સીબીએસઇએ ધો. ૯ થી ૧૨ના અભ્યાસક્રમમાં ૩૦ ટકાનો ઘટાડો કર્યો

ભાર વગરનું ભણતર કે ભણતર વગરનો ભાર

સિલેબસમાં કરાયેલો કાપ માત્ર શૈક્ષણિક સત્ર ૨૦૨૦-૨૧ પુરતો જ મર્યાદિત રહેશે

આજે વૈશ્વિક મહામારી કોરોનાને કારણે વિદ્યાર્થીઓને ભણવામાં મુશ્કેલી પડી રહી છે ત્યારે સીબીએસઈ ધો.૯થી ધો.૧૨નાં સિલેબસમાં ૩૦ ટકાનો ઘટાડો કરીને વિદ્યાર્થીઓનો ભણતરનો ભાર ઓછો કર્યો છે. મંગળવારે એચઆરડી મીનીસ્ટર રમેશ પોખરીયાલ નિશંકએ ટવીટ કરીને જણાવ્યું હતું કે, દેશ અને દુનિયાની અસામાન્ય પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને, સીબીએસઈને ધો.૯ થી ૧૨નાં ભણતરનો સિલેબસ ઓછો કરવાની ભલામણ કરાઈ હતી. નિશંકેએ ટવીટ કરીને વધુમાં જણાવ્યું હતું કે, આ નિર્ણય લેવા માટે તેમણે થોડા દિવસો પહેલા શિક્ષણવિદો પાસેથી સલાહ માંગી હતી જેનો ૧૫૦૦થી વધારે સુચનો આવ્યા હતા.

વધુમાં ટવીટ કરીને નિશંકે જણાવ્યું કે, આ સમયમાં શિક્ષણનાં મહત્વને સમજતા સીબીએસઈનાં સિલેબસ ૩૦ ટકા ઘટાડવાનો નિર્ણય લેવાયો છે. તેમણે કહ્યું કે, સિલેબસમાં જે સુધારો કરવામાં આવ્યો છે તેને કોર્સ કમિટીએ કરીકયુલમ કમિટી અને બોર્ડની ગર્વનીંગ બોડીની પરવાનગી બાદ મંજુર કરાયો છે. ઉપરોકત વિગતને ધ્યાનમાં લઈને તમામ સ્કુલનાં હેડ અને શિક્ષકોને સુચના અપાઈ છે જે સિલેબસનો જે ભાગ દુર કરવામાં આવ્યો છે તે જો જરૂર પડે તો બાળકોને સમજાવવામાં આવે. જોકે સિલેબસમાં તે ભાગમાંથી પરીક્ષામાં કંઈ પણ સમાવિષ્ટ કરવામાં નહીં આવે.

આ પહેલા જ એનસીઈઆરટીએ ધોરણ ૧ થી ૮ની શૈક્ષણિક પ્રવૃતિઓ માટે કેલેન્ડર બહાર પાડયું છે. ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને દેશભરમાં લાગુ કરાયેલા લોકડાઉનનાં કારણે ૧૬ માર્ચથી તમામ શાળા અને કોલેજો બંધ છે.

Loading...