Abtak Media Google News

ગુજરાતની શાણી અને સમજુ જનતા – એકતા, અખંડિતતા અને રાષ્ટ્રવાદને સમર્થન આપનારી છે તે શાંતિપૂર્ણ મતદાનને પરિણામે યથાર્થ સાબિત થયું છે

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતુ કે, ત્રીજા તબક્કામાં યોજાયેલ ગુજરાત લોકસભાની ૨૬ બેઠકોના મતદાનમાં પુન: એકવાર ભાજપાની વિકાસલક્ષી રાજનીતિને સમર્થન આપ્યું છે તે બદલ ભાજપા વતી ગુજરાતની જનતા જનાર્દનનો હદયપૂર્વક આભાર માનીએ છીએ. ગુજરાતની શાણી અને સમજુ જનતા એકતા, અખંડિતતા અને રાષ્ટ્રવાદને સમર્થન આપનારી છે તે શાંતિપૂર્ણ મતદાનને પરિણામે યથાર્થ સાબિત થયું છે.

સાત ચરણો પૈકી ગુજરાતના ત્રીજા ચરણની લોકસભા ચૂંટણીનું કાર્ય શાંતિપૂર્વ માહોલમાં આજે સંપન્ન થયુ છે ત્યારે ભાજપાના હજારો કાર્યકર્તાઓએ આ કાળઝાળ ગરમીમાં તપીને તપસ્વી બનીને અથાગ મહેનત કરી તે બદલ તેમનો આભાર વ્યક્ત કરું છું તેમજ સૌ મિડીયાના મિત્રો દ્વારા ભાજપા સરકારના મુદ્દાઓ તેમજ વિવિધ યોજનાઓને પ્રજાજનો સુધી પહોંચાડવા બદલ તેમનો ખૂબજ આભાર વ્યક્ત કરું છું. રાજ્ય અને દેશના નાગરિકોમાં મતદાન જાગૃતિ લાવવા માટે સામાજીક સંસ્થાઓને યોગદાન આપવા બદલ આભાર વ્યક્ત કરું છું. આ ઉપરાંત આ ચૂંટણીપર્વ દરમ્યાન સરકારી કર્મચારીઓ તથા પોલીસ કર્મીઓને ખડેપગે ઉભા રહીને નિષ્ઠાપૂર્વક ફરજો બજાવવા બદલ આભાર માનું છું.

ગુજરાતની જનતાએ અસત્ય અને જુઠ્ઠાણાઓના અપપ્રચાર સામે સત્યને સમર્થન આપી પોતાની આગવી સૂઝનો પ્રજાએ પરિચય આપ્યો છે, તે બદલ ગુજરાતની પ્રજાને વંદન કરું છું.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સૌનો સાથ સૌનો વિકાસ મંત્ર સાથે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં તમામ ૨૬ બેઠકો આપી ગુજરાતની જનતાએ જે ઉત્સાહ અને ઉમંગ બતાવ્યો હતો તેવો જ ઉત્સાહ અને ઉમંગ આ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં જોવા મળ્યો છે. અમને આજનું મતદાન જોઇને પૂર્ણ વિશ્વાસ છે કે, ગુજરાતની જનતાના આીશર્વાદથી તમામ ૨૬ બેઠકો પર ભાજપાનો ભવ્ય વિજય થશે.

રૂપાણીએ અંતમાં ગુજરાતની વિકાસપ્રેમી અને રાષ્ટ્રહિતને વરેલી જનતાજનાર્દનના લોકશાહીના મહત્વના પર્વ ચૂંટણીને એક મહાઉત્સવ તરીકે ઉજવવા બદલ પ્રજાનો આભાર માન્યો હતો. ભાજપાના લાખો કાર્યકરો અને શુભેચ્છકોને કોંગ્રેસના અસત્ય સામે સત્યની લડાઇમાં અગ્રેસર રહેવા બદલ અને પરિશ્રમ બદલ અભિનંદન આપ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત મજબૂત આધાર પૂરો પાડી  નરેન્દ્રભાઇ મોદીના હાથ મજબૂત કરશે તેવો વિશ્વાસ  રૂપાણીએ વ્યક્ત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.