Abtak Media Google News

જસદણના પારેવાળા ગામે રૂા. ૧૩ લાખના ખર્ચે તૈયાર થયેલી આંગણવાડી અને પંચાયત ઘરનું લોકાર્પણ કરતા પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજીભાઇ બાવળીયા

જસદણ તાલુકાના પારેવાળા ગામે અંદાજે રૂા.૧૩ લાખથી વધુના ખર્ચે તૈયાર થયેલ નવા આંગણવાડી કેન્દ્ર અને પંચાયત ઘરનું લોકાર્પણ રાજયના પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના વરદહસ્તે કરાયું હતું.

ગ્રામ્ય કક્ષાએ દરેક માળખાગત સુવિધા પુરી પાડી ગામડાઓનો સર્ંવાંગી વિકાસ એજ રાજય સરકારનું લક્ષ્ય છે તેમ જણાવતાં મંત્રી બાવળીયાએ વધુમાં ઉમેર્યું હતું કે રાજય સરકાર દ્વારા આરોગ્ય, શિક્ષણ, ગ્રામ્ય રસ્તા, પંચાયત ઘર, પીવાનું પાણી અને અન્ય તમામ માળખાકિય સુવિધા ગ્રામ્ય કક્ષાએ ઉપલબ્ધ થાય તે માટે સતત પ્રયત્નશીલ છે. રાજય સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવાતી આ તમામ સુવિધાઓનું જતન અને જાળવણીએ ગ્રામજનોની  નૈતિક જવાબદારી છે. લોકો આ સુવિધાનો લાભ ઉઠાવે અને વધુને વધુ પ્રગતી કરે તે જ રાજય સરકારની નેમ છે. આ તકે તેઓએ જસદણ ખાતે તાલુકા કક્ષાની સામુહિક આરોગ્ય કેન્દ્રને પણ સીવીલ હોસ્પીટલનો દરજ્જો આપી તે મુજબના આધુનિક સારવાર માટેની તમામ સુવિધાઓ સાથે તજજ્ઞ તીબીબો સહિતની સુવિધા મંજુર કરાવ્યાનું અને ટુંક સમયમાં માળખાકિય સુવિધા સાથે જસદણ ખાતે આ હોસ્પીટલ કાર્યરત થશે તેવી જાહેરાત કરી હતી. આ તકે અગ્રણી ખોડાભાઇ ખસીયા તથા ગામના અગ્રણી વિનુભાઇએ પ્રાસંગીક ઉદબોધન કરતાં રાજય સરકારના આ છેવાડાના તાલુકાઓને વિકાસ કામોની ભેટ આપવા બદલ આભારની લાગણી વ્યકત કરી હતી.

આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી વી.બી.ગોહિલ, વનવિભાગના અધિકારી આંબલીયા, સી.ડી.પી.ઓ. તરુલતાબેન, ઇલાબેન, ગામના યુવા સરપંચ પ્રદીપભાઇ રામાવત, તાલુકા ભાજપ મહામંત્રી મનસુખભાઇ જાદવ, જિલ્લા પંચાયતના સભ્યો રામભાઇ તથા કાળુભાઇ, તલાટી હર્ષીલભાઇ સહિત અગ્રણીઓ, પંચાયતના સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.