Abtak Media Google News

દર ૧૦૦ માણસો માંથી ૯૦ ના હાથમાં મોબાઇ ફોન હોય, વસ્તીનાં પ્રમાણમાં વિશ્વમાં બીજા સ્થાને રહેલું ભારત મોબાઇલ ફોન ધારકોના  આંકડામાં પણ વિશ્વમાં બીજા સ્થાને પહોંચી ગયું હોય તો આપણા દેશમાં આ માર્કેટ કેટલી ઝડપે વિકસી રહ્યું છે તેનો અંદાજ સરળતાથી મેળવી શકાય. ઓટો સેક્ટરમાં મંદી, ફાઇનાન્શ્યલ સેક્ટરમાં મંદી, રિયલ એસ્ટેટમાં મંદી, એફ.એમ.સી.જી. (FMCG) સેક્ટરમાં મંદી અને બાકી હોય  તો સર્વિસ અને ટુરિઝમ સેક્ટરમાં પણ મંદી…! દેશવાસીઓને દરેક સેક્ટરમાં મંદી દેખાય છે પણ મોબાઇલ ફોનનું વેચાણ સતત વધી રહ્યું છે. એમાં પણ ચીનની કંપનીઓ ભારતમાં આવી ને પગદંડો જમાવી રહી છે.

જાન્યુઆરી-૨૦૧૯માં થયેલા સર્વેક્ષણનાં આંકડા બોલે છે કે દેશની ૧૩૨ કરોડની વસ્તી સામે ૧૧૮ કરોડથી વધારે મોબાઇલ ફોન નંબરો છે. આ આંકડો સતત વધતો જ જાય છે. કદાચ આજ કારણ છે કે આખા જગતની મોબાઇલ કંપનીઓ ભારતમાં ઉતરી પડી છે. આમછતાં ટોચની પાંચ કંપનીઓની યાદીમાં ચીનની ચાર કંપનીઓ છે. બીજા શબ્દોમાં કહીએ મોદીજીનાં મેઇક ઇન ઇન્ડિયા કેમ્પેઇનનો સૌથી વધારે લાભ ચીનની મોબાઇલ કંપનીઓ ઉઠાવી રહી છે. જુન-૧૯ નાં અંતે પ્રાપ્ત થયેલા આંકડા અનુસાર ચીનની Xiaomi ૨૮.૩ ટકા માર્કેટ શેર સાથે પ્રથમ ક્રમાંકે છે.  જેના યિમળય અને MI સિરીઝનાં ફોન હાલમાં વધારે ચાલે છે. આ ઉપરાંત Vivo ( ૧૫.૧ ટકા) Oppo (૯.૭ ટકા) તથા Oppo ની જ બ્રાન્ડ Realme (૭.૭ ટકા) ભારતીય બજારમાં સ્થાન ધરાવે છે. આ ઉપરાંત દક્ષિણ કોરિયાની સેમસંગ આજે પણ ૨૫.૩ ટકાનો માકેટ હિસ્સો ધરાવે છે.

Vivo આગામી વર્ષોમાં ૭૫૦૦ કરોડ રૂપિયાનાં નવા મુડીરોકાણ સાથે ભારતમાં નવા મોબાઇલ ફોન મેન્યુફેક્ચરીંગ યુનિટ ઉભા કરવાની વેતરણમાં છે. જે ભારતીયો માટે નવી ૪૦,૦૦૦ નોકરી ઉભી કરશે. હાલમાં કંપનીની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક ૨.૫૦ કરોડ ફોન બનાવવાની છે જે આગામી એકાદ મહિનામા ૩.૩૪ કરોડ ફોનની થઇ જશે.

ભારતમાં ચાઇનીઝ કંપનીઓની સફળતાનું સૌથી મોટું કારણ છે તેમની ભારતીય બજારની નાડ પારખવાની કોઠાસુઝ. મધ્યમ વર્ગીય ભારતીયને સસ્તો, સુંદર તથા સરળતાથી વાપરી શકાય એવો હાઇ પ્રોફાઇલ સેલિબ્રીટી દ્વારા મોડેલિંગ કરાયેલો અને ઉંચા ડિસ્કાઉન્ટ ઓફર કરાયેલો મોબાઇલ ફોન જોઇએ છે. ચાઇનીઝ કંપનીઓ  નીચી લેબર કોસ્ટમાં મહત્તમ ઉત્પાદન કરવા માટે વિશ્વભરમાં પંકાયેલી છે. તેથી જ કદાચ નીચા ભાવે ભારતીય બજારમાં સ્થાન જમાવી શકી છે.  વેચાણ વધતા તેમની શીપમેન્ટ કોસ્ટ વધવાના કારણે હવે કંપનીઓ ભારતમાં જ ઉત્પાદન પર વધારે ધ્યાન કેન્દ્રિત કરી રહી છે .

વર્ષ-૨૦૧૫ માં Xiaomi નો ભારતમાં એક મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટ હતો જે આજે સાત છે. જુન-૧૯ નાં આંકડા પ્રમાણે Xiaomi નું વેચાણ એક વર્ષમાં ૪.૮ ટકા વધીને ૧.૦૪ કરોડે પહોંચ્યું છે. હવે તહેવારોની સિઝનમાં વધારે સ્પર્ધાત્મક ઓફરો આવશે.

ખાસ કરીને બદલાતી ટેકનોલોજી, સ્માર્ટફોનની એન્ટ્રી, ઇન્ટરનેટ સુવિધા અને સોશ્યલ મિડીયાએ આ સેક્ટરને ભારતમાં બહુ મોટું માર્કેટ આપ્યું છે. આજે ભારતમાં મોબાઇલની બ્રાન્ડ અને લેટેસ્ટ ટેકનોલોજી એ એક સ્ટેટસ સિમ્બોલ ગણાય છે.

દરેક સ્માર્ટફોન ધારક દર બે વર્ષે અપગ્રેડ ટેકનોલોજી વાળો, હાલના મોબાઇલ કરતા મોંઘો ફોન લેવાની માનસિકતા ધરાવે છે. જેના કારણે કંપનીઓને નવા ગ્રાહકો મળતાં જ રહે છે.

Oppo આગામી એક વર્ષમાં ભારતમાં પોતાની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક ૧૦ કરોડ ફોને પહોંચાડશે તો ચીનની જ BBK ઇલેક્ટ્રોનિક્સની પ્રિમીયમ બ્રાન્ડ OnePlus વૈશ્વિક બજારમાં ૪૦ ટકા જેટલો હિસ્સો ધરાવે છે તેના હાલમાં ભારતમાં ૧૨ સ્ટોર છે તે ૨૦૨૦ માં ૨૫ સ્ટોર નું નેટવર્ક ધરાવતા હશે. જેમાં હવે કંપની નવા સ્માર્ટ TV  પણ લોન્ચ કરશે. OnePlus હૈદરાબાદમાં રિસર્ચ સેન્ટર બનાવવાની તૈયારી કરે છે. કુલ ૧૦૦૦ કરોડ રૂપિયાનું મુડીરોકાણ  કરવાની યોજના છે.

૨૦૧૫ માં સર્વેક્ષણ કરાયું ત્યારે અંદાજ હતો કે ૨૦૧૯ ની સાલ સુધીમાં ભારતમાં ૮૦ કરોડ મોબાઇલ ધારક હશે પણ આજે આ આંકડો ૧૧૮ કરોડે પહોંચ્યો છે. હવે ટૂક સમયમાં 5G ટેકનોલોજી આવશે એટલે લોકો %ૠ માટે નવા ફોન લેશે. જે મોટા ભાગે સ્માર્ટ ફોન જ હશે. સર્વેનો અંદાજ એવો છે કે ૨૦૨૦ સુધીમાં વૈશ્વિક સ્માર્ટ ફોન માર્કેટમાં ભારતનો હિસ્સો ૧૨.૫ ટકા જેટલો ઉંચો હશે. આવા મોટા સંભવિત બજારમાં કમાણીની મલાઇ ખાવા ચાઇનીઝ કંપનીઓ અત્યારે સ્ટ્રેટેજી બનાવી રહી છે ત્યારે પાકિસ્તાનને કાશ્મીર મુદ્દે ચીન પાસેથી ટેકો જોઇએ છે! શુ પાકિસ્તાનને આ ટેકો મળશે..? શું મોબાઇલ કંપનીઓ ચીનની સરકારને આવા જોખમી પગલાં ભરવા દેશે..? અને જો ચીન પાકિસ્તાનની યુધ્ધની પહેલને સમર્થન આપે અને આ કંપનીઓને ભારતીય બજાર છોડીને પાછા ચીન ભેગું થવું પડે તો ચીનની ઇકોનોમીની હાલત શું થાય?

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.