Abtak Media Google News

ટેકાનાભાવે ખરીદ કરાયેલી રૂ.૨૮ કરોડની મગફળી આગમાં ખાખ ભ્રષ્ટાચાર થયાની વિપક્ષની ફરિયાદને પગલે વિજયભાઈનો નિર્ણય

રાજય સરકાર દ્વારા ખેડુતોને પોષણક્ષમ ભાવ મળી રહે તેવા હેતુ સાથે સરકારી સંસ્થા મારફતે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી હતી. જે મગફળીનો જથ્થો ગોંડલ નજીક આવેલા ઉમવાળા ગામ પાસે ગોડાઉનમાં રાખવામાં આવ્યો હતો. જે ગોડાઉનમાં મંગળવારે મોડીસાંજે આગ લાગવામાં આવી હતી જે વિકરાળ આગથી આશરે ખરીદ કરાયેલ આશરે રૂ.૨૮ કરોડનો મગફળીનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો અને તે માત્ર ૩૬ કલાકના અંતે કાબુમાં આવી હતી.

આ ઘટનાને પગલે જિલ્લા કલેકટર દ્વારા મેજીસ્ટ્રીયલ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. જેને પગલે એફએસએલ સહિતના સ્ટાફે કાર્યવાહી હાથ ધરી હતી.

જયારે આ આગમાં રાજકીય પક્ષો દ્વારા ભ્રષ્ટાચાર થયો હોવાની વિરોધ ઉઠતા જેના પગલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગોંડલની મગફળીના ગોડાઉનમાં લાગેલી આગની ઘટનાની તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપવામાં આવી હોવાની જાહેરાત કરવામાં આવી છે.

ગોંડલમાં મગફળીના ગોડાઉનની બહારથી એફએસએલની ટીમે લીધા નમૂના

ગોંડલ નજીક મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટનામાં એફએસએલની ટીમે બહારનાં ભાગેથી નમૂનાઓ લઈ તપાસ હાથ ધરી છે. આગ કાબુમાં તો આવી છે.પરંતુ ગોડાઉનનાં અંદરનાં ભાગે હજુ ધૂમાડા હોવાના કારણે ત્યાંથી સેમ્પલ લઈ શકાયા નથી.

ગઈકાલે આ ઘટનાની પ્રાથમિક વિગત રજૂ કરતો અહેવાલ ગોંડલ મામલતદારે જિલ્લા કલેકટર સમક્ષ રજૂ કર્યો હતો. ગોડાઉનમાં ૧૩ મંડળીની રૂ.૨૮ કરોડની કિંમતની ૧,૩૫,૯૫૭ મગફળીની બોરી રાખવામાં આવી હતી. વધુમાં મગફળીના ગોડાઉન પાસે ગ્રીસ અને ઓઈલનાં શંકાસ્પદ બેરલો જોવા મળ્યા હતા.પ્રાથમિક તપાસમાં ગોડાઉનની પાછળના ભાગે ગ્રીસ અને ઓઈલ ભરેલા ૮ થી ૧૦ બેરલો મળી આવતા આગ લગાડવામાં આવી હોવાની શંકા દ્દઢ બની છે.

એફએસએલ, નાફેડ, અને ગુજકોનાં અધિકારીઓએ ગોડાઉનનાં બહારના ભાગે આજથી પ્રાથમિક તપાસ આરંભી છે.હાલ તો ગોડાઉનની અંદર આગના ધૂમાડા હજુ યથાવત હોવાથી ત્યાંથી નમૂના લઈ શકાય તેમ નથી જેથી એફએસએલની ટીમે ગોડાઉનનાં બહારના ભાગનું સ્થળ નિરીક્ષણ કરીને ત્યાંના નમુના લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.