Abtak Media Google News

કોરોના દરમિયાન બે માસ મચ્છી મારીનો ધંધો બંધ રહેતા પગાર કાપવાની મિટીંગ દરમિયાન હંગામો

૪૦૦૦થી ખારવા સમાજના સ્ત્રી-પુરૂષોએ પથ્થરમારો કરી તોડફોડ, લૂંટ અને હત્યાની કોશિશ બોટ માલિકો અને ખલાસીઓ સામે નોંધાતો ગુનો

કોરોના મહામારીના કારણે છેલ્લા બે માસથી ચાલતા લોક ડાઉનના કારણે દરિયામાં પણ મચ્છીમારીનો વ્યવસાય બંધ કરવામાં આવ્યો હતો. જાફરાબાદમાં ખલાસીઓને લોક ડાઉનની રજા દરમિયાન પગાર આપવામાં આવશે તેવું જાહેર કરાયા બાદ પગાર કાપવા અંગે બોટ માલિકો અને ખારવા સમાજના આગેવાનો તેમજ ખલાસીઓ વચ્ચે મળેલી મિટીંગ દરમિયાન બંઘડાટી બોલતા ખલાસીઓના ૪૦૦૦નું ટોળુ વિફર્યુ હતું. ટોળાએ પથ્થરમારો કરી તોડફોડ શરૂ કર્યા બાદ લૂંટફાટ કરતા ખારવા સમાજના આગેવાનોએ તલવારથી વળતો હુમલો કરતા નાસભાગ મચી ગઇ હતી. ખારવા સમાજનું ટોળુ વધુ બેકાબુ બન્યાની જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાય જાફરાબાદ દોડી ગયા હતા. અને સમગ્ર જિલ્લાની પોલીસને જાફરાબાદ બોલાવી ટીયર ગેસના સેલ છોડી ૫૦થી વધુની ધરપકડ કરી સામસામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

જાફરાબાદમાં બોટ માલિકો મચ્છી મારી કરવા માટે ખલાસીઓને આઠ માસની સળંગ નોકરી પર રાખતા હોય છે. દરમિયાન કોરોના મહામારીના કારણે મચ્છી મારીનો વ્યવસાય બંધ રાખવો પડયો હતો ત્યારે ખલાસીઓને રજાના દિવસોમાં પગાર ચુકવવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું પરંતુ લોક ડાઉન વધુ લંબાવવાના કારણે છેલ્લા બે માસથી મચ્છીમારીનો ધંધો બંધ રહેતા ગઇકાલે જાફરાબાદ બોટ એસોસિએશનની ઓફિસે બોટ માલિકોની મિટીંગ મળી હતી. તેમાં બોટ માલિકો અને ખારવા સમાજના આગેવાનો મિટીંગ મળી હતી અને લોક ડાઉનના કારણે બે માસ સુધી મચ્છીમારીનો ધંધો બંધ રહ્યો હોવાથી ખલાસીઓને પગાર ન આપવા અંગે ચર્ચા થઇ હતી.

શુકર હરજી ઉર્ફે પોપટવાળા ત્યાં ઘસી આવ્યો હતો અને મિટીંગ શા માટે કરી તે અંગે ખારવા સમાજના આગેવાન અને બોટ એસોસિએશનના પ્રમુખ નારણ કલ્યાણભાઇ બાભંણીયાને કહી ઝઘડો શરૂ કરી દીધો હતો.

મચ્છીમારીના વ્યવસાય સાથે સંકડાયાલે ખલાસીઓમાં પગાર કાપવા અંગેની વાત વાયુવેગે પસરી જતા ૪ થી ૫ હજાર સ્ત્રી પુરૂષનું ટોળુ બોટ એસોસિએશનની ઓફિસે ઘસી ગયું હતુ અને પથ્થરમારો કરી રૂા.૪૫ હજારની લૂંટ કરી રૂા.૫૦ હજારનું નુકસાન કર્યા અંગેની નારણભાઇ કલ્યાણભાઇ બાંભણીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જ્યારે ખલાસી પક્ષે અજયભાઇ ભગુભાઇ બાંભણીયાએ હત્યાની કોશિષની વળતી ફરિયાદ નોંધાવી છે.

ઉશ્કેરાયેલુ ટોળુ બેકાબુ બની આડેધડ પથ્થરમારો કરી તોડફોડ કરતા જિલ્લા પોલીસ વડા નિલિપ્ત રાય જાફરાદબાદ દોડી ગયા હતા. ટોળાને કાબુ કરવા માટે નાગેશ્રી, રાજુલા, પીપાવાવ મરીન, ખાંભા અને ડુંગર પોલીસને જાફરાબાદ મદદમાં બોલાવી લીધા હતા. પોલીસે લાઠીચાર્જ કરી ટીયર ગેસ છોડી ટોળાને વિખેરી નાખ્યું હતું.

Img 20200521 Wa0035

પોલીસે નારણભાઇ બાંભણીયાની ફરિયાદ પરથી ભાવેશ ઉર્ફે બાઠીવાળા મંગા બારૈયા, મંગા બારૈયા, ધનવીર મંગા, જીગર બારૈયા, ગોપાલ બાંભણીયા, કાનજી લાખા બારૈયા, કિસન બારૈયા, ઇશ્ર્વર સોલંકી, વિકેશ સોલંકી, શૈલેષ બારૈયા, પરવેશ બાંભણીયા, તિલક બારૈયા, ભરત બારૈયા, વિજય બારૈયા, સુરેશ સોલંકી, અક્ષય સોલંકી, અતુલ બારૈયા સહિત ૫૦ની તોડફોડ અને લૂંટના ગુનામાં ધરપકડ કરી છે.

જ્યારે ખલાસી અજયભાઇ ભગુભાઇ બાંભણીયાની ફરિયાદ પરથી તુલશી ભગી ચાઇનીઝ, રાજેશ પોરબંદરવાળો, શંકર રાણા, માલા કાના વંશ, સંજય મંગા બારૈયા, પિન્ટુ જીવન બારૈયા સહિત ૧૦ થી ૧૫ના ટોળા સામે હત્યાની કોશિષનો ગુનો નોંધાયો છે. બોટ માલિકો દ્વારા ખલાસીઓનો બે માસનો પગાર કાપવામાં આવશે તેમ જણાવતા તેને રજૂઆત કરવા ગયા ત્યારે અજયભાઇ બાંભણીયા, સંજયભાઈ મંગાભાઇ, મિલન સુરેશ બારૈયા, ગોપાલ શુકર બાંભણીયા, જ્યોતીબેન નરશીભાઇ અને સવિતાબેન પર તલવારથી હુમલો કરી બે માસનો પગાર આપવો નથી તેમ કહી ધમકી દીધાનું ફરિયાદમાં જણાવ્યું છે. જિલ્લા પોલીસ વડા નિલિપ્ત રાયએ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.

બોટ માલિકોને પગાર ન કાપવા તાકીદ કરાઇ

જાફરાબાદમાં તાજેતરમાં જ ખારવા અને કોળી સમાજ ત્યાર બાદ મુસ્લિમ અને ખારવા સમાજ વચ્ચે થયેલી મોટી બઘડાટી બાદ ગઇકાલે બોટ માલિકો અને ખલાસીઓ વચ્ચે ખારવા સમાજના જ બે જૂથ્થ વચ્ચે થયેલી બઘડાટીના પગલે જિલ્લા પોલીસ વડા નિલિપ્ત રાય જાફરાબાદ દોડી આવ્યા બાદ ૧૦૦થી વધુની અટકાયત કરી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને બોટ માલિકોને ખલાસીઓનો પગાર ન કાપવા અંગે તાકીદ કરી છે.

ધારાસભ્ય ડેરે બંને પક્ષને સંયમ રાખવા કરી અપીલ

જાફરાબાદ ખાતે ખારવા સમાજના જ બંને જુથ્થ બોટ માલિકો અને ખલાસીઓ વચ્ચે બે માસના પગારના પ્રશ્ર્ને થયેલી બઘડાટી અંગે રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેરે બંને પક્ષ એક જ સમાજના છે અને પક્ષે સયંમ રાખી એક બીજાનું હિત જોવા અપીલ કરી છે. બોટ માલિકોને ખલાસીની જરૂર છે તે રીતે ખલાસીઓની રોજી રોટી પણ બોટ માલિકો પુરૂ પાડતા હોવાથી બંને પક્ષે એક બીજાનું હિત જોવા અપીલ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.