રાજ્યાભિષેક નિમિત્તે ત્રિ-દિવસીય ઉત્સવમાં નગરજનોએ નિમિત્ત બનવા રાજપરિવારનું નિમંત્રણ

તલવાર રાસ, નગરયાત્રા, જયોતિ પર્વ, યજ્ઞ અને લોકડાયરા સહિત અનેક કાર્યક્રમની શ્રૃંખલા

૧૭માં ઠાકોર સાહેબ માંધાતાસિંહજીની રાજતિલક વિધિની તૈયારીને આખરી ઓપ આપતા યુવરાજ સાહેબ જયદીપસિંહજી

રાજકોટના સત્તરમાં ઠાકોર સાહેબ તરીકે માંધાતાસિંહજીના રાજ્યાભિષેક અને રાજતિલકવિધિ નિમિત્તે યોજાનારા વિવિધ કાર્યક્રમોનો લ્હાવો લેવા રાજકોટની જાહેર જનતાને રાજ પરિવાર તરફથી જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

રાજતિલક મહોત્સવ નિમિત્તે તા.૨૭મીએ સાંજ ે૪ થી ૬ દરમિયાન ઠાકોર સાહેબની દેહશુધ્ધિ, દસ વિધિસ્નાન, વિષ્ણુ પુજન, પ્રાયશ્ચિત, વગેરે વિધિ રણજિત વિલાસ પેલેસમાં યોજાશે. ૨૮મીએ સવારે નવ વાગ્યે મહાયજ્ઞનો આરંભ રણજિત વિલાસ પેલેસ ખાતે થશે. બપોરે ૩ થી ૬.૩૦ મહાયજ્ઞના મંત્રોનો પ્રધાન હોમ અને સાયં પૂજન વગેરે યોજાશે અને બપોરે ૩-૩૦ થી ૬-૩૦ દરમિયાન વિશાળ અને ભવ્ય નગરયાત્રા નીકળશે જેમાં ઠાકોર સાહેબ માંધાતાસિંહજી ઉપરાંત સંતો-મહંતો, રાજકોટ રાજ્યના ભાયાતો વગેરે જોડાશે. તા.૨૮મીએ જ બપોરે ૧૨ થી ૨ દરમિયાન ક્ષત્રીય સમાજના ૨૫૦૦થી વધારે દીકરા-દીકરીઓનો તલવાર રાસ યોજાશે. શૌર્ય અને કૌશલ્યનો સંગમ થશે. તલવાર રાસ રાજકોટના કાલાવડ રોડ પર આવેલા ડ્રાઇવઇન સીનેમાના મેદાનમાં યોજાશે.

તા.૨૯મીજાન્યુઆરીના રોજ સવારે ૮-૩૦ થી ૧ દરમિયાન પૂજનવિધિ, સંધ્યાપૂજન વગેરે તથા બપોરે ૩ થી ૬-૩૦ વચ્ચે જગત કલ્યાણ માટે શાંતિપુષ્ટિ હોમ, ૫૧બ્રાહ્મણો દ્વારા તીર્થોથી આવેલા જળનો અભિષેક, ઔષધિઓ દ્વારા અભિષેક થશે. આ બન્ને સમયની વિધિ રણજિત વિલાસ પેલેસના ગ્રાઉન્ડ નં.૧માં થશે. આજ દિવસે સાંજે ૬-૩૦ થી ૯-૩૦ જ્યોતિપર્વ યોજાશે, જેમાં સર્વ સમાજના લોકો રણજિત વિલાસ પેલેસમાં દીપ પ્રગટાવશે. આ કાર્યક્રમમાં શહેરીજનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

તા.૩૦મીને વસંત પંચમીના દિવસે રાત્રે રણજિત વિલાસ પેલેસમાં કવિ અંકિતભાઇ ત્રિવેદી અને સંગાથી કલાકારોનો લોકડાયરો, પદ્મશ્રી ભીખુદાનભાઇ ગઢવી અને બ્રિજરાજદાન ઇશરદાન ગઢવીનો લોકડાયરો યોજાશે. રાજમાતા માનકુમારીદેવી સાહેબે રાજકોટની જનતાને આ તમામ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી રાજપરિવારના ઉત્સવને રાજકોટનો ઉત્સવ બનાવવા નિમંત્રણ પાઠવ્યું છે.

Loading...