Abtak Media Google News

ઢોલી તારા ઢોલકાને ધીરેધીરે છેડ હોળી આવે છે… સોની ઘડને કંદારો મારી વહુની કોરી કોડ, હોળી આવે છે…

ચાંદનીનો એનો અંચળો શોભન, ફાગણી આવી વિશ્વનો આનંદ ઢૂંઢતી જોગણ, ફાગણી આવી

રાજકોટ ઉત્સવભીનું છે.

સૌરાષ્ટ્ર-ગુજરાત પણ ઉત્સવઘેલા છે,

સમગ્ર હિન્દુસમાજ ઉત્સવપ્રિય છે.

હોળીનો તેવાર-હિરણ્યકશ્યપ રાક્ષસ, પરમેશ્વરમય પ્રહલ્લાદ અને હિરણ્યકશ્યપની બહેન હોલિકાને સાંકળતી સુર-અસુર વચ્ચે થયેલા સંઘર્ષની પૌરાણિક પ્રચલિત કથા હોલિકા-દહનનો અને આસુરી શકિતની સામે દૈવી શકિતના વિજયની ખુશાલીનો તહેવાર છે એવી એક વાત છે.

બીજી એક વાત એવી પણ છે કે, ખેતરોમાં અન્ન ઉત્પન્ન માટે ખેડૂત પરિવારોએ કરેલા સામૂહિક શ્રમ પછી ઉત્પન્ન થયેલા મબલખ પાકની સામૂહિક ખુશાલીનો આ તહેવાર છે, ને આપણા દેશના સેંકડો ગામડાઓને સ્પર્શે છે. શહેરોમાં સૂર-અસુર વચ્ચેના દારૂણ સંઘર્ષમાં સુર અર્થાત દૈવીશકિતના વિનાશની ખુશાલી પ્રગટ કરવાના આ અવસરે નાસ્તિક અસુર પિતા હિરણ્યકશ્યપની ક્રુરતા સામે તેના અણુએ અણુમાં આસ્તિકપુત્ર પ્રહલ્લાદને ઉગારવો ધગધગતા લોઢાના લાલચોળ સ્થંભ, કીડીઓને નિર્ભયપણે હરતી ફરતી દેખાડીને એને બાથ ભીડવા પ્રેરીને ભગવાને તેને હેમખેમ ઉગાર્યો અને હિરણ્યકશ્યપને મારીને પૃથ્વી ઉપરનો તથા માનવજાત ઉપરનો ભાર ઉતાર્યો એની ખુશાલીનો તથા હિરણ્યકશ્યપના કહેવાથી હોલિકાએ તેની પ્રજવલ્લા શકિતથી પ્રહલ્લાદને પોતાના ખોળામાં બેસાડીને તેને ભસ્મીભૂત કરવાની પ્રપંચી યુકિતને અસફળ બનાવીને ખૂદ હોલિકાને અગ્નિની જવાળાઓ વચ્ચે ભસ્મીભૂત કરીને પ્રહલ્લાદને ઉગાર્યો અને પ્રભુઓ પોતાનો કરીને અગ્નિ પરીક્ષામાંથી પાર ઉતાર્યો એની ખુશાલીનો આ પૂણ્યભીનો અવસર છે. લોકોનાં શારીરિક, માનસિક અને આત્મિક સ્વાસ્થ્ય માટે આપણા પૂર્વજોએ સમયાંતરે આવા તહેવારો-પર્વોનાં આયોજનો કર્યા હતા. તે આજે યુગો પછી પણ જીવંત છે અને આપણી હિન્દુ સંસ્કૃતિના અભિન્ન ભાગ બની ગયા છે.

આપણો માનવ સમાજ અને સમૂળગો દેશ આપણા સંસ્કાર, સંસ્કૃતિ, રીતરિવાજો, પ્રણાલિકાઓ અને પરંપરાગત શુભ અવસરોને રાષ્ટ્રિય, સાંસ્કૃતિક, ધાર્મિક, સામાજીક તહેવારો-પર્વો તરીકે હોંશે હોંશે અને પૂરેપૂરી શ્રધ્ધા-આસ્થા સાથે ઉજવીએ છીએ. આપણા સંત-મહંતો, સાધુ-સન્યાસીઓ, ધર્માચાર્યો, ધર્મગુરૂઓને પણ તેઓની પૂજા-અર્ચના, સાધના-ઉપાસના વડે વંદીએ છીએ અને આત્મોન્નતિના ઉદગાતા તરીકે તેમના સ્થાનકો, દહેરા-દેરીઆને તેમજ પાળિયાઓ અને દીવા-દીવડીઓ પ્રગટાવીને શ્રધ્ધા-આદરભાવનાં ફૂલો ચડાવીએ છીએ…

‘હૂતાશણી’ના સ્થાને છેક ભૂમિમાં ખેડુત પરિવારોના સામૂહિક શ્રમ-પરિશ્રમ બાદ ઉત્પન્ન થયેલા ઘઉં વગેરે અન્નને માટલીઓમાં રાખીને ઘૂઘરી રૂપે તેને પ્રસાદ તરીકે વહેંચીને ખેતરની ‘ભૂમિ’નો, શ્રમિક ભાઈ બહેનોનો, વષાનો અને ધરતીપુત્રોના ઉપકાર માનીએ છીએ. શિયાળાની ઠંડીમાં રહ્યા સહ્યા કફ-ખાંસી વગેરેને દૂર કરવા ધાણી, દાળિયા, ખજૂર અને ફળનો આસ્વાદ કરવાનો રિવાજ પણ આપણા પૂર્વજોએ ચીંધ્યો છે. હોળીની જવાળા અને અગ્નિના ભઠ્ઠા નજીક તાપવાનું પણ શરદીલક્ષી શારીરિક તકલીફોમાં ઉપકારક બની શકે છે.

ધૂળેટીના દિવસને શુભદિન માનવામા આવ્યો છે. રંગોત્સવ કૌટુંમ્બિક હેતપ્રીતના તાણાવાણા માટે અને સામાજીક એકતા, સંપ, બંધુત્વ, ભગિની ભાવ, દામ્પત્યજીવનની અખંડ પ્રસન્નતા અને સ્વાસ્થ્ય-સૌદર્ય અને સામાજીક સંપ તેમજ રાષ્ટ્રભાવનાને સુદ્દઢ બનાવવામાં નિષ્પાપ બળ આપે છે.

શ્રી કૃષ્ણ માનવજીવનના વિભિન્ન ભાવોનો અધિનાયક રહ્યા છે. કહાન-ગોપીની રાસલીલા, પ્રેમીલાલ, સ્નેહભીનાં આદાનપ્રદાન છેક પીચકારી સુધી પહોચ્યા છે. રંગે રમવું અને રમાડવું એ આલોલીલો લ્હાવો છે. નિદોર્ષ ચિત્તે એકબીજા સ્વજન થવાનો અને મૂકત રમવા-કૂદવાનો આનંદ પામવાનો અવસર ‘ધૂળેટી’ જ આપે છે. આવાં સંસ્મરણોની મધુમય બિછાત કહાન-ગોપી સિવાય કોણ આપી શકે?

લાજ-મર્યાદાના ઓઢણાં વચ્ચે મોં ઢાંકીને જ ઘરની બહાર નીકળી શકતી ગ્રામ્ય વહુવાહુઓને મુકત પણે રંગે રમવાનો અવસર આપતો આ તહેવાર સમાજ-સુધારણાની ચાડી ખાતો હોવાનું કોને નહિ લાગતુ હોય? ફૂલડોલ, કેસુડો, ગીતો-નાચ-નૃત્યોની રમઝટ, અબિલ-ગુલાલની વર્ષા ઝીલતા યુવાનો-યુવતીઓ (કહાન-ગોપીઓ), હરિમંદિરોમાં રંગના છાંટણાને પ્રસાદી રૂપે ઝીલતા હરિભકતો, એવું બધું કયાં જોવા મળે? રાધા, મીરા અને ગોપીઓનાં રૂડાં દર્શન કરાવે એવા અવસરને પૂણ્યના બદલે રૂપિયામાં કે ધનમાં મૂલવીએ તો કદાચ કરોડપતિઓના કદ ટૂંકા પડે!

પેલા ગામડા ગામનો હરખપદુડો ખેડુત તો એમ કહે છે કે, “ઢોલી તારા ઢોલકાને ધીરે ધીરે છેડ, હોળી આવે છે. સોની ઘડને કંદોરો, મારી વહુની કોરી કેડય, હોળી આવે છે.એને મન વહુની કેડયે કંદોરો હોય તોજ એની શોભા વધે… કંદોરાને એ કુટુંબની આબ‚નું પ્રતીક સમજતો હશે ને? અને ઢોલીનો ઢોલ, એ તો લાખેણા શુકન ! દીકરો આવવાનાં, વહાલી દીકરીના આણાનાં અને ઉજળી આવતી કાલનાં!

અહીં એવો પ્રશ્ન ઉઠે જ છે કે, આજની ગરીબી, કાળઝાળ મોંઘવારી, કરોડોના ધૂમાડો કરતી ચૂંટણીની કાગારોળ અને રાજગાદીના મ્હોંકાણ વચ્ચે ધૂળેટી કેવી ક શોભશે?ઉત્સવ અનિવાર્ય ગણાય એની ના નહિ. પણ એનાં કૂલ ખર્ચનો પાટડીના પરમપૂજય- ભગવાન તૂલ્ય – ગરીબોના બેલી શ્રી જગાબાપા અને સદ્ગૂ‚ પરમાત્મા પરમ પૂજય શ્રી રણછોડદાસજી બાપુ ચીંધે એટલો હિસ્સો ગરીબો માટે વપરાય એવું શું ન બને અને એ શું ન શોભે?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.