ઐતિહાસિક જીતને વધાવવા આજે સાંજે મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટમાં !!

રાજકોટમાં બહુમાળી ભવન ચોક સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના સાનિધ્યમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં યોજાશે વિરાટ વિજય લોક અભિવાદન સમારોહ

રાજકોટમાં ભાજપને ૭૨ બેઠકો પૈકી ૬૮ બેઠકો પર વિજય અપાવનાર વિકાસ સમર્પિત શહેરીજનોનો આભાર માનશે મુખ્યમંત્રી

રાજકોટ મહાનગરપાલિકાની નવમી સામાન્ય ચૂંટણીમાં ભાજપને ઐતિહાસિક જીત મળી છે. શહેરના ૧૮ વોર્ડની ૭૨ બેઠકો પૈકી ૬૮ બેઠકો પર ભાજપના ઉમેદવાર તોતીંગ લીડ સાથે વિજેતા બન્યા છે. કોંગ્રેસને ફાળે માત્ર ચાર બેઠકો જ આવી છે. માદરે વતન રાજકોટમાં મળેલી જીતના વધામણા કરવા માટે આજે સાંજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખુદ રાજકોટ આવી રહ્યાં છે. સાંજે ૫:૩૦ કલાકે શહેરના રેસકોર્સ રીંગ રોડ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના સાનિધ્યમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ભાજપ દ્વારા વિરાટ વિજય લોક અભિવાદન સમારોહ યોજાશે. જેમાં વિકાસને સમર્પિત રાજકોટવાસીઓનો મુખ્યમંત્રી આભાર વ્યકત કરશે અને રાજકોટનો વિકાસ સતત ચાલુ રહેશે તેવી ગેરંટી પણ આપશે.

તાજેતરમાં વડોદરામાં એક સભા સંબોધન દરમિયાન મુખ્યમંત્રી સ્ટેજ પર ઢળી પડ્યા હતા અને તેઓ હોસ્પિટલમાં સારવાર દરમિયાન કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. છ દિવસની સારવાર લીધા બાદ તેઓ કોરોના મુક્ત થતાં જ પોતાની નાગરિક તરીકેની ફરજ બજાવવાનું ચૂક્યા ન હતા અને ગત રવિવારે રાજકોટમાં મતદાન કરવા પણ આવ્યા હતા. કોરોનાને મ્હાત કર્યા બાદ આજથી ફરી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ચૂંટણી પ્રચાર કરવા માંડશે. આજે અલગ અલગ ત્રણ સભા સંબોધવાના છે. દરમિયાન સાંજે ૫:૩૦ કલાકે રાજકોટમાં એક વિરાટ વિજય અભિવાદન સમારોહમાં ભાગ લેશે અને ૭૨ માંથી ૬૮ બેઠકો જીતાવવા બદલ રાજકોટવાસીઓનો આભાર વ્યકત કરશે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાનગરપાલિકાની સ્થાપના થયા બાદ અલગ અલગ આઠેય ચૂંટણી બાદ ગઈકાલે જાહેર થયેલા ૯મી ચૂંટણીના જાહેર થયેલા પરિણામમાં ભાજપને બેઠકની દ્રષ્ટિએ સૌથી મોટો વિજય પ્રાપ્ત થયો છે. અગાઉ ભાજપ ૧૯૯૫માં ૨૦ વોર્ડની ૬૦ બેઠકો પૈકી ૫૯ બેઠકો પર વિજેતા બન્યું હતું. રાજકોટ વાસીઓએ વિકાસ તરફી પ્રચંડ જનાદેશ આપતા ભાજપનો બેઠકની દ્રષ્ટિએ સૌથી મોટો અને ઐતિહાસિક વિજય થયો છે. શહેરના ૧૮ વોર્ડ પૈકી ૧૭ વોર્ડની પેનલ વિજેતા બની છે અને ૬૮ બેઠકો પર કમળ ખીલ્યું છે. કોંગ્રેસને ફાળે માત્ર ૪ બેઠકો જ છે. જો વિરોધ પક્ષના પદ માટે ૧૦ ટકા બેઠક લેવાની જરૂરીયાત રહેતી હોય તો રાજકોટવાસીઓએ કોંગ્રેસને વિપક્ષની લાયક પણ છોડ્યો નથી.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હોમટાઉનમાં ભાજપનું જે રીતે બુલડોઝર ફર્યું તેની નોંધ દિલ્હી સુધી લેવામાં આવ્યું છે. કારણ કે ગત ચૂંટણીમાં માત્ર ચાર બેઠકોની પાતળી સરસાઈ સાથે સત્તા પર આવેલા ભાજપને આ વખતે કોંગ્રેસને માત્ર ગણીને ૪ બેઠક આવવા દિધી છે. આવા પ્રચંડ જનાદેશ બદલ રાજકોટમાં મુખ્યમંત્રી સાંજે માદરે વતન આવી રહ્યાં છે.

સાંજે ૫:૩૦ કલાકે યોજાનારા વિરાટ વિજય લોક અભિવાદન સમારોહમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ભાજપ પર અડીખમ વિશ્ર્વાસ મુકવા બદલ રાજકોટવાસીઓનો હૃદયપૂર્વક આભાર માની અને રાજકોટનો વિકાસ ચાલુ રહેશે તેવી ફુલપ્રુફ ગેરંટી આપશે. સવારથી શહેર ભાજપના આગેવાનો દ્વારા મુખ્યમંત્રીને આવકારવા માટેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભાજપના ૬૮ વિજેતા ઉમેદવારો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનશે.

કોરોનાને માત આપ્યા બાદ આજથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ફરી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પ્રચાર પ્રસારની કમાન સંભાળી લીધી છે. મુખ્યમંત્રીએ આજે સવારે ૧૧ કલાકે અમદાવાદ જિલ્લાના દેવ ધોલેરા ખાતે કેન્સ વેલી ગોલ્ફ ક્લબ ખાતે ભાજપના ઉમેદવારોના સમર્થનમાં એક જંગી જાહેરસભા સંબોધી હતી.

Loading...