Abtak Media Google News

મેટોડા જીઆઈડીસી, પડધરી અને શાપરની કંપનીનો સમાવેશ

ગુજરાત પ્રદુષણ કંટ્રોલ બોર્ડ રાજકોટ દ્વારા પ્લાસ્ટીક વેસ્ટનો નિકાલ ન કરનાર અને જીપીસીબીની મંજુરી વગર ઉત્પાદન ચાલુ કરનાર અને ટ્રીટમેન્ટ વગર પાણીનો નિકાલ કરનારી પાંચ કંપનીઓને કલોઝર નોટીસ ફટકારવામાં આવી છે. નોટીસમાં આ તમામ કંપનીઓને ૧૫ દિવસની મુદત પણ આપવામાં આવી છે અને હાલ આ તમામ કંપનીઓનું વીજ કનેકશન કાપી દેવામાં આવશે. જો નિયત સમયમાં નોટીસનો જવાબ ન આપવામાં આવે તો ગુજરાત પ્રદુષણ કંટ્રોલ બોર્ડ દ્વારા તાજેતરમાં શાપર, મેટોડા, પડધરી ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મેટોડા જીઆઈડીસી ખાતે સ્થિત બાલાજી મલ્ટીફલેકસ પ્રા.લી., યશ રોટોપ્રિન્ટ પ્રા.લી., એપ્રિકોટ ફુડસ પ્રા.લી. તથા પડધરીની પદમા રેસીન ઈન્ડસ્ટ્રીઝનો સમાવેશ કરવામાં આવ્યો છે.

જયારે શાપર-વેરાવળની વાત કરવામાં આવે તો શુભમ એન્ટરપ્રાઈઝને પણ જીપીસીબીની કલોઝર નોટીસ મળેલી છે. આ તમામ કંપનીઓ દ્વારા જીપીસીબીનું જે જરૂરી રજીસ્ટ્રેશન હોય તે લેવામાં આવ્યું નથી અને પૂર્વ મંજુરી મેળવ્યા વગર ચીજ-વસ્તુઓનું ઉત્પાદન ચાલુ કરી દેવામાં આવ્યું છે જેથી આ તમામ કંપનીઓને જીપીસીબી દ્વારા કલોઝર નોટીસ ફટકારવામાં આવી છે. શાપર-વેરાવળની વાત કરવામાં આવે તો શુભમ એન્ટરપ્રાઈઝ નામની કંપની ટ્રીટમેન્ટ વગર દુષિત પાણી ખુલ્લામાં છોડી દેતી હોવાનું સામે આવ્યું હતું. જે જીપીસીબીનાં તપાસનીશ અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, જે કોઈ ઔધોગિક એકમો છે તેઓએ પ્લાસ્ટીક વેસ્ટનો વૈજ્ઞાનિક અને નિયમ મુજબ નિકાલ કરવાનો રહેતો હોય છે પરંતુ નિયમોનાં લીરા ઉડાડતા તેઓ ઉપર આકરી કાર્યવાહી કરવામાં આવશે.

પ્લાસ્ટીક વેસ્ટનો યોગ્ય નિકાલ ન કરતાં અને પ્લાસ્ટીક વેસ્ટ રૂલ્સની મંજુરી મેળવી ન હોવા છતાં તેનો જે રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેને જોતાં જીપીસીબી દ્વારા આ તમામ કંપનીઓ પર લાલ આંખ કરવામાં આવી છે. આ તકે જીપીસીબીનાં અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, કલોઝર નોટીસ અપાયેલી કંપનીઓ દ્વારા જરૂરી મંજુરી લીધા વગર ઉત્પાદન ચાલુ કરેલ હોવાથી અને ગંદુ પાણી કોઈ જ પ્રકારે શુદ્ધિકરણ કર્યા વગર જમીન પર ધોળતા હોવાથી તેઓને પણ કલોઝર ફટકારવામાં આવી છે. હાલ આ તમામ કંપનીઓએ ૧૫ દિવસનાં નિયમિત સમયગાળામાં તેમનો જવાબ રજુ કરવાનો રહેશે અને જો આ સમયગાળામાં તેઓ તેમનો જવાબ રજુ નહીં કરે તો તેમનું લાઈટ કનેકશનને પણ કાપી નાખવામાં આવશે ત્યારબાદ તેઓએ તેમની કંપની શરૂ કરવા માટે બેંક ગેરેન્ટી કે જે ન્યુનતમ ૧ લાખથી શરૂ થતી હોય તે પણ આપવાની રહેશે. સાથો સાથ બાંહેધરીપત્ર પણ આપવું પડશે અને ગંદા પાણીને શુદ્ધ કરવા માટેનાં પ્લાન્ટની પણ મંજુરી મેળવવી પડશે ત્યારબાદ પુન: જે કંપનીઓનું વીજ કનેકશન કપાયેલું હશે તે કંપની શરૂ કરી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.