સીસીઆઈ કપાસની ખરીદી તાત્કાલિક ચાલુ કરે: કિસાન સંઘ

રાજયમાં રૂનું ઉત્પાદન ૮૬.૨૬ લાખ ગાંસડી જયારે ખરીદી માત્ર ૧૧ લાખ ગાંસડીની થતા ખેડૂતોને અન્યાય: ખેડુતોને સંપૂર્ણ સુવિધા મળે તેવી માંગ સાથે ભારતીય કિસાન સંઘની ઉચ્ચકક્ષાએ રજૂઆત

હાલમાં કોરોનાના સમયમાં ખેડુતોની કપરી પરિસ્થિતિ હોય, જણસના પણ પુરા ભાવ મળતા નથી તેમજ ટેકાના ભાવે ખરીદી પણ થતી નથી. ભારતીય કિસાન સંઘ દ્વારા વારંવાર રજુઆત છતાં ચણાની ખરીદીમાં ૨૫૦૦ કિલોમાંથી માત્ર ૫૪૦ કિલો ખરીદીનો નિર્ણય લઈ બાકી રહેલા ખેડુતો સાથે ભારે અન્યાય થાય છે તો તાત્કાલિક સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી ચાલુ કરાય તેવી ભારતીય કિસાન સંઘે માંગ કરી છે અને ઉચ્ચકક્ષાએ સાંસદ મોહનભાઈ કુંડારીયા અને ધારાસભ્યોને રજુઆત પણ કરી છે. આ મુદ્દે રાજકોટ જીલ્લાના ભારતીય કિસાન સંઘે અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી.

ભુપત કાકડિયાએ જણાવ્યું હતું કે, હાલ સીસીઆઈ દ્વારા કપાસની ખરીદીની અંદર ૫૦ ટકાથી વધારે ખેડુતોની ખરીદી બાકી હોવા છતાં સરકાર તેમજ સીસીઆઈને વારંવાર રજુઆત કરવા છતાં સીસીઆઈ દ્વારા નવા નવા બહાના બતાવીને કપાસની ખરીદી ન કરવાના નાટકો ચાલુ કરેલ છે તો લોકોનાં પ્રશ્ર્નોનું સરકાર અને સીસીઆઈમાં રજુઆત કરીને તાત્કાલિકના ધોરણે ખરીદી ચાલુ કરાવી અને ખેડુતોને મદદરૂપ થાવ એવી અમારી માંગણી છે. ખેડુતની દરેક જણસીની ટેકાના ભાવની ખરીદીમાં કોઈને કોઈ રીતે બહાના કરીને દરેક ખરીદીમાં અન્યાય કરવામાં આવે છે. કપાસની ખરીદીના અન્યાયના પુરાવા નીચે મુજબ છે. કપાસના ખેડુતોને થઈ રહેલા અન્યાયના પુરાવામાં તેઓએ જણાવ્યું હતું કે, દેશમાં સૌથી વધુ કપાસ-રૂનું ઉત્પાદન ગુજરાતમાં હોવા છતાં મહારાષ્ટ્રથી ત્રીજા ભાગની ખરીદી કરી. મહારાષ્ટ્રમાં રૂનું ઉત્પાદન ૭૫.૫૦ લાખ ગાંસડી અને સરકારી ખરીદી ૩૩.૫૦ લાખ ગાંસડી વધુ થઈ છતાં હજુ ખરીદી ચાલુ છે.

ખેતપેદાશોની ટેકાના ભાવની ખરીદીના ૨૫ ટકાના નિયમ અનુસાર ગુજરાતમાં સીસીઆઈએ ૨૧.૫૬ લાખ ગાંસડીની ખરીદી કરવી જોઈએ તેની બદલે ૧૧ લાખ ગાંસડી ખરીદ કર્યા બાદ એકાએક ખરીદી બંધ કરવાનો નિર્ણય લીધો. મહારાષ્ટ્રમાં સીસીઆઈએ ઔરંગાબાદ હાઈકોર્ટને તા.૩૦મી સપ્ટેમ્બર સુધી કપાસની ખરીદી કરવાની ખાતરી આપી. ગુજરાતના ૧૯ માર્કેટયાર્ડના ડેટા પ્રમાણે કુલ ૫૬ હજાર મણ કપાસની આવક થાય છે. સરકારે નકકી કરેલા ટેકાના ભાવ મણના રૂા.૧૧૧૦ સામે કપાસ ખુલ્લા બજારમાં રૂા.૬૪૦ થી ૯૮૦ વચ્ચે વેચાયો આજે પણ વેચાઈ રહ્યો છે. કપાસના ખેડુતોને ટેકાના ભાવ કરતા રૂા.૧૫૦ થી ૩૦૦ નીચા ભાવે કપાસ વેચવાની ફરજ પડી રહી છે. તેલંગણા સરકારે ૫૧ લાખ ગાંસડીના રૂના ઉત્પાદન સામે સીસીઆઈ મારફત ૪૦ લાખ ગાંસડી કપાસની ખરીદી ટેકાના ભાવે કરાવી. ખેતીપ્રધાન દેશમાં ખેડુતોને સંપૂર્ણ સુવિધા મળે, આવા સમયે આ કોરોના મહામારીમાં ખેડુતને કારણ વગર કચેરીમાં ધકકા ન થાય એટલા માટે સરકારે ખેડુતોના પ્રશ્ર્નોનું તાત્કાલિક નિવારણ લાવે તે અમારી મુખ્ય રજુઆત છે. તે અમારી ભારતીય કિસાન સંઘ તેમજ જીલ્લા અને તાલુકાના કાર્યકર્તા તથા તમામ ખેડુતોની માંગણી છે.

ભારતીય કિસાન સંઘ રાજકોટ જીલ્લા પ્રમુખ દિલીપભાઈ સખીયા, રમેશભાઈ ચોવટીયા, લલીતભાઈ ગોંડલીયા, ભરતભાઈ પીપળીયા, રમેશભાઈ હાપલીયા, મહિપાલસિંહ જાડેજા, ધર્મેશભાઈ સોરઠીયા, બચુભાઈ ધામી, માધુભાઈ પાંભર, શૈલેષભાઈ સીદપરા, અશોકભાઈ મોલીયા, ભુપતભાઈ કાકડીયા, ભાવેશભાઈ રૈયાણી, કિશોરભાઈ લકકડ, વિનુભાઈ દેસાઈ, લલીતભાઈ પટોડિયા, કાળુભાઈ, રમેશભાઈ લકકી, મુકેશભાઈ રાજપરા, ઝાલાભાઈ ઝાપડિયા, વિપુલભાઈ સુદાણી, જમનભાઈ પાગડા તેમજ જીલ્લા અને તાલુકાના કાર્યકર્તા તથા તમામ ખેડુતોની માંગણી છે.

Loading...