Abtak Media Google News

આવાસ યોજનામાં કોર્પોરેશનના દરોડા: એક કવાર્ટરની ફાળવણી રદ્દ

મુખ્યમંત્રી ગૃહ યોજનામાં કેટલાક લાભાર્થીઓએ પોતપોતાના આવાસ અન્ય લોકોને ભાડેથી રહેવા માટે આપી દીધા હોવાની રાજકોટ મહાનગરપાલિકાને મળેલી ફરિયાદના આધારે હાથ ધરાયેલા ચેકિંગમાં ૨૩ આવાસ ભાડે અપાયાનું દેખીતીરીતે ખુલતા આ આવાસોના મૂળ મકાન માલિક અને હાલમાં તેમાં રહેતા ભાડૂઆતને આ આવાસ ત્રણ દિવસમાં ખાલી કરવા નોટીસ ઇસ્યુ કરવામાં આવેલ છે, તેમ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.

તેઓએ વધુમાં એમ પણ કહ્યું હતું કે, આ આવાસ યોજનાઓનો હેતુ ઘર વિહોણા લોકોને પોતાની માલિકી આશરો મળે, પોતાની માલિકીના ઘરમાં રહેવાની સુવિધા તેઓને મળે તેવો છે. ઉપરાંત આવાસ યોજનાના ફોર્મમાં તેમજ દસ્તાવેજમાં એ નિયમનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવે છે કે, દસ્તાવેજ બન્યાની તારીખથી ૭ (સાત) વર્ષ સુધી આવાસ વેંચાણ કે ભાડેથી અન્ય કોઇપણ વ્યક્તિને આપી શકાશે નહી. કમિશનરે વિશેષમાં કહ્યું કે, આ નિયમ ભંગ થવાના કિસ્સામાં આવાસની ફાળવણી રદ કરવા સુધીના પગલાં લઇ શકાય છે.

દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકાની આવાસ યોજના શાખા, દબાણ હટાવ શાખા અને વિજીલન્સ શાખાના સ્ટાફ દ્વારા રેલનગર, પોપટપરા વિસ્તારમાં આવેલી વિવિધ આવાસ યોજનાઓ જેવી કે, શ્રી છત્રપતિ શિવાજી ટાઉનશિપ, શ્રી ખુદીરામ બોઝ ટાઉનશિપ, શ્રી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ટાઉનશિપ અને શ્રી વીર સાવરકર ટાઉનશિપમાં ઝુંબેશના સ્વરૂપમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમ્યાન ૨૩ આવાસો ભાડે અપાયાનું જણાતા આ આવાસના મૂળ માલિક અને હાલમાં આવાસમાં રહેતા વ્યક્તિને આવાસ ખાલી કરી આપવા સૂચના આપી દેવામાં આવેલ છે. થોડા સમય પૂર્વે જ શ્રી છત્રપતિ શિવાજી ટાઉનશિપમાં આવા જ એક આવાસની ફાળવણી રદ પણ કરવામાં આવેલ છે.

આજે આવાસ યોજનાઓમાં થયેલી ચેકિંગની કામગીરી આવાસ યોજના શાખાના આસિસ્ટન્ટ મેનેજર ભૂમિ પરમાર ઉપરાંત ઇન્સ્પેકટરો વી.સી.ભાલારા, કમલેશ જોશી, ભરત પીઠડીયા, મુકેશ દવે અને કેયુર ગાંધી તેમજ દબાણ હટાવ શાખા અને વિજીલન્સ શાખાના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.