગમતી નદીના પાણીમાં કોઈ રીતે શામજીભાઈ તણાવા લાગ્યા હતાં. ઉપરવાસના વરસાદના કારણે રંગમતી-નાગમતી નદીમાં આવેલા વરસાદી પાણીના વહેણે આ બન્ને નદીને બે કાંઠે કરી દીધી હોય તેમાંથી વરસાદી પાણી દરિયા તરફ જતું હતું.

વહેણમાં તણાવા લાગતા શામજીભાઈએ બુમાબુમ કરતા મધુરમ સોસાયટી પાસે હાજર વ્યકિતઓએ તેઓને બચાવવાનો પ્રયાસ શરૃ કર્યો હતો. તે દરમ્યાન જમીન પરથી પગ ઉપડી જતાં શામજીભાઈ ફંગોળાવા લાગ્યા હતાં. ત્યારે તેઓના હાથમાં નદીના પટ્ટ પાસે ઉગેલા એક ઝાડની ડાળી આવી જતાં તેઓ તેમાં ટીંગાઈ ગયા હતાં. તે દરમ્યાન ફાયર બ્રિગેડનો સ્ટાફ પહોંચી ગયો હતો. સ્થાનિક નગરસેવક સહિતના વ્યકિતઓ પણ આવી ગયા હતાં. ફાયરના જવાનોએ તુરંત જ રેસ્કયુ કામગીરી શરૃ કરી દોરડા નાખી શામજીભાઈ સુધી પહોંચવાનો સફળ પ્રયાસ કર્યો હતો. આ યુવાનને દોરડેથી બાંધી લઈ કાંઠા સુધી ખેંચી લેવામાં આવ્યા હતાં. અંંદાજે બેએક કલાકમાં ફાયરના જવાનોએ કામગીરી પૂર્ણ કરી આ યુવાનનો જીવ બચાવી લીધો હતો.

ભારે વરસાદથી સ્મશાનગૃહમાં પાણી ઘુસ્યા

૧૦ જેટલી અંતિમક્રિયા માટે બે ફૂટ પાણીમાં ચાલીને જવું પડ્યું: રંગમતિ નદીમાં પૂરથી સ્મશાનની ફર્નેશ ભઠ્ઠીના તળીયામાં પાણીની સરવાણી ફૂટી

જામનગર શહેરમાં ગઈકાલે દિવસ દરમિયાન પડેલા અતિભારે વરસાદના રંગમતી નદીમાં ભારે પુર આવ્યા હતા. જેના કારણે સ્મશાનમાં બે ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું. ગઇકાલે ૧૦ જેટલી અંતિમ ક્રિયા કરવા માટે ૨ ફૂટ પાણી માંથી ચાલીને જવું પડ્યું હતું.

જામનગર શહેરમાં ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન પડેલા વરસાદના કારણે તેમ જ દરેડ સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને લઇને રંગમતી નદીમાં ભારે પૂર આવ્યા હતા. જેના કારણે સ્મશાનમાં બે ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું. અને ગઇકાલના સમગ્ર દિવસ દરમિયાન ૧૦ જેટલી અંતિમ ક્રિયા કરવા માટે ૨ ફૂટ પાણી માંથી ચાલીને જવું પડ્યું હતું. અને પાણીની વચ્ચે અગ્નિદાહ દેવાનો વારો આવ્યો હતો. ઉપરાંત આજે સ્મશાનમાં એક નવી સમસ્યા ઊભી થઈ છે. રંગમતી નદીના ધસમસ્તા પ્રવાહ ને લઈને ફર્નેસ ની ભઠ્ઠી ના તળિયામાંથી પાણીની સરવાણી ફૂટી રહી હોવાથી યુદ્ધના ધોરણે તેને મરામત કરવા માટેની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી છે.

જામનગરના આદર્શ સ્મશાનમાં પરમદિને રાત્રે થી ગઈકાલે બપોર સુધી પડેલા વરસાદના કારણે તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના વરસાદના કારણે રંગમતી નદીમા ઘોડાપૂર આવ્યા હતા. કંકાવટી ડેમ અને રંગમતી ડેમ ના પાટીયા ખોલવામાં આવ્યા હોવાથી જામનગરની રંગમતી નદીના ભારે પૂર આવ્યા હોવાના કારણે આદર્શ સ્મશાનમાં પાણી ઘૂસ્યા હતા અને મોડી રાત્રી સુધી સ્મશાન પરિસરમાં બે ફૂટ જેટલું પાણી ભરાયેલું રહ્યું હતું.

સદનસીબે અગ્નિદાહ આપવા માટેનું પ્લેટફોર્મ ઊંચુ હોવાથી પાણી ત્યાં સુધી પહોંચ્યું ન હતું. અને અગ્નિદાહ દઈ શકાયો હતો. તે જ રીતે ઈલેક્ટ્રીક ફર્નેસ ભઠ્ઠી માં પણ અગ્નિદાહ દેવાની પ્રક્રિયા ચાલુ રહી શકી હતી. ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન ૧૦ મૃતદેહોની અંતિમવિધિ બે ફૂટ પાણીમાંથી ચાલીને અંતિમ વિસામા સુધી પહોંચી અંતિમ ક્રિયા કરવાનો વારો આવ્યો હતો. જોકે આજે સવારે પાણી ઉતરતા થોડી રાહત થઇ છે. પરંતુ સ્મશાનમાં આજે એક નવી સમસ્યા ઊભી થઈ છે. રંગમતિ નદીમાં ધસમસતા પાણી નો અવિરત પ્રવાહ ચાલુ હોવાથી સ્મશાનની ઈલેક્ટ્રીક ફર્નેસ ભઠ્ઠી ના તળિયામાંથી પાણી ની સરવાણી ફૂટી છે, અને તળિયામાં પાણી ભરાવાનું શરુ થઇ ગયું છે. જેથી સ્મશાન વ્યવસ્થા કમિટી ના સભ્યોની દોડધામ વધી છે. તાત્કાલિક અસરથી કડિયા વગેરેને બોલાવી લીકેજ દૂર કરવા તેમજ ભઠ્ઠી ની અંદર ભરાતું પાણી ખાલી કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. આજે પણ વહેલી સવારમાં પાંચ મૃતદેહો અંતિમવિધિ માટે આવતા વ્યવસ્થા કમિટી માટે સમસ્યામાં વધારો થયો છે, અને સમારકામ ચાલુ રાખીને પણ અંતિમવિધિ કરવામાં આવી રહી છે.

જામજોધપૂરમાં બપોર સુધીમાં ૬ ઈંચ વરસાદથી જળબંબાકાર

ખેતરોમાં ઉભેલા પાકને નુકશાન: લીલો દુકાળ જાહેર કરવા માંગ

જામજોધપૂરમાં ગઈકાલે સવારથી બપોર સુધીમાં છ ઈચ વરસાદ પડતા સર્વત્ર જળબંબાકાર થઈ ગયું હતુ. જામજોધપૂર અને તાલુકામાં ભારે વરસાદ પડવાથી ખેડુતો ખેતરમાં જઈ પણ શકતા નથી. ખેતરોનાં ઉભેલા પાક મગફળી, કપાસ, એરંડા, તુવેર, તલ, મગ, અડદ, બાજરી વગેરે તમામ પાકને સતત પાણી ભરાઈ રહેતા મોટુ નુકશાન થયું છે. સતત ભારે વરસાદથી ખેતરો પણ ધોવાઈ ગયા છે.જામજોધપૂર તાલુકામા આવેલા વેણુ, ફૂલઝર, સોગઠી, ડાઈમીણસાર, ઉમીયાસાગર, મોવાણા ડેમ ઓવરફલો થઈ રહ્યા છે. ભારે વરસાદ અને નદીમાં પૂર આવતા બેઠા પૂલ ધોવાઈ ગયા છે. પૂલ ધોવાતા વાહન વ્યવહારને પણ માઠી અસર થઈ છે. જામજોધપુર શહેર તાલુકામાં સતત ભારે વરસાદથી ખેતરને મોટુ નુકશાન થયું હોય પંથકમાં લીલો દુષ્કાળ જાહેર કરવા ખેડૂતોની માંગ ઉઠી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.