Abtak Media Google News

મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલ વલસાડ, કૃષિમંત્રી આર.સી.ફળદુ અમરેલી, વન મંત્રી ગણપતભાઈ વસાવા ડાંગ જયારે જયેશભાઈ રાદડિયા જુનાગઢ જિલ્લામાં રવાના

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિનો તાગ મેળવવા અને રાહત બચાવ કાર્ય માટે જિલ્લા વહિવટી તંત્રને માર્ગદર્શન આપવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજય સરકારના ૪ સિનિયર મંત્રીઓને જવાબદારી સોંપી છે અને અલગ-અલગ જિલ્લામાં સમીક્ષા કરવા માટે રવાના કરી દીધા છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે ખુદ ગીર-સોમનાથની મુલાકાતે આવ્યા હતા પરંતુ ખરાબ વાતાવરણના કારણે કેશોદ એરપોર્ટ ખાતે તેઓની હેલીકોપ્ટર લેન્ડ ન થઈ શકતા ગાંધીનગર પરત ફરવાની ફરજ પડી હતી. હવે તેઓ એરફોર્સના ખાસ વિમાન મારફત ગીર-સોમનાથમાં પુર પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે આવશે. મુખ્યમંત્રી દ્વારા ૪ કેબિનેટ મંત્રીઓને અલગ-અલગ જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે.

જેમાં મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલ વલસાડ જિલ્લામાં, કૃષિ મંત્રી આર.સી.ફળદુ અમરેલી જિલ્લામાં, વન મંત્રી ગણપતભાઈ વસાવા ડાંગ જિલ્લામાં જયારે અન્ન અને નાગરીક પુરવઠા મંત્રી જયેશભાઈ રાદડિયા જુનાગઢ જિલ્લામાં જશે અને વહિવટી તંત્રને રાહત અને બચાવ કામ માટે જરૂરી માર્ગદર્શન આપશે અને જિલ્લામાં ચાલતા રાહત બચાવના કામ અંગે સમીક્ષા કરશે. આગામી પાંચ દિવસ સુધી રાજયમાં હજી ભારે વરસાદની આગાહી હોય સ્થિતિ વધુ ન વણસે તે માટે સરકાર વધુ ગંભીર બની ગઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.