Abtak Media Google News

‘અમારે ઘર હતા, વહાલા હતા, ભાંડુ હતા, પિતાની લીલી છાંય હતી, માતાની ગોદ હતી, બધી માયા-મહોબ્બતને પીસતાં વર્ષો વીતેલા,.. કલેજાં ફૂલનાં અંગારસમ કરવાં પડેલાં… સમય નહોતો પ્રિયાને ગોદ લેં આલિંગવાનોને સમય ન્હોતો શિશુના ગાલ પર પંપાળવાનો…!

રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીએ કાવ્ય દ્વારા આ શબ્દોમાં તેમની વેદના વ્યકત કરી હતી….

દેશની પરાધીનતા વખતે પ્રજાને નિહાળીને તેમણે એવો સવાલ ઉઠાવ્યો હતો કે, જેમણે આ બધું વેઠયું એવા વતનપરસ્ત નરબંકાઓનાં બાળકોનાં બાળપણ અત્યારે આટલી હદે કંગાળ શું કામ? આટલી હદે હાડયહાડય શું કામ?

રાષ્ટ્રની આઝાદી શું આવી હોય? આપણી ઉગતી પેઢીની અવદશા શું આટલી હદે બિહામણી હોય ?…

રાજકોટના ઉચ્ચ કક્ષાના પ્રાધ્યાપક -કવિશ્રી ઉપેન્દ્ર પંડયાએ તેમના હૃદયની વ્યથા વ્યકત કરતા લખ્યું છે કે, ‘અમે ઝંખી હતી કેવી,

ગુલાબી ખ્વાબી આઝાદી,

અને ડંખી રહી કેવી-

અમોને બરબાદી ?

અહીં એવો સવાલ, (જેને આપણે બધા એક અવાજે અતિ ગંભીર કહી શકીએ) ઉઠે છે કે, દેશ-વિદેશની ભૂમિ ઉપર, દેશ વિદેશના ટોચના રાજપુરૂષોઓ ગણ્યા ગણાય નહિ તેટલા કરારો, સમજૂતીઓ, સંધિઓ એમઓયુઓના ઢગલા કર્યા છે, વચનોના ડુંગર ખડકયા છે અને બાંહેધરીઓની કોઈ સીમા રહેવા દીધી નથી, એ કોના માટે ?

આપણા સમાજમાં બોલ્યું ન પાળે એવા લોકોને ‘ખૂટલ’ કહેવામા આવે છે એ ભૂલવા જેવું નથી!

આ શિરસ્તો હજૂ ચાલુ બમણી ગતિએ ચાલુ છે અને તે આંતરિક ‘બળવા’ને નોતરે છે !

મોંઘેરા માનવજીવનમાં સૌથી વધુ મૂલ્યવાન ‘બાળપણ’ કે ‘બચપણ’ છે. અત્યારના સામાજિક ઢાંચામાં ‘બાળપણ’નો ઘણે અંશે લોપ થઈ ગયો છે. અતિ વ્યસ્તતા, અતિ મોંઘવારી, ભણતરમાં બેસુમાર ખર્ચ અને માતાપિતાની ગરીબાઈ બાળકોનાં બાળપણને ખૂંચવી લેવામાં કારણભૂત બની રહ્યાં છે.

માતાનો ખોળો છોડતાં વેંત અત્યારનાં બાળકો ઉપર દર્શાવેલ કારણોનો ભોગ બની જાય છે. માતાપિતાની સાંયોગિક લાચારી, સામાજિક માળખામાં બદલાવ, આવતીકાલના નાગરિકો તરીકે બાળકોને ઉમદા શિક્ષણ આપવાની સામાજિક જવાબદારીનું અવમૂલ્યન, સત્તાધીશોની કમજોરી અને મતિભ્રષ્ટતા, ધનને જ પરમેશ્વર ગણવાના માનસિકતા, દેશદાઝનો સમૂળગો લોપ અને સાંસ્કૃતિક, ધાર્મિક મૂલ્યોનો હાસ, એ બધું ભણતરની પધ્ધતિને અને કેળવણીની તેજસ્વિતાને હણતું રહ્યું છે. ખુદ માતાપિતા તેમના સંતાનોનાં બાળપણને અવરોધતા હોવાનું દ્રષ્ટીગોચર થઈ રહ્યું છે. એમને ઘરમાં રમવા-કૂદવાની સુવિધા અપાતી નથી. ઘરની બહાર જવા દેવાતાં નથી, ક્રિડાંગણોમાં પણ નહિ… વ્યાયામ શાળાઓનો અભાવ !

જર્મન કવિ ગેટે તો એટલે સુધી દર્શાવ્યું છે કે, શિશુઓ અને બાળકોની સર્વપ્રથમ શિક્ષણ માતા છે. માતા દ્વારા સાંપડતું બાળપણનું દૈવત પણ સતત પ્રવૃત્તિમય રહેતી માતાઓ દ્વારા મળી શકતું નથી.

ગેટે કહે છે કે બધાંજ બાળકોનો જો એમનામાં રહેલ શકયતાઓ પ્રમાણે વિકાસ થાય, તો આ જગત વિભૂતિઓથી ભરાઈ જાય. બીજમાં જેમ વૃક્ષ છૂપાયેલું છે, એમ દરેક બાળકમાં તેના મહાન ભાવિની શકયતાઓ છૂપાયેલી જ હોય છે. શિક્ષિત વ્યકિત જ સારો ખેડૂત બની શકે અને શિક્ષીત વ્યકિત જ દેશનો સારો તથા સાચો સૈનિક બની શકે, એ ભૂલવા જેવું નથી.

બાળપણ નિરર્થક ગુમાવી દેનારને એ લાખ-કરોડ રૂપિયા આપવાથી પાછુ મળતું નથી અને બાળપણમાં મળતું જ્ઞાન જ એનાં વિચારોનું વાવેતર કરે છે.

આતંકી અને સજજન માણસ વચ્ચેના ભેદની સમજણનાં બીજ બાળપણમાં દાદા-દાદી ખોળામાં અનેમાંની ગોદમાં રમતાં રમતા તથા તોફાનમસ્તી અને ધમપછાડા કરતી વખતે વવાય છે.

હાલની સ્કૂલો પણ જૂની પરંપરાઓને નેવે મૂકે છે. અને અસલીઅતને ઠોકરે મારે છે. મોટા થઈને જીવન યાત્રામાં કામ લાગે એ હેતુ પણ ભણતરનો હોવો જોઈએ. અભિમન્યુ અને શિવાજીનાં ઉદાહરણો લક્ષમાં લેવા જેવા છે… સ્કૂલ હવે વિશાળ મેદાન વગરની થતી રહી છે. એને લીધે પણ ‘બાળપણ’ના સુખ-સુવિધા ઉપર કાપ આવે છે !

આપણા સમાજ શાસ્ત્રીઓએ, શિક્ષણ શાસ્ત્રીઓએ, ચિંતકોએ અને ખુદ માતા પિતાઓએ અત્યારની સામાજીક રાજકીય, ધાર્મિક અને સાંસ્કૃતિક કમજોરીઓને કારણે નિરર્થક વિલાતાં જતા માનવીનાં બાળપણ એમને પાછાં મળે એ માટે વિલંબ વિના પગલાં લેવા ઘટે, અને જો એવાં પગલાં જ લેવાય તો એને માટેનું આંદોલન કરવું જોઈએ… રાજકારણીઓ અને સરકારને ફરજ પડે એ માટે સમગ્ર શિક્ષણ જગતે અને મા બાપ તેમજ વાલીઓએ ખૂદ વિદ્યાર્થી આલમનો સાથ લઈને પણ માનવજીવનના આ અતિ મહત્વના અંગને સજીવન કરવાનો ધર્મ બજાવવો જોઈએ. જો એમ નહિ થાય તો આખો સમાજ દુરાચારી બને અને સરવાળે આતંકવાદી પણ બનવા પ્રેરાશે?

અત્રે એવી ટકોર પણ થઈ શકે છે કે, દેશની ઋતુ અને ભોળી ઉગતી પેઢી ખંજરની ભાષા બોલવા લાગી, તોય શું આપણે ચેતવું નથી?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.