Abtak Media Google News

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે  પાલીતાણા ખાતે અનેકવિધ પ્રજાલક્ષી કાર્યોના પ્રારંભ માટે આવી પહોચ્યા હતા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સૌની યોજના હેઠળ શેત્રુંજી ડેમમાં નર્મદાના નીર ના વધામણા તેમજ પોલીસ આવાસો નું લોકાર્પણ કર્યું હતું તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂ.૧૨૭ કરોડના ખર્ચે તૈયાર થનાર ૨૪૯૬ આવાસો નું ખાતમુહુર્ત કર્યું હતું.

મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં આજે  પાલીતાણા શેત્રુજી ડેમ ખાતે સૌની યોજના હેઠળ નર્મદાના નીરના વધામણા તેમજ પોલીસ આવાસોના લોકાર્પણ સહિતની અનેકવિધ પ્રજાલક્ષી કાર્યોના લોકાર્પણ અને ખાતમુર્હત યોજાયા હતા, આ કાર્યક્રમમાં મંત્રી પરબત ભાઈ પટેલ, વિભાવરીબેન દવે, ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ, ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા, કેશુભાઈ નાકરાણી તેમજ ભાવનગરના ભાજપના પદાધિકારીઓ તેમજ જીલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે ડેમ સાઈટ પર નર્મદાના નીર ના વધામણા કર્યા હતા ત્યાર બાદ સભા સ્થળે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા,ભીમડાદ થી શેત્રુજી સુધીની ની સૌની યોજનાનું લોકાર્પણ, ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા ભાવનગર પોલીસ હેડક્વાટર ખાતે નવનિર્મિત પોલીસ આવાસોનું લોકાર્પણ, સૌની યોજના હેઠળ ફેઝ-૩ માં રૂ.૫૯૧ કરોડના ખર્ચે શેત્રુંજી થી રાયડી જળાશય સુધીની કામગીરી નું ખાતમુર્હત, તરસમીયા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂ.૧૨૭ કરોડના ખર્ચે તૈયાર થનારા ઈ.ડબલ્યુ એસ-૧ અને ૨ ના ૨૪૯૬ આવાસોનું ખાતમુહુર્ત તેમજ જીએમબી દ્વારા અલંગ ખાતે બનાવવામાં આવેલ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સીએમ વિજય રુપાણીએ તેમના ભાષણ માં કોંગ્રેસની સરકાર પર પ્રહારો કરતા સવાલો કાર્ય હતા કે તમે ગુજરાતની જનતાને તરસી શા માટે રાખી, શા માટે તમારી સરકારમાં નર્મદા ડેમનું કામ પૂરું ન કર્યું ? તેમણે જણાવ્યું હતું કે સૌની યોજના હેઠળ હવે બોટાદ અને ભાવનગર જીલ્લાની જનતાને પિયત અને પાવાના પાણી નો લાભ થશે અને સૌરાષ્ટ્રમાં ૫૫૦ કિમી દુર થી પાણી આવ્યું છે.

ભૂતકાળમાં જ્યારે આ યોજના અંગે નરેન્દ્રભાઈ એ વાત કરી હતી ત્યારે વિરોધીઓ તેમને મુંગેરીલાલ કહેતા અને કહેતા હતા કે પાઈપ લાઈનમાં પાણી નહી હવા આવશે, જે પાણી આજે આવી ગયું છે અને સૌરાષ્ટ્રમાં દુકાળ હવે ભૂતકાળ બની જશે. ગુજરાતના ખેડૂતોને વીજળી અને પાણી ભાજપની સરકારે આપ્યા છે અને આ બન્ને મળતા હવે ગુજરાતના ખેડૂતોમાં દુનિયાની ભૂખ ભાંગવાની તાકાત છે, તેમણે વધુમાં જણવ્યું હતુકે ગુજરાતમાં જોડિયા બંદરે દરિયાના ખારા પાણીને મીઠા કરી અને સમગ્ર જામનગર જીલ્લામાં પાણી આપવામાં આવશે અને ભવિષ્યમાં ભાવનગરમાં પણ આવો પ્લાન્ટ નાખવામાં આવશે અને જેનું ટેન્ડર પણ બહાર પડી ગયું છે અને પાણી માંથી પારસ કરાવનું કામ ગુજરાત સરકારે કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.