Abtak Media Google News

એડવોકેટ પીટીશનર અશ્વિની ઉપાધ્યાય દ્વારા દાખલ કરાયેલી પીઆઈએલના જવાબમાં કેન્દ્રે સુપ્રીમમાં એફીડેવીટ રજૂ કર્યું

રાજકારણ અને ગુનાખોરીને સીધો સંબંધ હોય તે પ્રકારે ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા રાજકારણીઓને વિધાનસભાથી માંડી સંસદ સુધીની ટીકીટો રાજકીય પક્ષો દ્વારા આપવામાં આવે છે. અગાઉ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પણ રાજકીય ઉમેદવારોના ગુનાહિત ઈતિહાસ અંગે ચર્ચા કરતા મોટાભાગના ઉમેદવારો ગંભીર ગુનામાં સંડોવાયેલા હોવાના અહેવાલ સામે આવ્યા હતા. એડવોકેટ અશ્ર્વિની ઉપાધ્યાયએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી પીઆઈએલમાં ગંભીર ગુનામાં સંડોવાયેલા રાજકારણીઓ પર ચૂંટણી લડવા તેમજ ચાલુ નેતાઓને પદભ્રષ્ટ કરવા અંગે સુપ્રીમમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી. જે મામલે કેન્દ્ર સરકારે રાજકારણીઓને કવચ પૂરું પાડતા સુપ્રીમમાં એફીડેવીટ રજૂ કર્યું છે.

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એફીડેવીટ રજૂ કરતા કહ્યું હતું કે, અગાઉ જે લોકો પર ગંભીર ગુનાના આક્ષેપ થયા છે તેને ધ્યાને રાખી તેમને જીવનભર ચૂંટણી નહીં લડવા આદેશ કરી શકાય નહીં. તેમજ જે નેતાઓ હાલ ચાલુ ટર્મમાં છે તેમને પદભ્રષ્ટ પણ કરી શકાય નહીં. સુપ્રીમે દલીલ કરતા પુછયું હતું કે, શા માટે આ પ્રકારના રાજકારણીઓ ઉપર આજીવન પ્રતિબંધ મુકવો જોઈએ.

ગંભીર ગુનામાં સંડોવાયેલા રાજકારણીઓને પદભ્રષ્ટ કરવા તેમજ આજીવન ચૂંટણી નહીં લડવાની માંગણી સાથે એડવોકેટ પીટીશનર અશ્ર્વિની કે. ઉપાધ્યાયે સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરતા આ પ્રકારના તમામ રાજકારણીઓને તાત્કાલીક ધોરણે તેમના પદ પરથી મુકત કરી આજીવન ચૂંટણી નહીં લડવાનો આદેશ કરવા સુપ્રીમમાં માંગણી કરાઈ હતી. પીઆઈએલમાં ઉલ્લેખ કરાયો હતો કે, જે નેતા પોતે જ ગંભીર ગુનામાં સંડોવાયેલો છે તે પ્રજાનું રક્ષણ કઈ રીતે કરશે. માટે તેમણે તાત્કાલીક ધોરણે પદભ્રષ્ટ કરવા જોઈએ.

જેના જવાબમાં કેન્દ્રએ રાજકારણીઓને કવચ પૂરું પાડતા એફીડેવીટના સ્વરૂપમાં કહ્યું હતું કે, અગાઉ જે નેતાઓ પર ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે તેના આધારે કોઈને પણ પદભ્રષ્ટ કરી શકાય નહીં અથવા તો આજીવન તેમને ચૂંટણી નહીં લડવા આદેશ પણ કરી શકાય નહીં જેથી સુપ્રીમે આ પીઆઈએલને ફગાવી દેવી જોઈએ. ફકત આક્ષેપ થવાથી ગુનો સાબીત થઈ જતો નથી. ઉપરાંત જે નેતાઓના ગુના અગાઉ સાબીત થઈ ગયા છે અને તેમણે સજા પણ ભોગવી છે તેમને ફરીવાર એક જ ગુના માટે સજા આપી શકાય નહીં. જેથી સુપ્રીમમાં અમે માંગણી કરીએ છીએ કે, આ પીઆઈએલને તાત્કાલીક ફગાવી દેવી જોઈએ. કેન્દ્રએ એફીડેવીટ માધ્યમે સવાલ કર્યો હતો કે, તમે ક્યાં આધારે આ પ્રકારની માંગણી કરી શકો છો. જે નેતાઓ આજથી ૬ વર્ષ પહેલા ચૂંટાયને આવ્યા છે તેમને પદભ્રષ્ટ કરવાની વાત જ આવતી નથી અને હૃદય પરિવર્તન કોઈપણનું થઈ શકે છે તો એવા કિસ્સામાં કોઈપણ વ્યક્તિને બે વાર સજા કરી શકાય નહીં.  જસ્ટીસ એન.વી.રમણાની ખંડપીઠમાં ચાલતી સુનાવણી દરમિયાન સુપ્રીમે એફીડેવીટ રજૂ કર્યું છે. સુપ્રીમે કહ્યું છે કે, કોઈપણ વ્યક્તિના બંધારણીય અધિકારનું ઉલ્લંઘન કરી શકાય નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.