Abtak Media Google News

શાપરમાં ગોડાઉન પર એફએસએલ અધિકારીઓને સાથે રાખી માહિતી મેળવી: આગનું કારણ અકબંધ

સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદ કરાયેલી મગફળી શાપર ખાતેના ગોડાઉનમાં રાખ્યા બાદ ગત તા.૬ મેના સાંજે ભેદી રીતે લાગેલી આગમાં ૨૦,૫૨૦ ગુણી મગફળીનો જથ્થો સળગી જવાની ઘટનાના પગલે તંત્રમાં દોડધામ થઇ ગઇ છે. અને ગૃહ વિભાગ દ્વારા સીઆઇડી ક્રાઈમને તપાસ સોપતા સીઆઇડી ક્રાઇમના ડીઆઇજી દિપાન્કર ત્રિવેદી શાપર દોડી આવ્યા છે. એફએસએલના અધિકારીઓને સાથે રાખી આગ કંઇ રીતે લાગી તે અંગેના પુરાવા એકઠા કર્યા છે. પણ હજી સુધી આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે.

લાલપુર તાલુકાની વિવેકાનંદ ફુટ એન્ડ વેજીટેબલ ખરીદ વેચાણ મંડળી અને મુળીલા સેવા સહકારી મંડળીનો ૪૩,૬૩૧ ગુણી મગફળીનો જથ્થો શાપર ખાતેના ગોડાઉનમાં મગફળીનો જથ્થો રાખવામાં આવ્યો હતો તે પૈકીનો ૨૦,૫૨૦ ગુણી મગફળીનો જથ્થો સળગીને રાખ થઇ ગયો હતો.

સરકાર દ્વારા ખરીદ કરાયેલી મગફળીનો જથ્થો ભેદી રીતે સળગવાની ઘટનાથી ચોકી ઉઠેલા તંત્રએ આગકાંડના મુળ સુધી પહોચવા વધુ એક વખત સીઆઇડી ક્રાઇમને તપાસ સોપી છે. સીઆઇડી ક્રાઇમના સ્ટાફે આગની સૌ પ્રથમ જયેશ નામની વ્યક્તિને જાણ થઇ હોવાનું બહાર આવતા સીઆઇડી ક્રાઇમના સ્ટાફે જયેશ ઉપરાંત અન્ય ૧૨ વ્યક્તિઓના નિવેદન નોંધ્યા હતા.

એફએસએલના અધિકારીઓની મદદ લઇ ગોડાઉન ખાતેથી નમુના લઇ પુથ્થકરણ કાર્યવાહી હાથધરી છે. હજી સુધી આગ કંઇ રીતે લાગી તે અંગે સીઆઇડી ક્રાઇમના અધિકારીઓને નક્કર પુરાવા મળ્યા નથી આગ ચાર દિવસ બાદ કાબુમાં આવી હોવાથી તપાસ હવે આગળ ધપી શકે તેમ હોવાથી સીઆઇડી ક્રાઇમના ડીઆઇજી દિપાન્કર ત્રિવેદી શાપર દોડી આવ્યા છે. અને ઘટના સ્થળે એફએસએલ અધિકારીઓને સાથે રાખી ગોડાઉનનું જાત નિરિક્ષણ કર્યુ હતું. એફએસએલના રિપોર્ટ બાદ આગ કંઇ રીતે લાગી તે અંગેનું ચિત્ર સ્પષ્ટ બને તેમ હોવાનું સીઆઇડી ક્રાઇમના સુત્રો જણાવી રહ્યા છે.

શાપર ખાતેના ગોડાઉનમાં લાગેલી આગની સીઆઇડી ક્રાઇમની સાથે સાથે જૂનાગઢ કૃષિ યુનિર્વસિટીના વૈજ્ઞાનિકોને પણ તપાસ સોપવામાં આવી છે. ભેદી રીતે લાગેલી આગનું રહસ્ય હજી સુધી અકબંધ જ રહ્યું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.