Abtak Media Google News

પ્રદેશ ભાજપ નિરીક્ષક ભુપેન્દ્ર લાખાવાલા, ભાવનાબેન દવે અને વિનોદભાઈ ચાવડાએ રાજકોટની ચાર બેઠકો માટે સંભવિતોને સાંભળ્યા: રાજકોટ ગ્રામ્ય બેઠક માટે ભાનુબેન બાબરીયા અને રાજકોટ દક્ષિણ બેઠક માટે ધનસુખભાઈ ભંડેરીનું નામ હોટ ફેવરીટ રાજકોટ પૂર્વ માટે અડધો ડઝન નામ ચર્ચામાં: ૬૯ રાજકોટ પશ્ર્ચિમ બેઠક માટે વિજયભાઈનું નામ ફાઈનલ જેવું

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યાં છે ત્યારે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી કરવાની કાર્યવાહી શ‚ કરી દેવામાં આવી છે. પ્રદેશમાંથી આવેલા નિરીક્ષક ભુપેન્દ્ર લાખવાલા, ભાવનાબેન દવે અને વિનોદભાઈ ચાવડા દ્વારા આજે કરણપરા સ્થિત શહેર ભાજપ કાર્યાલય ખાતે રાજકોટ શહેરની ત્રણ અને રાજકોટ ગ્રામ્યની બેઠક માટે સંભવિત ઉમેદવારોની સેન્સ લેવામાં આવી હતી. કમળના પ્રતિક પરથી ચૂંટણી લડી રાજકારણમાં વિકાસ સાધવા ઉમેદવારોનો રાફડો ફાટયો છે. ૭૧ રાજકોટ ગ્રામ્ય બેઠક માટે અડધો ડઝન વધુ ઉમેદવારોએ સેન્સ આપી હતી. જેમાં હાલ વર્તમાન ધારાસભ્ય ભાનુબેન બાબરીયાનું નામ હોટ ફેવરીટ માનવામાં આવી રહ્યું છે. આ રીતે ૭૦ દક્ષિણ રાજકોટ માટે પણ અડધો ડઝનથી વધુ ઉમેદવારોએ સેન્સ આપી છે. જેમાં પૂર્વ મેયર ધનસુખભાઈ ભંડેરીનું નામ મોખરે ચાલી રહ્યું છે.આજે સવારથી શહેર ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સૌપ્રથમ ૭૧ રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક માટે નિરીક્ષકોએ સંભવિતોને સાંભળ્યા હતા. જેમાં વર્તમાન ધારાસભ્ય ભાનુબેન બાબરીયા ઉપરાંત વિજયાબેન મકવાણા, ગિરીશભાઈ પરમાર, અનિલભાઈ મકવાણા, રાજુભાઈ અઘેરા, લાખાભાઈ સાગઠીયા અને કરશનભાઈ વાઘેલા સહિતનાઓએ નિરીક્ષકોની સમક્ષ ચૂંટણી લડવા ઈચ્છા વ્યકત કરી હતી. બપોરે ૧૨ કલાકથી ૭૦ રાજકોટ દક્ષિણ બેઠક માટે સંભવિતોને સેન્સ લેવાની કાર્યવાહી શ‚ કરવામાં આવી છે. આ બેઠક માટે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ ઉપરાંત મ્યુનિ.ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, પૂર્વ મેયર ઉદયભાઈ કાનગડ સહિતનાઓએ નિરીક્ષકો સમક્ષ સેન્સ આપી હતી.બપોરે ૩ થી ૬ દરમિયાન ૬૮ રાજકોટ પૂર્વની બેઠક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને આ બેઠક ગુમાવી હતી. આ બેઠક માટે આ વખતે ચૂંટણી લડવા માટે મહાપાલિકાના શાસક પક્ષના નેતા અરવિંદભાઈ રૈયાણી ઉપરાંત વોટર વર્કસ સમીતીના ચેરમેન દલસુખભાઈ જાગાણી, ખીમા ટીડા મકવાણા, ઉદયભાઈ કાનગડ, ભારતીબેન પરસાણા, નરેન્દ્રભાઈ સોલંકી અને વલ્લભભાઈ દુધાત્રાના નામો ચર્ચામાં હોવાનું જાણવા મળી રહ્યું છે. સૌથી છેલ્લે સાંજે ૬૯ રાજકોટ પશ્ર્ચિમ બેઠક માટે નિરીક્ષકો દ્વારા સેન્સ લેવામાં આવશે. આ બેઠક માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નામ ફાઈનલ હોવાનું મનાઈ રહ્યું છે. છતાં ૫ થી ૬ લોકો પોતાની દાવેદાવી રજૂ કરે તેવી સંભાવના જણાય રહી છે.પ્રદેશ નિરીક્ષકોએ પત્રકારો સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, કમળના પ્રતિક પરથી ચૂંટણી લડવા માટે ભાજપના કાર્યકરોમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાથો સાથ તમામ દાવેદારો એવી લાગણી વ્યકત કરી રહ્યાં છે કે, કોઈપણ વ્યક્તિને ટીકીટ આપવામાં આવે તેઓ ભાજપને જીતાડવા માટે પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી દેશે. નિરીક્ષક ભાવનાબેન દવેએ જણાવ્યું હતું કે, તાજેતરમાં જે રીતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ દ્વારા યુવા ટાઉન હોલ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તે રીતે આગામી ૧૪મી ઓકટોબરના રોજ મહિલા ટાઉન હોલ કાર્યક્રમ યોજવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.