Abtak Media Google News

ભારતીય શિક્ષણ સેવા સમિતિ આયોજીત વિદ્યાભારતી મેઘાવી છાત્રા અલંકારક કાર્યક્રમમાં હાજરી આપી: હેમુગઢવી હોલ ખાતેથી રાજય કક્ષાના કલામહાકુંભનું ઉદઘાટન કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું આજે બપોરે માદરે વતન રાજકોટમાં આગમન થયું છે. તેઓએ બે કાર્યક્રમોમાં હાજરી આપી હતી. શહેરના હેમુગઢવી હોલ ખાતેથી રાજય કક્ષાના કલામહાકુંભનું ઉદઘાટન કરાવ્યું હતું. દરમિયાન સાંજે મુખ્યમંત્રી શહેરમાં અલગ-અલગ ૧૧ સ્થળોએ ગણેશોત્સવમાં હાજરી આપી દુંદાળા દેવને પૂજા-અર્ચના અને આરતીનો લાભ લેશે.

આજે બપોરે ૨:૪૫ કલાકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું રાજકોટ એરપોર્ટ ખાતે આગમન થયું હતું. બપોરે ૩:૦૦ કલાકે શહેરના રૈયા રોડ પર આવેલા પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ ખાતે ભારતીય શિક્ષણ સેવા સમિતી આયોજીત વિદ્યાભારતી મેઘાવી છાત્ર અલંકારક કાર્યક્રમમાં સીએમે હાજરી આપી હતી ત્યારબાદ તેઓએ શહેરના ટાગોર રોડ પર આવેલા હેમુગઢવી નાટયગૃહ ખાતેથી રાજયકક્ષાના કલામહાકુંભનું વિધિવત ઉદઘાટન કરાવ્યું હતું. મુખ્યમંત્રી સાંજે સર્કિટ હાઉસ ખાતે અલગ-અલગ સરકારી વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજે તેવી પણ સંભાવના જણાઈ રહી છે.

હાલ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે આજે રાજકોટની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અલગ-અલગ ૧૧ સ્થળોએ સાર્વજનિક ગણેશ મહોત્સવમાં હાજરી આપશે.

તેઓ ૭:૩૦ કલાકથી રાત્રીના ૧૧:૩૦ કલાક દરમિયાન ૪ કલાકમાં શહેરના કાલાવડ રોડ પર નિલ કા ઢાબા સામે આવેલા એ.જી.ચોક ખાતે ચમત્કારીક હનુમાનજીના ગણપતિ, યુનિવર્સિટી રોડ પર જે.કે.ચોકમાં શિવશકિત કા રાજા, ગાંધીગ્રામ વિસ્તારમાં જીવંતિકા-૨માં આવેલા જીવંતિ કા રાજા, માનમંદિર, પોલીસ હેડ કવાર્ટર ખાતે સાર્વજનિક ગણેશ મહોત્સવ, રણછોડનગરમાં ન્યુ મહારાષ્ટ્ર મંડળ આયોજીત સાર્વજનિક ગણેશ મહોત્સવમાં, ચંપકનગરમાં ચંપકનગર કા રાજા, ત્રિકોણબાગ ખાતે શિવસેના આયોજીત ત્રિકોણબાગ કા રાજા ગણપતિ મહોત્સવ, શાસ્ત્રી મેદાનમાં મધુવન કલબ આયોજીત રાજકોટ કા રાજા સાર્વજનિક ગણેશ મહોત્સવ, મોટી ટાંકી ચોક સ્થિત યોગી ટાવરમાં જુનું મહારાષ્ટ્ર મંડળ આયોજીત સાર્વજનિક ગણેશ મહોત્સવ, યાજ્ઞિક રોડ પર ડી.એચ.કોલેજ પાસે ભુદેવ સેવા સમિતિ આયોજીત રાજકોટ કા મહારાજા ગણપતિ મહોત્સવ અને રેસકોર્સ સંકુલમાં કવિશ્રી રમેશ પારેખ ઓપન એર થીયેટર ખાતે શહેર ભાજપ આયોજીત સિદ્ધિ વિનાયક ધામ મંગલમૂર્તિ મહોત્સવ સાર્વજનિક ગણેશ મહોત્સવમાં હાજરી આપશે.

અલગ-અલગ ૧૧ સ્થળોએ ગણેશ મહોત્સવમાં હાજરી આપી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દુંદાળા દેવની પુજા, અર્ચના અને આરતીનો લાભ લેશે. તેઓ રાત્રે ૧૨:૦૦ કલાકે ફરી પાટનગર ગાંધીનગર ખાતે રવાના થઈ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.