Abtak Media Google News

રાજ્યવ્યાપી પોષણ અભિયાનનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી

રાષ્ટ્ર-રાજ્યની ભાવિ પેઢી ડેમોગ્રાફીક ડિવીડન્ડને

વિકાસમાં એસેટ બનાવવાનું આગવું કદમ બનશે : મુખ્યમંત્રીશ્રી

  • રાજ્યના વિકાસમાં નાગરિક જીવનની ફિટનેસ મહત્વનું પરિબળ છે
  • ખમીરવંતા ગુજરાતનું પ્રત્યેક બાળક ખડતલ-તંદુરસ્ત રહે તેવી નેમ પોષણ અભિયાનથી પાર પાડવી છે
  • સમાજ સમસ્ત-સેવા સંસ્થાઓ-જન જન આ અભિયાનને જનઆંદોલન બનાવે

    Pkif7497

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, રાજ્યવ્યાપી પોષણ અભિયાન એ રાષ્ટ્ર-રાજ્યની ભાવિ પેઢી સમાન ડેમોગ્રાફીક ડીવીડન્ડની સક્ષમતાનું આગવું કદમ બનવાનું છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, આ ડેમોગ્રાફીક ડિવીડન્ડ વિકાસમાં એસેટ બને તેવી નેમ પોષણ અભિયાનને જનઆંદોલન બનાવીને પાર પાડવી છે.

મુખ્યમંત્રીશ્રીએ મહિલા-બાળ વિકાસ વિભાગના ઉપક્રમે પોષણ અભિયાનનો મહાત્મા મંદિરથી રાજ્ય પ્રારંભ કરાવ્યો હતો તેમજ રાજ્યસ્તરીય અભિમુખતા કાર્યશાળાનું ઉદઘાટન કર્યુ હતું.

Pkif7527 1

આ કાર્યશાળામાં જિલ્લા વિકાસ અધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનરો તેમજ ICDS ઓફિસર્સ અને પોષણ અભિયાનમાં સહયોગી સેવા સંસ્થાઓના પદાધિકારીઓ જોડાયા હતા.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે કોઇપણ રાજ્ય-રાષ્ટ્રના વિકાસમાં નાગરિકો-પ્રજાજનોની ફિટનેસ-તંદુરસ્તીને મહત્વનું પરિબળ છે.

તેમણે પોષણ અભિયાનના વ્યાપક લાભ રાજ્યના અંતરિયાળ-દૂર દરાજના વિસ્તારો સહિત ખૂણે-ખૂણે પહોચાડી ભવિષ્યની માતા-દિકરીઓ અને બાળકોની તંદુરસ્તી-સુખાકારી માટેની અભિનવ પહેલ ‘પૂર્ણા’ યોજના પ્રિવેન્શન ઓફ અંડર ન્યુટ્રિશન એન્ડ રિડકશન ઓફ ન્યૂટ્રીશનલ એનિમીયાએ અમોંગ એડોલસન્ટ ‘ગર્લ્સ’નો પ્રારંભ પણ કરાવ્યો હતો.

Pkif7572 1

આ યોજના તહેત રાજ્ય સરકારે ર૭૦ કરોડ રૂપિયા કિશોરીઓ- દિકરીઓમાં કુપોષણ-એનિમિયા નિયંત્રણ માટે ફાળવ્યા છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, ગુજરાતની ધરા ખમીરવંતી અને ખડતલ છે ત્યારે આ ધરતીનું પ્રત્યેક બાળક અને આવનારી પેઢી પોષણક્ષમ-સજ્જ રહે એની ચિંતા અને જવાબદારી માત્ર સરકાર જ નહિ, સમાજ સમસ્ત અને જન-જન એ ઉપાડીને આ પોષણ અભિયાનને સફળ બનાવે તે સમયની માંગ છે.

તેમણે રાજ્યમાં આદિજાતિ વિસ્તારોના બાળકોને પોષણક્ષમ બનાવવા રાજ્ય સરકારે દૂધ સંજીવની યોજના શરૂ કરી છે તેની ભૂમિકા આપતાં આંગણવાડીઓમાં પોષણયુકત આહાર આપી આંગણવાડીઓને નંદઘર તરીકે પ્રસ્થાપિત કરી રાજ્યની આવનારી પેઢીને કૃષ્ણ-કનૈયા જેવી પોષણ સજ્જ બનાવવાની નેમ રાખી છે તેમ પણ ઉમેર્યું હતું.

Pkif7469

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના જે ૬.૭ જિલ્લાઓ પોષણ ક્ષમતામાં હજુ પાછળ છે તેના પર વિશેષ ફોકસ કરીને બાળક, સગર્ભા ધાત્રી માતા, કિશોરીઓની તંદુરસ્તી પોષણ સજ્જતા માટે આ પોષણ અભિયાન ઉપયુકત બનશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

રાજ્યના દાહોદ-નર્મદા બે જિલ્લા કેન્દ્ર સરકારે જાહેર કરેલા દેશના ૧૧૭ એસ્પિરેશનલ ડિસ્ટ્રીકટમાં ૧૭,૧૮માં ક્રમે હતા તેમાંથી દાહોદ પ્રથમ ક્રમે આવ્યું છે તેની સરાહના તેમણે કરી હતી.

તેમણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ૮મી માર્ચે રાજસ્થાનના ઝૂંઝૂનથી  રાષ્ટ્રવ્યાપી પોષણ મિશનનો આરંભ કરાવી દેશની આ બેઝિક સમસ્યા પર વિશેષ ઝોક આપ્યો તે તેમની તંદુરસ્ત ભારતની સંકલ્પબદ્ધતા છે એમ પણ કેન્દ્ર સરકારની જનધનથી ઉજ્જવલા સુધીની જનકલ્યાણ યોજનાઓની સફળતા વર્ણવતા જણાવ્યું હતું.

Pkif7485

મુખ્યમંત્રીશ્રીએ બાળકના જન્મથી ૧૦૦૦ દિવસમાં પોષણયુકત આહાર આપીને લાંબાગાળાની તંદુરસ્ત જીવનની બૂનિયાદ ઊભી કરવાની અનિવાર્યતા સમજાવી હતી.

તેમણે બેટી બચાવો-બેટી પઢાવો, ભૃણ હત્યા પ્રતિબંધ, દિકરો-દિકરી એક સમાન એવા અનેક અભિયાનથી વિમેન એમ્પાવરમેન્ટ દ્વારા પોષણ સજ્જ પેઢી નિર્માણની યોજનાઓની વિગતો આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ બાયસેગ-સેટેલાઇટ માધ્યમથી આ કાર્યક્રમમાં જોડાયેલી રાજ્યભરની આંગણવાડી કાર્યકર બહેનોને આ તકે પ્રેરક આહવાન કરતાં કહ્યું કે રાજ્યનું એક પણ બાળક કુપોષિત ન રહે તે માટે આ પોષણ અભિયાનને ઝૂંબેશ તરીકે ઉપાડી લઇએ.

આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી શ્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે, આખોદેશ કુપોષણની સામે લડી રહ્યો છે ત્યારે ગુજરાત રાજ્ય સુવ્યવસ્થિત આયોજન દ્વારા કુપોષણ સામેના જંગમાં અગ્રેસર રહેશે. આ અભિયાનમાં આંગણવાડી બહેનોની ભૂમિકા સૌથી મહત્વની હોવાનું જણાવતા મંત્રીશ્રીએ આંગણવાડી બહેનોને સુપોષિત ગુજરાતના નિર્માણમાં શ્રેષ્ઠ પ્રદાન આપવા અનુરોધ કર્યો હતો. ૫૩ હજાર આંગણવાડી દ્વારા અંદાજે ૬૦ લાખ લાભાર્થીઓને પોષણ અભિયાનનો લાભ મળશે, તેમ જણાવી મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, માત્ર બાળકો જ નહીં પરંતુ જે બાળક ભવિષ્યમાં જન્મવાનું છે તેવા ગર્ભસ્થ શિશુ-ગર્ભવતી માતા અને ભવિષ્યમાં મા બનનારી કુમારિકાઓના પોષણ માટે પણ આયોજનબદ્ધ અમલીકરણ કરાયું છે. તેમણે ૧૪ થી ૧૮ વર્ષની દિકરીઓના પોષણ માટેની ‘પૂર્ણા’ યોજનાને પણ મહત્વની ગણાવી હતી.

Pkif7488

ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ શ્રી રાકેશ શ્રીવાસ્તવે પોષણ અભિયાનનો હેતુ સ્પષ્ટ કરતાં કહ્યું કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ૮ માર્ચ-૨૦૧૮ રાજસ્થાનથી આ અભિયાનનો શુભારંભ કર્યો હતો અને દેશભરના ૭૧૮ જિલ્લાઓ આવરી લેવાનું આયોજન કરાયું હતું. તે પૈકી ૫૫૦ જિલ્લાઓ આવરી લેવાયા છે, અને જાન્યુઆરી-૨૦૧૯ સુધીમાં બાકીના ૧૬૮ જિલ્લાઓ આવરી લેવાનું આયોજન છે. આ માટે વર્લ્ડબેન્ક દ્વારા રૂ.૯૦૪૬ કરોડની લોન મળી છે.

તેમણે કહ્યું કે, આ અભિયાન અંતર્ગત આંગણવાડીઓમાં ટેકનોલોજીના ઉપયોગથી રીયલ ટાઇમ મોનીટરીંગ તથા લાભાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આંગણવાડી કાર્યક્રોનું કાર્યભારણ ઘટાડવા તથા કાર્યક્ષમતામાં સુધારો લાવવા તમામ મુખ્યસેવિકાઓ તથા આંગણવાડી કાર્યકરોને સ્માર્ટ ફોન આપવામાં આવશે. જેના માધ્યમથી રીયલ ટાઇમ મોનીટરીંગ તથા લાભાર્થીઓની સ્થિતિનો ખ્યાલ આવશે.

Pkif7499

રાજ્યના મુખ્ય સચિવ શ્રી ડૉ.જે.એન.સિંહે પોષણ સંબંધિત સમસ્યાને એક પડકાર ગણાવી તેના સામના માટે સજ્જ થવા સૌને અનુરોધ કર્યો હતો. તેમણે કુપોષણની સમસ્યાના મૂળ સુધી પહોંચી ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી મોનીટરીંગ કરવા ઉપર પણ ભાર મૂક્યો હતો. મુખ્યસચિવશ્રીએ સહકારી ધોરણે તૈયાર થયેલા ‘ટેક હોમ રાશન’ના પોષણયુક્ત આહારને લાભાર્થી સુધી પહોંચાડવાના ગુજરાત સરકારના નિર્ણયને અતિમહત્વરૂપ ગણાવ્યો હતો.

મહિલા અને બાળ વિકાસ વિભાગના સંયુકત સચિવ શ્રી ડૉ. રાજેશકુમારે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે પોષણક્ષમ સમાજના નિર્માણ માટે બાળકો અને માતામાં સર્વગ્રાહી પોષણ માટે એક જનઆંદોલન શરૂ કર્યું છે. કર્નલ સમીર કંવરે આ અભિયાન અંતર્ગત તૈયાર થયેલી મોબાઇલ એપ્લીકેશન વિશે સમજ આપી આ પોષણ અભિયાનના એકશન પ્લાન અને માઇક્રો પ્લાનીંગ સવિસ્તર સમજાવ્યું હતું.

મહિલા બાળ વિકાસ વિભાગના સચિવ શ્રી મિલિન્દ તોરવણેએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા.

પોષણ અભિયાનના શુભારંભ બાદ યોજાયેલ રાજ્ય સ્તરીય વર્કશોપમાં ચાર ટેકનીકલ સત્રો યોજાયા હતા. આઇ.સી.ડી.એસ. યોજનામાં ૪૨ લાખ લાભાર્થીઓને દર માસે અપાતા ૧૬ હજાર મે.ટન સૂક્ષ્મ પોષક તત્વયુક્ત ‘ટેક હોમ રાશન’નું વિતરણ, ડબલ ફોર્ટીફાઇડ આયોડીન મીઠાનું વિતરણ, આંગણવાડી બહેનો માટે આઇ.સી.ડી.એસ. ઇ-સ્ટોક-કાર્ડનું વિતરણ તથા પોષણ માટે બનાવેલ થીમેટીક કેલેન્ડરનું પણ વિમોચન કરાયું હતું.

Pkif7527

આ પ્રસંગે ગુજરાત મહિલા આયોગના ચેરપર્સન શ્રીમતી લીલાબેન અંકોલીયા, બાળ આયોગના ચેરપર્સન શ્રીમતી જાગૃતિબેન પંડ્યા, મહાનગરપલિકાના મેયર, જિલ્લા પંચાયત પ્રમુખ, મહિલા બાળ કલ્યાણ સમિતિના ચેરમેન, મ્યુનિપસિપલ કમિશનરશ્રીઓ, જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ, સી.ડી.પી.ઓ., મુખ્ય સેવિકાઓ સહિત વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મહિલા બાળ વિકાસ વિભાગના કમિશનર શ્રીમતી મનીષા ચંદ્રાએ આભારવિધિ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.