ઝૂપડપટ્ટી પુનર્વસન અભિયાન માટે રાજ્ય સરકારોને પ્રોત્સાહન આપવાની કેન્દ્રની વિચારણા

દેશ હવે ઝૂપડપટ્ટી ’મુક્ત’ બનશે !

મહારાષ્ટ્ર સરકારે કેન્દ્ર પાસે ટેક્સમાં રાહત આપવાની કરી માંગણી, કેન્દ્રની તાત્કાલિક દરખાસ્ત મોકલવા તાકીદ

દેશમાં તમામ વર્ગના લોકોને તેમનું ’ઘરનું ઘર’ મળી રશે તેવું લક્ષ્યાંક વડાપ્રધાન મોદીએ રાખ્યો છે. આ લક્ષ્યાંકને પૂરો કરવા વડાપ્રધાન દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. દેશમાં કોઈ પણ વર્ગનો વ્યક્તિ ભાડાના મકાનમાં ન રહે અને પોતાના   સપનાનું ઘર મેળવી શકે તે હેતુસર અનેકવિધ પગલાંઓ લેવાઈ રહ્યા છે. દેશને સુંદર અને સમૃદ્ધ બનાવવા માટે ઝુપડપટ્ટીને દૂર કરવી જરૂરી છે પરંતુ ઝૂપડપટ્ટી દૂર કરવા માટે પ્રથમ ત્યાં વસવાટ કરનારા લોકોના રહેણાંકની વ્યવસ્થા કરવી જરૂરી છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ઝૂપડપટ્ટી પુનવર્સન કાર્યક્રમ અંતર્ગત કામગીરીઓ શરૂ કરવામાં આવી છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં થોકબંધ ઝૂપડપટ્ટી વિસ્તારો આવેલા છે. રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો ગંજીવાડ, છોટુનગર, રણુજા મંદિર પાસે વેલનાથ સોસાયટી, લાલપરી તળાવનો મફતીયાપરા, ભારતનગર, આઝાદનગર સહિત અનેકવિધ ઝૂપડપટ્ટી વિસ્તારો આવેલા છે. સરકારી ખરાબા સહિત ખાનગી જમીનોમાં પણ ઝૂપડપટ્ટી વિસ્તારો આવેલા છે. સૌરાષ્ટ્રમાં પણ કોઈ એવો તાલુકો કે જિલ્લો બાકી નથી કે જ્યાં આ પ્રકારના વિસ્તારો ન આવેલા હોય. આ તમામ ઝૂપડપટ્ટીઓને દૂર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા અનેકવિધ પ્રયત્નો કરાઈ રહ્યા છે અને રાજ્ય સરકારો દ્વારા પણ જહેમત ઉઠાવાઈ રહી છે. ઝૂપડપટ્ટી વિસ્તારોમાં ગુન્હાખોરી અને ગુન્હેગારોનું પ્રમાણ પણ વધુ હોય છે તે બાબતને પણ ભૂલી શકાય નહીં ત્યારે આ પ્રકારના વિસ્તારોમાં વસવાટ કરતા લોકોના રહેણાંકની વૈકલ્પિક વ્યવસ્થા કરી ઝૂપડપટ્ટી દૂર કરવા અત્યંત જરૂરી છે. આ તમામ બાબતોને ધ્યાને રાખીને ઝૂપડપટ્ટી પુનર્વસન પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી છે પરંતુ હાલ સુધી આ પ્રોગ્રામ હેઠળ રાજ્ય સરકારોએ ખર્ચ કરેલી કુલ રકમ પૈકી અમુક ટકા ટેક્સ સ્વરૂપે ચુકવણી કરવી પડતી હતી પરંતુ મહારાષ્ટ્ર સરકારે આ મામલે કેન્દ્ર પાસે ટેક્સમાંથી રાહત આપવાની માંગણી કરી છે જે મામલે કેન્દ્રે પણ હકરાત્મક અભિગમ દાખવ્યો છે. જેના અનુસંધાને જો વાત કરવામાં આવે તો આગામી દિવસોમાં સમગ્ર દેશભરમાં ઝૂપડપટ્ટી પુનર્વસન પ્રોગ્રામની ઝડપ વધી શકે તેમ છે અને ઝૂપડપટ્ટીઓ ભારતમાં ભૂતકાળ બની જશે.

ખાસ કેન્દ્ર સરકાર જો આ મુદ્દે વિચારણા કરીને કોઈ હકરાત્મક નિર્ણય કરે તો સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પણ ઝૂપડપટ્ટી વિસ્તારો દૂર કરવામાં સરળતા રહેશે. ઝૂપડપટ્ટી પુનર્વસન કાર્યક્રમને વેગ મળશે અને ચોક્કસ દેશ ઝૂપડપટ્ટી મુક્ત બનશે, લોકોને તેમના સપનાનું ઘર મળી શકશે.

ખાસ મહારાષ્ટ્ર સરકાર દ્વારા કરાયેલી માંગણી અંગે જો વાત કરવામાં આવે તો ભારત સરકાર મહારાષ્ટ્રના ઝૂંપડપટ્ટી પુનર્વસન કાર્યક્રમ માટે ટેક્સ છૂટ પર વિચારણા કરી રહી છે અને રાજ્ય સરકારને આ માટે દરખાસ્ત રજૂ કરવા જણાવ્યું છે.

રાજ્ય ગૃહ નિર્માણ અને શહેરી બાબતોના પ્રધાન હરદીપસિંહ પુરીએ તાત્કાલિક ધોરણે મંજૂરી સમિતિ દ્વારા વધુ ચર્ચા માટે આ સંદર્ભે નોટિસ રજૂ કરવા મહારાષ્ટ્રના ગૃહ નિર્માણ વિભાગના પ્રધાન જીતેન્દ્ર અવહાડને કહ્યું છે.

પુરી અને અવહાડ બંને રાષ્ટ્રિય સ્થાવર મિલકત વિકાસ પરિષદ (નારેડકો) ના પશ્ચિમ ઝોનના નવા પ્રમુખ અશોક મોહનાનીના સ્વાગત કાર્યક્રમ તેમજ પૂર્વ પ્રમુખ રાજન બંદેલકરના સન્માન સમારોહ માટે યોજાયેલા વર્ચુઅલ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. જે દરમિયાન આ ચર્ચાએ જોર પકડ્યું હતું. તેઓ મહારાષ્ટ્ર સરકારના મહત્વાકાંક્ષી ઝૂંપડપટ્ટી પુનર્વિકાસ કાર્યક્રમ માટે કેન્દ્ર સરકાર દ્વારા વિસ્તૃત સમર્થન માંગવા અંગેની રજૂઆત કરી રહ્યા હતા ત્યારે હરદીપસિંહ પુરીએ તાત્કાલિક ધોરણે દરખાસ્ત મોકલવા જણાવ્યું હતું. વધુમાં પુરીએ અહાડને આવાસ પ્રોજેક્ટ્સ માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાની દરખાસ્ત મોકલવા પણ જણાવ્યું હતું.મહારાષ્ટ્ર સરકારની જેમ જો સમગ્ર દેશમાં ઝૂપડપટ્ટી પુનર્વસન કાર્યક્રમ પુરજોશમાં ચલાવવામાં આવે અને તેમાં કેન્દ્રનો સહયોગ મળે તો ચોક્કસ ઝૂપડપટ્ટીઓ દુરી કરી સુંદર અને સ્વચ્છ ભારતનું નિર્માણ કરી શકાશે.

Loading...