Abtak Media Google News

દેને કો ટુકડા ભલા, લેને કો હરિનામ

વર્તમાન સ્થિતિને ધ્યાને લઈ પ્રસાદમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે ભોજનાલય પાછળની ૪૦૦ વિઘા

જેટલી વિશાળ જગ્યામાં ડોમની વ્યવસ્થા ગોઠવાઈ: એક સાથે ૧૦૦૦ થી ૧૨૦૦ ભાવિકો પ્રસાદ લઈ શકશે

સરકારની તમામ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરી કાલે પૂ.જલાબાપાની જન્મજયંતિ ભાવભેર ઉજવાશે: શોભાયાત્રા નહી નીકળે

જલારામ બાપા હરિના નામ પહેલા ભૂખ્યાને રોટલાનો ટુકડો આપવાને પ્રાથમિકતા આપતા હતા. ભૂખ્યાને જમાડવાની તેઓની પરંપરા આ પણ વીરપુરમાં હયાત છે. છેલ્લા ૨૦૦ થી વધુ વર્ષથી પૂ. જલાબાપાનાં આશિર્વાદથી સદાવ્રત ચાલી રહ્યું છે. તેવામાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે પૂ. જલારામબાપાના મહાપ્રસાદથી લોકો વંચિત ન રહે તે માટે આવતીકાલે વિશેષ મહાપ્રસાદની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય રહે તે ખૂબ જરૂરી છે. માટે ભોજનાલયની પાછળ આવેલ ૪૦૦ વીઘા જેટલી વિશાળ જગ્યામાં ડોમની વ્યવસ્થા ગોઠવવામા આવી છે. જયા ૧૦૦૦થી ૧૫૦૦ જેટલા ભાવિકો એક સાથે મહાપ્રસાદનો લાભ લઈ શકશે.

આવતીકાલે પૂ. જલારામ બાપાની ૨૨૧મી જન્મ જયંતિ છે. ભાવિકોમાં અનેરો ઉત્સાહ છે. આવતીકાલે વિરપૂર ધામમાં અનેરો માહોલ સર્જાવાનો છે. સેવકગણ છેલ્લા ઘણા દિવસોથી જન્મજયંતિની ઉજવણીની તૈયારીઓ કરી રહ્યા છે.

જલારામ બાપાનું નામ કાને પડતા જ ભકતોને વિરપુરધામ યાદ આવે. જલારામ જયંતિ એટલે ઠેર ઠેર બુંદી ગાંઠિયાનો મહાપ્રસાદ જેણે સમગ્ર જીવન પરોપકાર માટે સમર્પિત કરી દીધું તેવા સંત જલારામ બાપાને શ્રધ્ધાપૂર્વક પ્રાર્થના કરવાથી બધી જ મનોકામના પૂર્ણ થાય છે.

Img 20201120 Wa0017

રામભકત સંત જલારામ બાપાનો જન્મ સાલ ૧૭૯૯માં વિરપુર ગામે થયો હતો. તેમના પિતા પ્રધાન ઠકકર અને માતા રાજબાઈ પણ સાધુ-સંતોની ખુબ ભાવથી સેવા કરતા જલારામબાપામાં સમાજ સેવાના બીજ નાનપણથી જ રોપાયા હતા. જલારામ બાપાના લગ્ન માત્ર સોળ વર્ષની ઉંમરે વીરબાઈ સાથે થયા હતા. ‘બાપા’ વીસ વર્ષના થયા ત્યારે તેમની ખ્યાતિ ચોમેર પ્રસરી ગઈ હતી. જલાબાપાએ અનેક પરચાઓ પણ પૂર્યા છે. તેઓ ગુજરાતનાં ફતેહપુરનાં ભોજાભગતના અનુયાયી બન્યા. ભોજા ભગતે તેમને ‘ગુરૂમંત્ર’ ‘માળા’ અને ‘શ્રીરામ’નું નામ આપ્યું. તેમના આર્શીવાદથી તેમણે સદાવ્રતની શરૂઆત કરી. સદાવ્રત થકી કોઈ સાધુ-સંતો, ભુખ્યા લોકો ખાલી પેટે જતા નહિ આજે પણ આ સદાવ્રત ૨૪ કલાક ચાલુ છે.

Img 20201120 Wa0025

એક સમયે સ્વયં ભગવાન એક વૃધ્ધ સંતનું રૂપ લઈને આવ્યા અને જલારામને તેમની પત્ની સેવાર્થે દાન કરવા કહ્યું ત્યારે જલારામે વીરબાઈમાંને વાત કરી અને સંતની સેવા માટે મોકલી આપ્યાં. અમુક અંતર ચાલતા સંત અદ્રશય થયા આકાશવાણી થઈ કે આ તો માત્ર દંપતિની મહેમાનગતિ ચકાસવાની પરીક્ષા હતી. સંત ગયા અને વીરબાઈ પાસે એક દંડી અને ઝોળી મૂકતા ગયા. અને ઝોળી આજે પણ વીરપુરધામમાં ભકતોનાં દર્શનાર્થે મૂકેલી છે.

Screenshot 5 7

સુરતથી પગપાળા ચાલીને સંઘ વીરપુર પહોંચ્યો

છેલ્લા ૧૨ વર્ષથી દર જલારામ જયંતિએ સંઘ જલાબાપાના દર્શને આવે છે

આવતીકાલે સંત શીરોમણી જલારામ બાપાની ૨૨૧મી જન્મ જયંતી નિમિતે છેલ્લા બાર વર્ષથી સુરતથી વીરપુર પગપાળા આવતો સંઘ  આજે સોળમાં દિવસે વીરપુર આવી પહોંચ્યો હતો. અને કોરોના મહામારી સમગ્ર વિશ્વમાંથી દૂર થાય તેવી પ્રાર્થના કરી હતી.

જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડોને જીવનમંત્ર બનાવનાર  પૂજય જલારામ બાપાની કાલે ૨૨૧મી જન્મ જયંતી છે. ગયા વર્ષે બાપાના અન્નક્ષેત્રને બસો વર્ષ થતાં અન્નક્ષેત્ર દ્વિશતાબ્દી મહોત્સવ રંગેચંગે ઉજવાયો હતો. ચાલુ વર્ષે કોરોના મહામારી હોય પૂજ્ય બાપની જન્મ જયંતી સાદાઈથી ઉજવવામાં આવશે. દર વર્ષે બાપની જન્મ જયંતી નિમિત્તે બાપામાં અતૂટ શ્રદ્ધા ધરાવતા ભાવિકો દેશ વિદેશથી વાહનો મારફત તેમજ પગપાળા વીરપુર આવી પહોંચતા હોય છે. જેમાં છેલ્લા ૧૨ વર્ષથી સુરતના ગભેણી ગામેથી પગપાળા આવતો સંઘ આજે આવી પહોંચ્યો હતો. આ સંઘના બીપીનભાઈ મોદીએ જણાવેલ કે તેઓ ૧૦૦ મહિલા પુરુષોનો સંઘ લઈને દિવાળી પહેલા સાત તારીખે નીકળ્યા હતા. નીકળતા પૂર્વે તમામ સભ્યોનો કોરોના ટેસ્ટ કરાવેલ અને સેનેટાઇઝર, માસ્ક સાથે લઈને તેમજ સોશ્યલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરતા નીકળ્યા છીએ. બાપામાં અતૂટ શ્રદ્ધા પણ કોરોનાથી પણ સાવચેતી રાખીને દિવાળીની પણ રસ્તામાં ઉજવણી કરીને આજે સોળ દિવસે વીરપુર આવી પહોંચી ગયા હતા. અને ગામના પ્રવેશદ્વારે જ આ સંઘ દ્વારા પુજા અર્ચના કરી બાપાના ભજન કરતા કરતા બાપાની સમાધિ સ્થળે તેમજ મંદિરે પહોંચી દર્શન કરી નવું વર્ષ કોરોના મુક્ત બને અને સમગ્ર વિશ્વનું આરોગ્ય સારું રહે તેવી પ્રાર્થના કરી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.