Abtak Media Google News

ગેરેન્ટીવાળા રસ્તાઓ ડેમેજ થયા હશે તો કોન્ટ્રાકટરોને દંડ ફટકારાશે: મ્યુનિ.કમિશનર

શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે રાજમાર્ગો પર ગાબડાઓનું સામ્રાજય સર્જાય ગયું છે ત્યારે વરસાદના કારણે રોડ-રસ્તાને થયેલી નુકસાનીનો સર્વે કરી બે દિવસમાં રીપોર્ટ આપવા ત્રણેય ઝોનના સીટી એન્જીનીયરોને તાકીદ કરવામાં આવી છે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ રાજકોટના છેલ્લા એક સપ્તાહથી સતત વરસાદ વરસી રહ્યો છે. બે રાઉન્ડમાં ભારે વરસાદના કારણે શહેરના મોટાભાગના મુખ્ય રાજમાર્ગો પર મોટા-મોટા ગાબડા પડી ગયા છે જેના કારણે વાહનચાલકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ગત વર્ષે શહેરમાં એક જ રાતમાં પડેલા ૧૭ ઈચ વરસાદના કારણે રાજમાર્ગોને ૩૨ કરોડથી પણ વધુની નુકસાની થવા પામી હતી.

મહાપાલિકાએ ચોમાસામાં રોડ ન તુટે તેવી ગેરેન્ટી સાથે ડામર પેવરનો કોન્ટ્રાકટ આપ્યો હતો. દરમિયાન ચાલુ સાલ ભારે વરસાદના કારણે શહેરના રાજમાર્ગોને થયેલી નુકસાનીનો સર્વે કરી બે દિવસમાં નુકસાનીના ચોકકસ આંક સાથે રીપોર્ટ આપવા ઈસ્ટ, વેસ્ટ અને સેન્ટ્રલ ઝોન કચેરીના સીટી એન્જીનીયરોને મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની દ્વારા આદેશ આપી દેવામાં આવ્યો છે.

આટલું જ નહીં જો ગેરેન્ટીવાળા રસ્તાઓ ડેમેજ થયા હશે તો તે કોન્ટ્રાકટરો પાસે રીપેર કરાવવામાં આવશે અને ગેરેન્ટી આપવા છતાં રસ્તાઓ તુટયા હોય તે બદલ તેઓની પાસેથી પેનલ્ટી પણ વસુલ કરવામાં આવશે. સીઝનનો માત્ર ૧૬ ઈંચ વરસાદ પડયો છે ત્યાં શહેરના અનેક રસ્તાઓ મગરની પીઠ જેવા થઈ ગયા છે.

વાહન ચાલકોએ ભારે હેરાનગતિ ભોગવવી પડે છે. શહેરમાં વરસાદ પડે અને રસ્તા તુટે તેવી ગેરેન્ટી મહાપાલિકા આપી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ગેરેન્ટીવાળા રસ્તાઓની હાલત પણ ગામડાના રસ્તા જેવી થઈ ગઈ છે ત્યારે રસ્તાઓને થયેલી નુકસાની અંગે સર્વે કરવા મ્યુનિ.કમિશનરે આદેશ આપ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.