Abtak Media Google News

ભાજપના કાર્યકરોમાં હર્ષોલ્લાસ જેવો માહોલ: દેશભરમાંથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પર શુભેચ્છાવર્ષા: જીતના વધામણા કરવા મુખ્યમંત્રી રાજકોટ આવવા રવાના

ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકો પૈકી દેશ સહિત દુનિયાભરની નજર ૬૯ રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભા બેઠક પર ટકેલી હતી. કારણકે આ બેઠક પરથી ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ચુંટણી લડી રહ્યા હતા. હાઈ પ્રોફાઈલ જંગ ગણાતી આ બેઠક પર વિજયભાઈએ કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજયગુરુને ૫૩,૮૩૩ મતોથી કારમો પરાજય આપ્યો છે. મુખ્યમંત્રીની ઐતિહાસિક જીત છતાં ભારતીય જનતા પાર્ટી કાર્યકરોમાં ભારે ખુશાલીનો માહોલ વ્યાપી જવા પામ્યો છે. જીતના વધામણા કરવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજકોટ આવવા માટે રવાના થઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ રાઉન્ડના મતદાનમાં રાજકોટ જિલ્લાની ૮ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની ૮૯ બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. રાજયની ૧૮૨ બેઠકો પૈકી સૌથી વધુ હાઈપ્રોફાઈલ જંગ રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભા બેઠક પર માનવામાં આવતો હતો. અહીં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને કોંગ્રેસના ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજયગુરુ વચ્ચે કાંટે કિ ટકકર જામશે તેવું માનવામાં આવી રહ્યું હતું. જોકે આજે મતગણતરીના દિવસે એક તરફી જ માહોલ જોવા મળ્યો હતો. શરૂઆતના એકાદ બે રાઉન્ડને બાદ કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મતગણતરીના અંત સુધી લીડ જાળવી રાખી હતી. રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભા બેઠક ભાજપ માટે અડિખમ ગઢ હોવાનું વધુ એકવાર પુરવાર થયું હતું.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને કુલ ૧,૩૦,૩૭૯ અને કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજયગુરુને ૭૬,૫૪૬ મતો મળ્યા હતા. મતગણતરીના ૨૫ રાઉન્ડના અંતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ૫૩,૮૩૩ મતોથી વિજેતા જાહેર કરવામાં આવતા રાજકોટના રાજમાર્ગો ‘રાજકોટ કા બેટા, ગુજરાત કા નેતા’, ‘વિજય તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ’ તેવા ગગનભેદી નાદ સાથે ગુંજી ઉઠયું હતું. વિજયભાઈની ઐતિહાસિક લીડ સાથે જીત થતા દેશભરમાં ભાજપના કાર્યકરોમાં હર્ષોલ્લાસ વ્યાપી જવા પામ્યો હતો. રાજકોટમાં વિજયભાઈ સહિત ભાજપના ચારેય ઉમેદવારોની જીતની શાનદાર ઉજવણી કરવા માટે સાંજે ભવ્ય વિજય સરઘસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સામેલ થવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગાંધીનગરથી રાજકોટમાં આવવા માટે રવાના થઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.