Abtak Media Google News

૮ અછતગ્રસ્ત તાલુકાઓના ૧૫૦૦ ખેડુતોએ સંમેલનમાં ભાગ લીધો: નાયબ મુખ્યમંત્રી, કૃષિમંત્રી, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી તેમજ પાણી પુરવઠા અને પશુપાલક મંત્રીની પ્રેરક ઉપસ્થિતિ

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે રાજકોટની મુલાકાતે આવ્યા છે. તેઓએ રાજકોટમાં ખેડુત સંમેલનમાં હાજરી આપીને ૮ અછતગ્રસ્ત તાલુકાઓના લાભાર્થી ખેડુતોને સહાયનું હાથોહાથ વિતરણ કર્યું હતું. આ ખેડુત સંમેલનમાં ૧૫૦૦ જેટલા ખેડુતો જોડાયા હતા. આ તકે નાયબ મુખ્યમંત્રી, કૃષિમંત્રી, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી તેમજ પાણી પુરવઠા અને પશુપાલક મંત્રીની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

રાજયના કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ ગાંધીનગર દ્વારા રાજકોટ સ્થિત હેમુગઢવી હોલ ખાતે આજે અછતગ્રસ્ત, ટપક સિંચાઈ અને તાર ફેન્સીંગના લાભાર્થીઓ માટે સહાય વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે ખેડુત સંમેલન પણ યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં અછતગ્રસ્ત તાલુકાઓ ઉપલેટા, ધોરાજી, જેતપુર, જસદણ, વિંછીયા, પડધરી, ગોંડલ, કોટડાસાંગાણીના ૧૫૦૦ જેટલા ખેડુતો ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનમાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. તેઓએ આ કાર્યક્રમમાં ખેડુતોને હાથોહાથ સહાયના ચેક તેમજ ઓર્ડરનું વિતરણ કર્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમમાં રવિપાક પરીસંવાદ અને કૃષિગોષ્ઠીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેથી ખેડુતો નવિનતમ ખેતી પઘ્ધતિઓથી અવગત થાય તથા આધુનિક કૃષિ અંગે તજજ્ઞતા મેળવી શકે. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ, કૃષિમંત્રી આર.સી.ફળદુ, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઈ રાદડિયા તથા પાણી પુરવઠા અને પશુપાલક મંત્રી કુંવરજીભાઈ બાવળીયા સહિતના નેતાઓની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.