Abtak Media Google News

આવનારા દિવસોમાં ૧૦૦૦ જેનેરિક દવાના સ્ટોર ખોલવાની મુખ્યમંત્રીએ ઉચ્ચારેલી ખાતરી

રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ છોટુનગરના તમામ રહેવાસીઓને તેમના ઘરમાં નવા નળ તથા વીજળીના કનેક્શન્સ,  સરકારી દવાખાનું, ઘરે-ઘર ગેસના ચુલા, વગેરે આપવાની જાહેરાત કરી હતી.મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં-૨(બે)માં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રીએ ઉપરોકત જાહેરાત કરી હતી.  તેમણે છોટુનગર વિસ્તારના રહીશોને જણાવ્યું હતું કે, નાના લોકોના કામ કરવા માટે જ રાજયસરકાર દ્વારા આવા સેવાસેતુ કાર્યક્રમો યોજાઇ રહયા છે. રાજયસરકાર દ્વારા અમલી બનાવાયેલી વિવિધ લોક-કલ્યાણલક્ષી યોજનાઓનો ઉલ્લેખ કરી આ યોજનાઓનો મહત્તમ લાભ લેવા માટે તેમણે ઉપસ્થિત નાગરિકોને અનુરોધ કર્યો હતો.મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજયના નાગરિકોને સસ્તા ભાવે દવાઓ પૂરી પાડતા જેનેરિક સ્ટોરની જાણકારી આપતાં ઉમેર્યું હતું કે, અત્યાર સુધી રાજયભરમાં ૨૫૦ જેનેરિક સ્ટોર્સ કાર્યરત છે, જયારે આવનારા દિવસોમાં નવા ૧૦૦૦ જેનેરિક સ્ટોર્સ ખોલવા રાજયસરકાર પ્રતિબધ્ધ છે. તાજેતરમાં બનાસકાંઠા જિલ્લામાં ભયાનક પુરથી થયેલા વિનાશ વખતે રાજયસરકારે કરેલી ત્વરિત કાર્યવાહીની વિગતો ટાંકતાં મુખ્યમંત્રી રૂપાણીએ કહયું હતું કે, જયાં માનવી ત્યાં સુવિધાના મંત્રને વરેલી રાજયસરકારે માત્ર પાંચ જ દિવસોમાં જનજીવન પૂર્વવત્ કરી દીધું હતું. બનાસકાંઠા જિલ્લા માટે રાજયસરકારે ત્વરિત ધોરણે રૂ. ૧૫૦૦ કરોડની સહાય જાહેર કરી હોવાનો પણ મુખ્યમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ છોટુનગરના સેવાસેતુ કાર્યક્રમમાં કુલ ૧૦૦૯ લાભાર્થીઓને સાધન-સહાય એનાયત કર્યા હતા, જેમાં શહેરી ફેરિયાઓને ઓળખપત્ર, વિધવા સહાયના મંજૂરી હુકમો, ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ગેસના ચૂલા, મા વાત્સલ્ય યોજનાના કાર્ડ, સખીમંડળની બહેનોને નોંધણી પ્રમાણપત્ર, નિયમિત કરદાતાઓને કચરાટોપલી, જરૂરતમંદોને રીક્ષા વગેરેનું વિતરણ કર્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઇરૂપાણીના હસ્તે દિપપ્રાગટયથી કાર્યક્રમનો શુભારંભ થયા બાદ મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય તથા મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાનીએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. રાજકોટ મહાનગરપાલિકા તથા છોટુનગરના રહેવાસીઓએ મુખ્યમંત્રીશ્રી  રૂપાણીનું ફૂલોના વિશાળ હારથી તથા સ્મૃતિચિહ્નથી સન્માન કર્યું હતું. રાજકોટ મહાનગરપાલિકા વતી રૂ. બે લાખની રકમ મુખ્યમંત્રીને બનાસકાંઠાના પુરપીડિતો માટે એનાયત કરાઇ હતી.  આ કાર્યક્રમમાં મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઇ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ તથા ભાનુબેન બાબરિયા, સંસદસભ્ય મોહનભાઇ કુંડારિયા, જિલ્લા પંચાયતની સ્ટેન્ડીંગ કમિટીના અધ્યક્ષ પુષ્કરભાઇ પટેલ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય ગૌરીબેન ધૃવ, શહેર ભા.જ.પ. અધ્યક્ષ કમલેશભાઇ મિરાણી, અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ અને દેવાંગભાઇ માંકડ, કલેકટર ડો. વિક્રાંત પાંડે તથા મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.