Abtak Media Google News

કાલે સાંજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજકોટ મહાપાલિકા આયોજીત સૌરાષ્ટ્ર બુક ફેરને ખુલ્લો મુકશે: રવિવારે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત, માં અમૃતમ અને માં વાત્સલ્ય યોજનાનો મેગા કેમ્પ યોજાશે: અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવતીકાલ શનિવાર સાંજથી બે દિવસ માદરે વતન રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. બે દિવસ દરમિયાન તેઓ અનેકવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. મુખ્યમંત્રી બે દિવસની રાજકોટની મુલાકાતને લઈ શહેરભરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવતીકાલે શનિવારે બપોર બાદ રાજકોટ આવી પહોંચશે. તેઓ શનિવારે સાંજે ૬:૨૦ કલાકે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે રાજકોટ મહાનગરપાલિકા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંયુકત ઉપક્રમે યોજાનારા સૌરાષ્ટ્ર બુક ફેર કાર્યક્રમને ખુલ્લો મુકશે. આ તકે મુખ્યમંત્રીના હસ્તે સ્વચ્છ રાસોત્સવ સ્પર્ધાના વિજેતાઓને ચેક વિતરણ, સ્વચ્છતાના સ્પર્ધાના વિજેતાઓને શિલ્ડ તથા સર્ટીફીકેટ વિતરણ, વિદ્યાર્થીઓને ટેબલેટ વિતરણ કરવામાં આવશે.

આ ઉપરાંત મેઘઘનુષ સોવેનીયર, મહાત્મા ગાંધી મ્યુઝિયમ વેબસાઈટ, મહાત્મા ગાંધી મ્યુઝિયમ મોબાઈલ એપનું પણ લોન્ચીંગ કરવામાં આવશે. રવિવારે મુખ્યમંત્રી શહેરની ધર્મેન્દ્રસિંહ કોલેજ ખાતે મહાપાલિકા દ્વારા યોજાનારા આયુષ્માન ભારત, માં અમૃતમ તથા માં વાત્સલ્ય કાર્ડ યોજનાના મેગા કેમ્પમાં હાજરી આપશે અને આયુષ્માન ભારત યોજનાના લાભાર્થીઓને કાર્ડનું વિતરણ કરશે.

આ ઉપરાંત તેઓ રવિવારે સવારે ૮:૩૦ કલાકે રાજકોટ બ્રહ્માકુમારીઝ દ્વારા ગોલ્ડન જયુબીલી ઈનોગ્રોઓલ સેરેમની જે હેપી વિલેજ રીટ્રીટ સેન્ટર ગઢકા રોડ, કસ્તુરબાધામ ખાતે યોજાશે ત્યાં પણ હાજરી આપશે. બે દિવસની રાજકોટની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો કાર્યક્રમ ભરચક રહેશે તેવો અલગ-અલગ અનેક કાર્યક્રમોમાં ઉદઘાટન કરશે અને અનેક કામોમાં ઉપસ્થિત પણ રહેશે.

આ તકે તેઓની સાથે સાંસદ મોહનભાઈ કુંડારીયા, મેયર બીનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તા, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.