ચીનનું અધુરૂ સ્વપ્ન ભારત પૂર્ણ કરી શકશે?

‘વોકલ ફોર લોકલ’ને લઇ ભારત સ્વનિર્ભર બનશે?

આફતને અવસરમાં ફેરવવામાં લોકોની માનસિકતા મોટો ભાગ ભજવશે

મહામારીએ વૈશ્વિક કક્ષાએ આર્થિક નીતિઓ બદલવાની ફરજ પાડી છે. દસકાઓથી ઈકોનોમી પાવર બનવા બેબાકળા બનેલા ચીનનું સ્વપ્ન મહામારીના કારણે રોળાઈ શકે છે. આવા સમયે ચીનનું અધુરૂ સ્વપ્ન પૂરું કરવા ભારત સક્ષમ છે. જેથી વડાપ્રધાન મોદીએ પણ ‘વોકલ ફોર લોકલ’ થકી ભારતને સ્વનિર્ભર બનાવવાની ઝુંબેશનું આહવાન કર્યું હતું. દેશમાં સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા, વૈશ્વિક ફલક પર તેમનું બ્રાન્ડીંગ કરવું, લોકો પણ જેમ બને તેમ સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરે તે જોવું સહિતની તૈયારીઓ સરકાર દ્વારા થવા જઈ રહી છે. દેશમાં બ્યુરોક્રેસીના કારણે વિકાસનું સ્વપ્ન ધુંધળુ ન બને તે પણ સરકાર સુનિશ્ચિત કરશે.

મહામારીની અસર વિશ્વ ઉપર લાંબા સમય સુધી રહેશે. ભારતમાં સરકારે મહામારીથી બચવા માટે લીધેલા પગલા વિશ્વના દેશો વખાણી રહ્યાં છે. આરોગ્ય સુવિધાઓમાં દાખવવામાં આવેલી સરકારની આગમચેતીથી દેશ હજુ સુધી કોરોનાના ભરડામાં આવ્યો નથી. આ ઉપરાંત વાયરસની વેકસીન બનાવવામાં પણ ભારતના સંશોધકો અગત્યની ભૂમિકા ભજવી રહ્યાં છે. પુનામાં આવેલા સીરમ ઈન્સ્ટિટયુટ ઓફ ઈન્ડિયા અને ઓકસ્ફોર્ડ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ સાથે મળી રસી તૈયાર કરવામાં આવશે અને તેને સફળતા મળશે તો ચાલુ વર્ષના અંત સુધીમાં લાખો ડોઝનું ઉત્પાદન થશે. જેમ આરોગ્ય ક્ષેત્રમાં ભારતે અગત્યની ભૂમિકા ભજવી છે તેમ આર્થિક સેકટરમાં પણ ભારતના નિર્ણયો અભૂતપૂર્વ રહ્યાં છે. હાલ અનેક આંતરરાષ્ટ્રીય કંપનીઓ એવી છે જે ચીનમાંથી પોતાના એકમો અન્ય સ્થળે ખસેડવા માંગે છે. મહામારીએ ચીન તરફ વિશ્ર્વની દ્રષ્ટિ બદલી છે. હવે ચીનના સ્થાને ભારતમાં આંતરરાષ્ટ્રીય કંપનીઓ પોતાના ઔદ્યોગીક એકમો સ્થાપે તે માટે સરકારે લાલ જાઝમ બિછાવી છે. ભારતમાં લઘુતમ મજૂર વળતર, કોર્પોરેટ ટેકસમાં ઘટાડો અને બ્યુરોક્રેસી ઉપર અંકુશ સહિતના પગલા તાજેતરમાં જ સરકારે લીધા હતા. સપ્લાય ચેન બરકરાર રહે તે માટે તૈયારી પણ સરકારે કરી છે. ઉત્પાદન હબ બનવામાં ભારતનો સીધો મુકાબલો ચીન સાથે છે. વડાપ્રધાન મોદીએ જાહેર કરેલા ‘વોકલ ફોર લોકલ’ને પ્રાધાન્ય આપવાથી ચીનનું અધુરુ સ્વપ્ન ભારત પૂરું કરશે તેવી અપેક્ષાઓ સેવવામાં આવે છે.

ભારત યુવા દેશ છે, વિશ્વની સરખામણીએ ભારતમાં સૌથી વધુ યુવાન જનસંખ્યા છે. ભારતમાં ચીનની સરખામણીએ વધુ ક્રિએટીવીટી છે. અલબત નિયમો તોડવાની બેવકુફીના કારણે ભારત અત્યાર સુધીમાં જે હાસલ થવું જોઈએ તે કરી શક્યો નથી. લોકોની માનસીકતાના પરિણામે ઘણું ગુમાવ્યું છે. અલબત હવેના દિવસ પછીના દિવસમાં એટલે કે, કોરોના મહામારી બાદ ભારતને વિશ્વગુરુ બનવાની ઉજળી તક સાપડી છે. કોરોનાએ ભારતને ઘણુ શિખવ્યું છે. વર્તમાન સમયે રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે જોવા મળેલુ સંકલન કાબીલેદાદ છે. થોડા વર્ષો પહેલા વડાપ્રધાન મોદીએ ચાલુ કરેલા સ્વચ્છતા અભિયાનના કારણે દેશમાં કોરોનાના કેસ ઝડપી વધ્યા ન હોવાનું પણ કહી શકાય. આ ઉપરાંત અન્ય દેશોની સરખામણીએ ભારતમાં પશુ આધારીત ઉત્પાદનોનુ ચલણ ઓછુ છે. અત્યાર સુધીમાં એચઆઈવી, સાર્સ, મેર્સ, ઈબોલા, સ્વાઈન ફલુ, નિપાહ અને હવે કોવિડ-૧૯ સહિતની વાયરસો પ્રાણીમાંથી ઉત્પાદિત થયા છે.

વડાપ્રધાન મોદીએ પ્રજાજો સંબોધનમાં લોકોને ‘વોકલ ફોર લોકલ’ બનવાનું આહવાન કર્યું હતું. સ્થાનિક ક્ષેત્રે ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે એટલે ભારત આપો આપ અન્ય હરીફ દેશોથી આગળ પહોંચી જશે. જો કે, આફતને અવસરમાં ફેલવવા માટે લોકોની માનસીકતા પણ અગત્યનો ભાગ ભજવશે. ચીનનું અધુરુ સ્વપ્ન પૂરું કરવા માટે ભારતને નીતિમાં ખુબ મોટા સુધારા કરવા પડ્યા છે. આગામી સમયમાં બ્યુરોક્રેશી પણ ઉદ્યોગ ફ્રેન્ડલી રહે તેવી તૈયારી થશે.

લોકોના અજ્ઞાત ભયના કારણે વાહનોનું વેંચાણ વધશે

મહામારી લોકોની માનસીકતા પર ઘેરી અસર પહોંચાડશે. આગામી સમયમાં લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટના સ્થાને પોતાના વાહનોમાં પ્રવાસ કરવાને પ્રાધાન્ય આપશે. કોરોનાના કારણે મનમા ઉભા થયેલા અજ્ઞાત ભયના પરિણામે આઈસોલેટ થવાનું ચલણ લોકોને વાહનો લેવા પ્રેરશે. જેથી મારૂતી સુઝુકી, હોન્ડા, ટોયોટા અને ટાટા મોટર્સ જેવી કંપનીઓ વ્યક્તિગત વાહનોના વેંચાણમાં વધારો થાય તેવી આશા રાખી રહ્યું છે.

Loading...