Abtak Media Google News

આજે સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં મહતમ તાપમાન નોર્મલ રહેશે: કાલથી ફરી પારો ઉંચકાશે

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત રાજયભરમાં ગત સપ્તાહે માથાફાડ ગરમીએ હાહાકાર મચાવ્યો હતો. આજે રાજયભરમાં ગરમીમાં લોકોને થોડી રાહત મળશે. જોકે કાલથી ફરી ચાર દિવસ હીટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. ગઈકાલ રાતથી જ વાતાવરણમાં થોડી ઠંડક અનુભવાઈ રહી છે. આજે સવારે વાતાવરણ ઠંડુ રહેવા પામ્યું હતું. આજે રાજયમાં વાઈટ એલર્ટ એટલે કે તાપમાનનો પારો નોર્મલ રહે તેવી આગાહી આપવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગઈકાલે રવિવારે રાજયભરમાં ગરમીમાં થોડી રાહત જોવા મળી હતી. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો ૪૧.૩ ડિગ્રી સેલ્શીયસે પહોંચી ગયો હતો. સુરેન્દ્રનગર રાજયના સૌથી ગરમ શહેર તરીકે નોંધાયું હતું. આ ઉપરાંત ભુજનું તાપમાન ૪૧ ડિગ્રી સેલ્શીયસ, કંડલાનું તાપમાન ૪૦.૮ ડિગ્રી સેલ્શીયસ, રાજકોટનું તાપમાન ૪૦.૨ ડિગ્રી સેલ્શીયસ, અમરેલીનું તાપમાન ૪૦.૩ ડિગ્રી સેલ્શીયસ, ભાવનગરનું તાપમાન ૩૮.૧ ડિગ્રી સેલ્શીયસ, પોરબંદરનું તાપમાન ૩૬.૬ ડિગ્રી સેલ્શીયસ અને જામનગરનું તાપમાન ૩૫ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું.

આજે સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં તાપમાનનો પારો સામાન્ય રહેશે. દરમિયાન આવતીકાલથી ફરી ચાર દિવસ હીટવેવની આગાહી આપવામાં આવી છે. મંગળવારથી લઈ શુક્રવાર સુધી રાજયના મોટાભાગના શહેરોમાં મહતમ તાપમાન ૪૦ ડિગ્રી ઉપર રહેશે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે. ઉનાળાના આરંભે જ જે રીતે સુર્યનારાયણ કાળઝાળ બની આકાશમાંથી અગનવર્ષા કરી રહ્યા છે તે જોતા એવું લાગી રહ્યું છે કે, આ વર્ષે ઉનાળાની સીઝનમાં રેકોર્ડબ્રેક તડકા પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.