Abtak Media Google News

તુંચીઝ બડી હૈ મસ્ત મસ્ત !!!

વજન ઘટાડવો હોય કે વધારવો હોય અનુકુળતા મુજબ ચીઝનું ચયન

સામાન્ય રીતે દરેકને ભાવતુ ચીઝ કયાંકને કયાંક ખોરાકમાં ઉપયોગમાં લેવાય છે. ચીઝ લવરો તો પીઝા હોય કે મેગી અરે દેશી ફૂડમાં પણ ચીઝ ભભરાવીને ટોપીંગ કરીને આરોગતા હોય છે. આમ તો ચીઝને લઈ લોકોની માનસીકતા છે કે, ચીઝ સ્વાસ્થ્ય માટે સા‚ નથી કારણ કે, તેમાં રહેલ કેલેરીઝ વજન વધારા અને બ્લડ કોલેસ્ટ્રોલ લેવલને વધારવાનું કામ કરે છે. પરંતુ દરેક પ્રકારના ચીઝ અનહેલ્ધી નથી હોતા. ચીઝના કેટલાક પ્રકારો ટેસ્ટીની સાથે સાથે હેલ્ધી
પણ છે.

ચીઝ પણ કેલ્શીયમ પ્રોટીનથી ભરપુર છતાં ઓછી કેલેરી ધરાવતું હોય શકે છે. તમારે માત્ર વજન ઘટાડા માટે ચીઝના સાચા પ્રકારનું ચયન કરવાનું હોય છે. જો કે, ચીઝની અઢળક વેરાયટી બજારમાં ઉપલબ્ધ છે. સૌથી પહેલા તો તમારે નિર્ધારીત કરવાનું કે વજન વધારવો છે કે ઘટાડવો છે. કોઈપણ ચીઝનું સેવન તમારા ગોલ પ્રમાણે કરવાનું રાખો. પ્રોસેસ્ડ ચીઝમાં વધુ પ્રમાણમાં નમક, વેજીટેબલ ઓઈલ, ફૂડ કલર અને સુગરની માત્રા હોય છે. પેકેજ ચીઝમાં આર્ટીફીશીયલ ફલેવર અને પ્રિઝરવેટીવ એટલે કે ચીઝ ન બગડે તેના માટેની પ્રક્રિયા કરેલ હોય આ પ્રકારના ચીઝ નુકશાનકારક સાબીત થઈ શકે છે. પરંતુ કેટલાક ચીઝના એવા પ્રકારો છે જે ખરેખર હેલ્ધી છે અને વજન ઘટાડા માટે ઉપયોગી બની શકે છે.

મોઝારીલા ચીઝ: વિશ્ર્વભરમાં ચીઝની વેરાયટીમાં સૌથી માનીતુ અને પ્રસિધ્ધ ચીઝ મોઝારીલા ચીઝ છે, આ ઈટાલીયન ચીઝનો ઉપયોગ પીઝા તેમજ પાસ્તામાં મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. મોઝારીલા સ્ટ્રેચી છે જે ગાય, ભેંસ, બકરીના દૂધમાંથી બનાવવામાં આવે છે. ઓર્ગેનીક મોઝારીલા ચીઝમાં ૧૦૦ ગ્રામ દીઠ ૨૮૦ કેલેરી હોય છે અને આ ચીઝમાં શોડીયમની માત્રા પણ નહીંવત હોય છે. મોઝારીલા ચીઝ કેલ્શીયમથી ભરપુર હોવાથી તે વજન ઘટાડા માટે વરદાન સ્વરૂપ સાબીત થઈ શકે છે. પરંતુ પેકેજ ચીઝના બદલે ઓર્ગેનીક ચીઝનો આગ્રહ રાખવો.

ફેટા ચીઝ: ફેટા ચીઝ એ ગ્રીકનું ચીઝ છે જે બકરી અથવા ઘેટાના દૂધમાંથી બને છે. જેનો ઉપયોગ સલાડમાં અથવા સેન્ડવીચમાં પીસ પ્રમાણે કરવામાં આવે છે. આ ચીઝમાં ખારો અને ખાટો સ્વાદ હોય છે. ૧૦૦ ગ્રામ ફેટા ચીઝમાં ૧૪ ગ્રામ પ્રોટીન અને ૨૬૪ કેલેરી હોય છે તો આ ચીઝ પણ તમારા હેલ્થ માટે મસ્ત મસ્ત બની રહેશે.

કોટેઝ ચીઝ: ચીઝના તમામ પ્રકારોમાંથી સૌથી હેલ્ધી ગણાતું ચીઝ એટલે કોટેઝ ચીઝ જે તાજા દહીંમાંથી બનાવવામાં આવે છે. જેનું ટેક્ષચર ક્રમ્બલ જેવું હોય છે. માટે ખાવામાં પણ મજા પડે છે અને સ્વાદ મીલ્કી, મીલ્કી દૂધથી ભરપુર હોય છે. જે લોકો ડાયેટ કરવામાં માનતા હોય તેવા લોકો માટે આ ચીઝ આશિર્વાદ સમાન છે. આ ચીઝમાં સૌથી ઓછા પ્રમાણમાં કેલેરી હોય છે. ૧૦૦ ગ્રામ ચીઝમાં માત્ર ૯૮ કેલેરી અને ભરપુર માત્રામાં પ્રોટીન તેમજ મીનરલ હોય છે. એટલે કહી શકાય કે, ચીઝ લવરો માટે ધેટસ ગુડ ડીલ.

રીકોટા ચીઝ: આ ચીઝ મુળ ઈટલીની પ્રોડકટ છે. રીકોટા ચીઝનું નિર્માણ આખા દૂધમાંથી કરવામાં આવે છે. જેમાં ૧૭૦ કેલેરી અને ૧૧ ગ્રામ પ્રોટીન પ્રતિ ૧૦૦ ગ્રામ ચીઝે હોય છે. રીકોટા ચીઝનો ઉપયોગ પરંપરાગત ઈટાલીયન ડેઝર્ટમાં કરવામાં  આવે છે.

આ ઉપરાંત ચીઝ કેક માટે પણ રીકોટા ચીઝ પહેલી પસંદ બને છે જે તમને ટેસ્ટની સાથે સાથે હેલ્ધી પણ સાબીત થશે. કારણ કે વજન ઘટાડવો હોય તો ચીઝ ખાવાનું શરૂ કરી દો. આમ તો ચીઝથી વજન વધારી પણ શકાય અને ઘટાડી શકાય તમે કયાં પ્રકારના ચીઝનું સેવન કરો તેના પર નિર્ધાર રાખે છે. તો હવે કહો શાનથી સે… ચીઝઝઝ….!!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.