Abtak Media Google News

શહેર ભાજપ આયોજીત વિધાનસભા-૭૦, ૭૧ના બુથવાલી, ઈન્ચાર્જ અને સહ ઈન્ચાર્જ સંમેલનમાં કાલે મુખ્યમંત્રી આપશે માર્ગદર્શન

સોમવારે મુખ્યમંત્રી અવધુત એવોર્ડ સન્માન સમારોહ, રાષ્ટ્રીય અને રાજય પારિતોષીક વિજેતા ટીચર્સ ફેડરેશનના શૈક્ષણિક અધિવેશન, પુજીત રૂપાણી ટ્રસ્ટના બાળસંગમ કાર્યક્રમ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના યુવક મહોત્સવમાં હાજરી આપશે

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવતીકાલે અને સોમવારે રાજકોટની મુલાકાત દરમિયાન અનેકવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.

આવતીકાલે રવિવારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાંજે રાજકોટ ખાતે આવી પહોંચશે. શહેર ભાજપ દ્વારા શેઠ હાઈસ્કુલ ખાતે વિધાનસભા બેઠક ૭૦ અને ૭૧ માટે બુથવાલી, ઈન્ચાર્જ, સહ ઈન્ચાર્જ અને શકિત કેન્દ્રોના ઈન્ચાર્જનું સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે.

શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, મહામંત્રી જીતુભાઈ કોઠારી, દેવાંગ માંકડ અને કિશોરભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, કાલે શહેર ભાજપ દ્વારા વિધાનસભા-૭૦ અને ૭૧ના તમામ બુથ વાલી, ઈન્ચાર્જ, સહ ઈન્ચાર્જ, શકિત કેન્દ્રના ઈન્ચાર્જના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. આગામી સોમવારે સાંજે ૬:૩૦ કલાકે પેડક રોડ અટલ બિહારી વાજપાયી ઓડિટોરીયમ ખાતે વિધાનસભા-૬૮ બેઠક માટે સંમેલન યોજાશે જેમાં કાર્યકર્તાઓને ઉપસ્થિત રહેવા તેઓએ અનુરોધ કર્યો છે.

સોમવારે મુખ્યમંત્રી અનેકવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે જેમાં સવારે ૮:૦૦ કલાકે શ્રી પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા ફનવર્લ્ડ ખાતે યોજાનારા બાલસંગમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કરશે. આ ઉપરાંત તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આયોજીત ૪૮માં યુવક મહોત્સવ થનગનાટ-૨૦૧૮નો સોમવારે સવારે ૯:૪૫ કલાકે આરંભ કરાવશે.

મુખ્યમંત્રી કાલાવડ રોડ સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે બપોરે ૪:૧૫ કલાકે યોજાનારા ટીચર્સ ફેડરેશનના ૨૪માં શૈક્ષણિક અધિવેશનમાં હાજરી આપશે ત્યારબાદ સાંજે ૭:૦૦ કલાકે અટલ બિહારી બાજપાઈ ઓડિટોરીયમ ખાતે વિધાનસભા બેઠક ૬૮ માટે યોજાનારા બુથવાલી સંમેલનમાં પણ તેઓ ઉપસ્થિત રહેશે.

આ ઉપરાંત મુખ્યમંત્રી સોમવારે શ્રી અવધૂત ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લિમીટેડ દ્વારા યોજાનારા અવધૂત એવોર્ડ સમારોહમાં ઉપસ્થિત રહેશે અને તેઓ ડો.પ્રવિણ નિમાવત રચિત શબ્દસુમન કાવ્યસંગ્રહનું પણ વિમોચન કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.