Abtak Media Google News

૨૭મીએ વેપાર ધંધા બંધ રાખી વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી

કેશોદ નગરપાલિકા વિસ્તારના જુના ગામતળમાં આવેલ મેઈન બજાર, જવાહર ચોકમાં જવાબદાર તંત્ર દ્વારા સી.સી.રોડ લાંબા સમયથી બનાવવામાં ન આવતા વેપારીઓ અને રહીશોમાં રોષ ફેલાયો છે. કેશોદ નગરપાલિકા વિસ્તારમાં ભુગર્ભ ગટર યોજનાનું કામ કરતા તુટી ગયેલા રોડના કામો હાથ ધરવામાં આવ્યા હતા અને લગભગ વિસ્તારમાં પૂર્ણ પણ થયેલા છે. કેશોદ શહેર જુના ગામતળ વિસ્તારમાં આવેલ મેઈન બજાર જવાહર ચોકના ભુગર્ભ ગટરના કામથી તુટેલા રોડ બનાવવા આ વિસ્તારના રહીશો-વેપારીઓ દ્વારા વારંવાર રૂબરૂ માં લેખિતમાં અને મૌખિક સતાધીશોને રજુઆત કરવા છતાં ત્રણેક વર્ષ વિતેલા હોય પ્રજાના પ્રતિનિધિના પેટનું પાણી હલતું નથી. આ મેઈન બજારમાં આજે પણ ગ્રામ્ય વિસ્તારના લોકો હટાણુ કરવા માટે આવે છે. તેમજ જુના ગામતળ વિસ્તારમાં આવેલા દેવસ્થાન પર નિયમિત ભાવિકો ભકતો આવજા કરે છે અને ઉપરવાસમાં આવેલ લીમડા ચોક, મોવાણા ઝાપા તરફના રહીશો કાયમી પસાર થાય છે. કેશોદ નગરપાલિકાના સતાધીશો દ્વારા મેઈન બજાર જવાહર ચોક વિસ્તારના રહીશો વેપારીઓ સાથે ઓરમાયુ વર્તન દાખવતા અંતે નાછુટકે આગામી તા.૨૭મી ડિસેમ્બરના રોજ વેપાર ધંધા રોજગાર બંધ રાખી વિરોધ પ્રદર્શન કરવાનું નકકી કર્યું છે. આમ છતાં તંત્રની આળસ દુર નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.