સિવિલ હોસ્પિટલની દવા બારીએ લોલમલોલ: ખોટી દવા આપતા સર્ગભાની હાલત ગંભીર

તબીબે લખેલી દવાના બદલે મીસ ડીલીવરીની દવા આપી દીધાનો સર્ગભાના પરિવારનો આક્ષેપ: દવા બારીના કર્મચારી સાથે બઘડાટી બોલાવી

શહેરની સિવિલ હોસ્પિટલના સ્ટાફ અવાર નવાર કોને કોઇ કારણસર વિવાદમાં આવતો હોય છે. દવા બારી પર કામ કરતા કર્મચારીઓ દર્દી અને તેઓના સગા સાથે માથાકૂટ કરી હોસ્પિટલ તંત્રને બદનામ કરી રહ્યા હોય તેમ વધુ એક આવો જ બનાવ પ્રકાશમાં આવ્યો છે. તબીબ દ્વારા લખાયેલી દવાના બદલે મીસ ડીલીવરીની દવા આપવાના કારણે સર્ગભાની હાલત ગંભીર બન્યાના ચોકાવનારા આક્ષેપ સાથે સર્ગભાના પરિવાર દ્વારા હોસ્પિટલમાં બઘડાટી બોલાવી હતી.

આ અંગેની સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર શહેરના રેલનગરમાં રહેતી જાગૃતિબેન સંદિપભાઇ સોલંકી નામની ૨૭ વર્ષની સર્ગભાની બ્લડીંગ થતું હોવાથી ગત તા.૨ ડીસેમ્બરે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દવા લેવા આવ્યા ત્યારે સિવિલ હોસ્પિટલના ગાયનેક દ્વારા તપાસ કરી દવા લખી આપવામાં આવી હતી.

જાગૃતિબેન સોલંકી દ્વારા દવા બારીએથી દવા લીધા બાદ તેણીની હાલત કફોડી બની હતી અને મીસડીલીવરી થાય તેવી સ્થિતી સર્જાતા તેણીના પરિવારમાં દોડધામ મચી ગઇ હતી.

દવાના કારણે આ હાલત થયાનું જણાતા ખાનગી તેમજ સિવિલ હોસ્પિટલના તબીબોને દવા અંગેની જાણકારી મેળવતા દવા મીસડીલીવરી કરવા માટેની હોવાનું જાગૃતિબેન સોલંકીના પરિવારને જાણવા મળતા રોષે ભરાયેલા સર્ગભાના પરિવારજનો હોસ્પિટલ દોડી આવ્યા હતા અને દવા શા માટે ખોટી આપવામાં આવી તે અંગે ગોકીરો કરતા હોસ્પિટલનો સ્ટાફ પોતાના બચાવ માટે સર્ગભાના પરિવારને અહી-તહી મોકલી રહ્યા હતા અને દવા સિવિલ હોસ્પિટલ દ્વારા જ આપવામાં આવી હોવાનું અંતે સ્વીકારવામાં આવ્યું હતું જો કે દવા તા.૨ ડીસેમ્બરે આપવામાં આવી હતી અને તેણી તબીયત હવે છે કે કેમ લથડી તે અંગે હોસ્પિટલ સ્ટાફ દ્વારા પણ જાણકારી મેળવવામાં આવી રહી છે.

જાગૃતિબેન સોલંકીને આ પ્રકારની દવા કયાં સ્ટાફે આપી તે માહિતી મેળવવા તા.૨ ડિસેમ્બરના સીસીટીવી ફુટેજ મેળવી તપાસમાં આરએમઓએ ઝુકાવ્યું છે.

હોસ્પિટલના સ્ટાફની બેદરકારી જણાશે તો તેઓ સામે કાર્યવાહી કરવામાં આવશે તેવો નિર્દેશ આપવામાં આવી રહ્યો છે.

Loading...