Abtak Media Google News

કોરોનની સારવાર બાદ ૩૦ દિવસ સુધી કેટલીક શારીરિક તેમજ માનસિક નબળાઈ થતી હોવાની ઘટના સામાન્ય છે. જેને અનુલક્ષીને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા પોસ્ટ કોવીડ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. કોરોનાથી સાજા થયા બાદ પણ  નબળાઈ, શ્વાસ લેવામાં તકલીફ, સામાન્ય તાવ, કફ કે શરદી અને માનસિક ભય જેવી પોસ્ટ કોવીડ સમસ્યાઓથી ડર્યા વગર તેનો સામનો સ્વસ્થતાપુર્વક કરવો જોઈએ.

શારિરીક નબળાઈ લાગે તો…

સામાન્ય રીતે કોરોના સારવાર બાદ નબળાઈની ફરિયાદ દર્દીઓને થતી હોય છે. જેના માટે રોગપ્રતિકારક શક્તિ વધે તેવો ખોરાક લેવો. યોગ્ય આહારનું આયોજન કરવું. હળવી કસરત કરવી. કામ હળવે હળવે વધારવું. જરૂર મુજબ લીંબુ પાણી પીવું જોઈએ. કાર્બોહાઈડ્રેટ માટે ખોરાકમાં ફાઈબરયુક્ત રાગી, ઓટ્સ, ચોખા પ્રોટીન માટે કઠોળ, કાજુ, બદામ, અખરોટ જેવા ડ્રાયફ્રૂટ્સ અને દૂધ લેવુ, દિવસમાં પાંચ વાર જમવું, ખાસ કરીને મોસંબી, સફરજન, કેળા જેવા ફળોનો પ્રચુર માત્રામાં ઉપયોગ કરવો. મૂડ સારો રહે તે માટે ડાર્ક ચોકલેટ ખાવી. ફેફસા અને હ્ર્દયને લગતી હળવી કસરત નિયમિત કરવી. સીડી ચડ-ઉતર કરવી. દંડ, ડિપ્સ અને પુશ અપ્સની કસરત કરવી, સવારે અથવા સાંજે ચાલવું.

કફ અને શરદી થાય તો…

કફ અને ગળામાં ચીકાશ આવે તે પરિસ્થિતિમાં ખુબ હુંફાળું પાણી તુલસી, મધ અને લીંબુ નાખી પીવું. ગળ્યા પીણાં, કોફી, આલ્કોહોલનું સેવન ન કરવું. મોઢામાં આવતી લાળ ગળી જવી. દિવસમાં બે થી ત્રણ વખત નાસ લેવો. પડખાભેર સુવાનું રાખવું. આદુ, તુલસી, મરી નાખી ઉકાળાનું સેવન કરવું.

ફેફસા અને શ્વાસની તકલીફ થાય તો…

શ્વાસ લેવામાં તકલીફ થાય અથવા છાતીમાં ગભરામણ થાય ત્યારે શ્વાસોચ્છવાસની એક્સરસાઈઝ કરવી. સાયકલ મુજબ ઊંડા શ્વાસ લેવા, ખુરસીમાં બેસી જવું, ખભા નીચે તરફ ખેંચી લાંબા શ્વાસ લેવા.એક હાથ છાતી પર અને એક હાથ પેટ પર રાખી નાક વાટે શ્વાસ લેતા પેટ ફુલાવવું. ટૂંકમાં વિવિધ પ્રાણાયમ કરવા.

આ ઉપરાંત જમણી બાજુ સુઈ જઈ બે થી ત્રણ ઓશીકા કમર નીચે અને બે થી ત્રણ ઓસીકા માથા નીચે રાખી આરામ કરવો. જો વધુ પડતી તકલીફ હોય તો ડોક્ટરનો સંપર્ક કરવો. જે લોકો બિડી, સિગરેટ પિતા હોય તેમણે વ્યસનથી ખાસ દૂર રહેવુ.

બેચેની ભય કે માનસિક તણાવ થાય તો…

માનસિક ભય અને તણાવ દૂર કરવા કોરોના સંબંધી સમાચારો વાંચવા જોવાથી દૂર રહેવું. નિયમિત ધ્યાન અને યોગ કરવા. પરિવાર અને મિત્રો સાથે હળવી ક્ષણો માણવી. પઝલ અને અન્ય બ્રેઇન ગેઇમ રમવી. ખુશ રહેવા વિવિધ મનગમતી પ્રવૃત્તિ કરવી.

અન્ય તકેદારી

ઘરે જ શરીરનું તાપમાન, ઓક્સિજન, બ્લડ પ્રેશર વગેરે માપતા રહેવું. આમ છતાં શ્વાસ લેવામાં વધારે તકલીફ થાય, આંખો લાલ થઈ જાય, હોઠ કાળા પડી જાય, હાથ પગ ધ્રૂજે, મોઢામાંથી લાળ પડવા માંડે તો તુરંત ડોક્ટરનો સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.