Abtak Media Google News

રેશનીંગ દુકાનદારોને ધાક ધમકી આપી કહેવાતા રાજકારણીની ગુંડાગીરી સામે તાત્કાલિક પગલા લેવા સ્થાનિકોની માંગણી

કોડીનાર શહેરમાં ચુંટણી ફંડના નામે રેશનીંગ દુકાનદારો પાસેથી ઉઘરાણા કરી અને રેશનીંગ દુકાનદારોને ધાક ધમકી આપી ત્યાંના જ સ્થાનિક મહેજ જેઠા મકવાણા સામે તાત્કાલિક પગલા લેવા સ્થાનિકોએ માંગણી કરી છે. આ અંગે સ્થાનિકો દ્વારા ગુજરાત રાજયના મુખ્યમંત્રીને પણ રજુઆત કરવામાં આવી છે.

કોડીનાર શહેરના રહીશ અને એસ.સી. સમાજના મહેશ જેઠા મકવાણા ૯૨-કોડીનાર વિધાનસભામાં આગામી ૨૦૧૭ની ચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ટીકીટની માંગણી કરેલ છે. કોંગ્રેસમાંથી ટીકીટ ન મળે તો કોઈપણ પક્ષમાંથી ચુંટણી લડવા માટેની માનસિકતા તેણે બનાવી છે અને આ માનસિકતાને લઈને ચુંટણી ફંડ ભેગુ કરવા માટે કોડીનાર તાલુકા અને શહેરના રેશનીંગ દુકાનદારોને ટારગેટ બનાવે છે આ દુકાનદારો સાથે અનિચ્છનીય વર્તન કરવામાં આવે છે. જેમાં રેશનીંગ દુકાનદારોને ગામમાંથી એકાદ પોતાના સમાજના ગ્રાહકનને તૈયાર કરી દુકાને લઈ આવે અને દુકાનદારો સાથે ઝઘડો કરાવે છે. દુકાનદારોને ફોન કરી ધમકાવે છે અને માનસિક ત્રાસ આપે છે અને દુકાનદારો કોઈ કારણોસર દુકાન વહેલી મોડી ખોલે તો દુકાન શા માટે નથી ખોલી અને હું ફોટા પાડી તમારા લાયસન્સ કેન્સલ કરાવીશ એવી ધમકીઓ આપે છે.

મહેશ જેઠા મકવાણા વિરુઘ્ધ અનેક ફરિયાદો થયેલી છે અને તેના વિરુઘ્ધ અનેક રજુઆતો થયેલી છે. ગ્રાહકોને કોઈપણ દુકાનદારો સાથે કોઈ ફરીયાદ નથી અને કોઈપણ ગ્રાહકોએ કોઈ ફરિયાદ આજદિન સુધી કરેલી નથી પરંતુ તેઓ ખોટી ફરિયાદો ઉભી કરી દુકાનદારોને ધમકાવે છે.

દીન દયાળ ઉપાધ્યાય ગ્રાહક ભંડારમાં ફાળવવામાં આવતા સસ્તા અનાજનો જથ્થો ઓન લાઈન મુકવામાં આવે છે જે તે મહિનાનો જથ્થો ઓનલાઈન તેમજ પેપર દ્વારા જાહેરાત આપવામાં આવે છે માલ વેચાણ પણ ગ્રાહક પોતાનો અંગુઠો આપ્યા બાદ જ થાય છે અને બીલ સરકારે ફાળવેલ જથ્થા મુજબ નિકળે છે. મહેશ જેઠા મકવાણા આવી હેરાનગતી ચાલુ રાખશે અને કોઈ દુકાનદારો સાથે કોઈ અઘટીત બનાવ બને તો તેની સંપૂર્ણ જવાબદારી મહેશ જેઠા મકવાણાની રહેશે.

મહેશ જેઠા મકવાણા કોંગ્રેસના ઉમેદવાર તરીકે કોડીનાર નગરપાલિકાની ચુંટણીમાં લડેલો વ્યકિત છે. કોંગ્રેસમાંથી ૨૦૧૭ની વિધાનસભા ચુંટણીમાં ૧૪ માંગણીદારોમાં આ એક ટીકીટનો માંગણીદાર છે. આ બધી પ્રવૃતિઓથી દિન દયાળ ઉપાધ્યાય ગ્રાહક ભંડારના એસોસીએશનના લોકો ખુબ ત્રાસી ગયા છે. આનો વહેલીતકે ઉપાય નહીં કરવામાં આવે તો અમારે ગાંધી ચિંધ્યા રાહે આંદોલનનો માર્ગ અપનાવવો પડશે તો આ સંબંધે આપ ઘટતી કાર્યવાહી સત્વરે કરવાની માંગણી કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.