Abtak Media Google News

રાજકોટમાં બ્રહ્મ સમાજ ચોકમાં આવેલ અનિલ જ્ઞાન મંદિર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને તેઓના ધર્મપત્ની અંજલીબેન રૂપાણીએ કર્યું મતદાન

ગુજરાતની લોકસભાની ૨૬ બેઠકો માટે આજે સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે સવારે રાજકોટ ખાતે તેઓના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી સાથે મતદાન કર્યું હતું. તેઓએ પત્રકારો સાથે વાતચીત દરમિયાન એવો વિશ્વાસ વ્યકત કર્યો હતો કે, વર્ષ ૨૦૧૪ની માફક આ વર્ષે પણ ગુજરાતની તમામ ૨૬ બેઠકો પર કમળ ખીલશે. નરેન્દ્રભાઈ મોદીને ફરી વડાપ્રધાન બનાવવા માટે ગુજરાતની જનતામાં સ્વયંભુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે સવારે મતદાન પ્રક્રિયા શરૂ થાય તે પૂર્વે જ મથકોની બહાર લોકોની લાંબી કતારો લાગી ગઈ હતી જે દેખાડે છે કે, ગુજરાતીઓએ લોકશાહીના આ મહાપર્વની ઉજવણી કેટલી હોંશભેર કરી છે.

આજે સવારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને તેમના ધર્મપત્ની અંજલીબેન રૂપાણીએ વિશ્વની સૌથી મોટી લોકશાહીની ચૂંટણી પ્રક્રિયામાં મતદાન કરી નાગરીક ધર્મને ઉજાગર કર્યો હતો. ૧૦ રાજકોટ સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ ૬૯-રાજકોટ પશ્ચિમ વિધાનસભા વિભાગના ભાગ નં.૬૩ અનુક્રમ નં.૩૮૧થી અનિલ જ્ઞાન મંદિર બ્રહ્મ સમાજ ચોક ખાતે તેઓએ મતદાન કર્યું હતું.

આ મતદાન મથકે ૪૩૦ સ્ત્રી અને ૪૦૫ પુરુષ મતદારો સહિત કુલ ૮૩૫ મતદારો નોંધાયા છે. મતદાન કર્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, આજે સવારથી ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો આરંભ થયો છે. લોકોમાં ભારે ઉત્સાહ અને આનંદ જોવા મળી ર્હ્યો છે. આજનું મતદાન ભારતનું ભવિષ્ય નકકી કરશે. ગુજરાતની જનતા નરેન્દ્રભાઈ મોદીને ફરી વડાપ્રધાન બનાવવા માટે ઉત્સાહભેર મતદાન કરી રહી છે. તેઓએ એ વાતનો પણ વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો કે, રાજયમાં લોકસભાની તમામ ૨૬ બેઠકો પર આ વખતે પણ તોતીંગ લીડ સાથે કમળ સોળે કળાએ ખીલી ઉઠશે.

મુખ્યમંત્રીએ ગુજરાતવાસીઓને અપીલ કરતા જણાવ્યું હતું કે, આજે લોકશાહીનું મહાપર્વ છે. જેને ઉજાગર કરવા માટે અને ભારતનું ભવિષ્ય વધુ ઉજ્જવળ બનાવવા માટે તમામ લોકો પોતાના મતનો સદ્ઉપયોગ કરી અવશ્ય મતદાન કરે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.