કોથળા દોડ, લંગડી, લીંબુ ચમચી સહિતની શેરી રમતોમાં ‘બાળપણ’ ખીલી ઉઠયું

લક્ષ્ય સ્કુલ ખાતે ઓપન રાજકોટ શેરી રમત કાર્યક્રમ યોજાયો: ૩૫૦ જેટલા બાળકોએ ભાગ લીધો

શહેરની લક્ષ્ય સ્કુલ ખાતે લક્ષ્ય સ્કુલ, નવરંગ નેચર કલબ અને ફુલછાબના સંયુકત ઉપક્રમે ઓપન રાજકોટ શેરી રમત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૩૫૦ જેટલા બાળકોએ ભાગ લઈ કોથળા દોડ, લંગડી, લીંબુ ચમચી સહિતની રમતો રમવાની મજા માણી હતી. આ ઉપરાંત ધો.૨ થી ૯ સુધીનાં બાળકોએ ભાગ લીધો હતો. દરેક રમતમાં વિજેતા થનાર બાળકોને ઈનામ આપી પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા. જેમાં બાળકો સહિત વાલીઓ હોશભેર જોડાયા હતા. ખાસ તો બાળકોની સાથો સાથ વાલીઓ અને શિક્ષકોએ પણ રમતની મજા માણી હતી.

નવરંગ નેચર કલબનાં પ્રમુખ વી.ડી.બાલાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, લક્ષ્ય સ્કુલ, ફુલછાબ અને નવરંગ નેચર કલબનાં સંયુકત ઉપક્રમે શેરી રમત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ મેદાની રમતો રમતા શીખે તે હેતુથી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મોટાભાગનાં બાળકો તેમનો સમય મોબાઈલ અને ટીવીમાં જ પસાર કરે છે ત્યારે ખરેખર કઈ રીતે મનોરંજન, મોબાઈલ અને ટીવી સિવાય મેળવી શકાય તેને લઈને તેવો જાગૃત નથી તો બાળકો આપણી જુની રમતોથી પરિચિત થાય અને હાલ પણ રમતો રમતા થાય તે માટેનો સમગ્ર આયોજન કરાયું છે. ખાસ તો અત્યારે બાળકો રમત રમશે તો હાર-જીત પણ પચાવતા શીખશે અને તેવો પોતાની જીત કે હારનું એનાલીસીસ પણ કરતા થશે. સવિશેષ ત્રિપગી દોડ જેવી રમતથી સંઘભાવના પણ વિકસે છે. આપણા દેશની રમતો વિદેશમાં રમાય છે અને આપણે આપણો જ વારસો હાલ ભુલી ગયા છીએ.

લક્ષ્ય સ્કુલનાં સંચાલક મીતલભાઈ ગજેરાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ખાસ કરીને શેરી રમતનું આયોજન થવાથી બાળકોનાં આંતરિક ગુણ વિકસશે અને સવિશેષ બાળકો જે હાલ ખેલકુદથી દુર થઈ રહ્યા છે તો બાળકો રમતો પણ આગળ વધશે. આ ઉપરાંત બાળકો જો હાલ રમતમાં જોડાશે તો શારીરિ-માનસિક સર્વાંગી વિકાસ થશે. આ ઉપરાંત બાળકો રમતમાં આગળ વધે તે માટે વાલીઓ અને શિક્ષકોએ પણ પુરતુ ધ્યાન આપવું જોઈએ.

Loading...