Abtak Media Google News

પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્માર્ટ સિટી લેઇક ૨ અને ૩ ૧૦ ટીપરવાન, રેન બસેરા સહિતના કામોનું લોકાર્પણ કરશે: જીનિયસ ગ્રુપ આયોજીત ડિફેન્સ યુથ ફિએસ્ટામાં ઉપસ્થિત રહેશે: મુખ્યમંત્રીના કાલે ભરચક કાર્યક્રમો

ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે મહાપાલિકા દ્વારા ૧૫૦ ફુટ રીંગ રોડ પર રૈયા ચોકડી ખાતે રૂ.૩૫ કરોડના ખર્ચે બનાવવામાં આવેલા ફલાય ઓવરબ્રિજનું આવતીકાલે બપોરે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. રવિવારે રાજકોટની એક દિવસની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીના હસ્તે અનેકવિધ વિકાસ કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવશે. મુખ્યમંત્રી આવતીકાલે અનેક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.

મહાપાલિકા દ્વારા ૧૫૦ ફુટ રીંગ રોડ પર રૈયા ચોકડી ખાતે રૂ.૩૫.૨૨ કરોડના ખર્ચે ફલાય ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે જેનું કામ વર્ષ ૨૦૧૬માં શરૂ કરવામાં આવ્યું હતું. ઓવરબ્રિજની લંબાઈ ૬૨૨ મીટર છે. સ્ટાટીંગ પોઈન્ટ નાણાવટી ચોક જયારે એન્ડીંગ પોઈન્ટ મોદી સ્કુલ પાસે રહેશે. ફોર લેન ફલાય ઓવરબ્રિજના પ્રત્યેક લેનની પહોળાઈ ૮.૪૦ રનીંગ મીટર છે.

આ બ્રિજના નિર્માણથી ૧૫૦ ફુટ રીંગ રોડ પર રૈયા સર્કલ ખાતે ટ્રાફિકના ભારણમાં ઘટાડો થશે તથા ગોંડલ રોડ ચોકડીથી માધાપર ચોકડી તરફ જતા વાહનોને સુગમતા રહેશે. બ્રીજના નિર્માણથી સમય અને ઈંધણ તથા પ્રદુષણમાં પણ ઘટાડો થશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કાલે સવારે ૯:૦૦ કલાકે રાજકોટ આવી પહોંચશે. રાજકોટની એક દિવસની મુલાકાત દરમિયાન તેઓ અનેકવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે અને અનેક પ્રોજેકટનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરશે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સવારે ૦૯ કલાકે રેસકોર્સ ખાતે યોજાનાર જીનિયસ ગૃપ ઓફ ઈન્સ્ટીટ્યુશન દ્વારા આયોજિત ડિફેન્સ યુથ ફિએસ્ટા  ૨૦૧૯ માં હાજરી આપશે. ડિફેન્સ યુથ ફિએસ્ટાની થીમ નો યોર ડિફેન્સ ફોર્સ રાખવામાંઆવી છે. જે અંતર્ગત ભારતીય સેનાની ત્રણેય પાંખો કેવી રીતે કામ કરે છે તે અંગે વિવિધ પ્રોજેક્ટસ દ્વારા બાળકોને સૈન્ય પ્રત્યે આકર્ષીત કરવામાં આવશે.

આ યુથ ફિએસ્ટા તા. ૨૭ ફેબ્રૂઆરી સુધી ચાલુ રહેશે આ ચાર દિવસ દરમ્યાન અનેક વર્કશોપ,ટ્રેનિંગ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ વાઘા બોર્ડર પરેડ રેપ્લીકા, નડાબેટ પ્રદર્શન, મશાલ માર્ચ, સૈન્યના વિવિધ શસ્ત્રોનું પ્રદર્શન લોકોના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર રહેશે. કાર્યક્રમના અંતે મુખ્યમંત્રીશ્રીપરાક્રમ રેલીને ફ્લેગ ઓફ કરશે.

ત્યાર બાદ મુખ્યમંત્રી બપોરે ૧૧-૦૦ કલાકે આત્મીય યુનિવર્સિટી ખાતે બિલ્ડીંગ લોકાર્પણના કાર્યકર્મમાં ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રીની ઉપસ્થિતમાં સૈનિક કલ્યાણ નિધિ- ચેક અર્પણ કરવામાં આવશે.મુખ્યમંત્રી બપોરે ૦૩-૩૦ કલાકે રૈયા ચોકડીએ નવનિર્મિત ફ્લાય ઓવર બ્રિજનું લોકાર્પણ કરશે.

ત્યાર બાદ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીરાજકોટ મહાનગર પાલિકા દ્વારા આયોજિત વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમમાં હાજરી આપશે. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત (એએફપી) ૬૧૬નું લોકાર્પણ, સ્માર્ટ સીટી નોન-મોટરાઇઝડ ટ્રાન્સપોર્ટનો શુભારંભ, સ્માર્ટ સીટી લેઇક ૨અને ૩ નું લોકાર્પણ, સોલીડ વેસ્ટ વિભાગની ૧૦ ટીપરવાન, ૧ લોડર વાહન, ૪ કંટેનર અને ૧ સ્ટેટીક કોમ્પક્ટ મશીનનું લોકાર્પણ, રેનબસેરાનું લોકાર્પણ કરવામાં આવશે.

આ ઉપરાંત, ઇસ્ટઝોન ગોવિંદબાગ ખાતે લાયબ્રેરીનું ખાતમુહૂર્ત,અમૃત યોજના હેઠળ કરવામાં આવનાર કામોનું ખાતમુહૂર્ત,રૂડા દ્વારા રીંગ રોડનું ખાતમુહૂર્ત,રૂડા દ્વારા વિકાસકામોનું ખાતમુહૂર્ત,શહેર પોલીસનાં વિવિધ કામોનુ ખાતમુહૂર્ત,સિવીલ હોસ્પિટલના માતૃત્વ અને બાળ આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. શિવધારા સોસાયટી ખાતે આવાસ યોજનાનાં લાભાર્થી સાથે મુખ્યમંત્રી વાર્તાલાપ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.