ભારતને ગ્લોબલ ફેક્ટરી બનાવવાનું શમણુ સાકાર કરવાનું અભિયાન    

What is group..? લાઇક માઇન્ડેડ માણસો જ્યારે ભેગા થઇને સમયાંતરે મળવાનું શરૂ કરે અને જે જુથ બને તે ગ્રુપ..! પછી તે વોટ્સ એપ હોય, ફેમિલીનું હોય, કોલેજનું હોય કે પછી તે વૈશ્વિક સ્તર ઉપર અમુક દેશોની સરકારોનું પણ હોઇ શકે છે. હાલમાં ભારત, અમેરિકા, જાપાન તથા ઓસ્ટ્રેલિયા એમ ચાર દેશોનું એક ગ્રુપ છે, જે ચીનની વધતી શઠ નીતિ ઉપર લગામ મુકવા અને તેને કદ પ્રમાણે વેતરી નાખવા માટે શું કરી શકાય એના માટેની વ્યુહરચના બનાવતા હોય છે. અહીં લાઇક માઇન્ડેડ શું છે તે આપણે જાણીએ છીએ.

આમ તો ચારેય દેશો આપસી સંબંધો વિકસાવવા માટે એક દાયકાથી એકબીજાના સંપર્કમાં હતા. પરંતુ ગ્રુપ એક્ટિવ નહોતું એવું કહી શકાય.  ૨૦૧૭ નાં નવેમ્બરમાં જ્યારે ચીનની વ્યવસાયિક આડોડાઇ વધવા માંડી ત્યારે ફરી ચારેય દેશો સક્રિય થયા હતા. કારણ કે ચીન દરેક દેશો સાથેના દ્વિપક્ષીય સંબંધોમાં નિકાસ વધારે રાખે અને આયાત કરવાની આવે ત્યારે ખંધી ચાલ રમે. આવા જ કોઇક કારણોસર આગળ જતા અમેરિકાની ચીન સાથે ટ્રેડ વોર શરૂ થઇ. હવે જ્યારે કોવિડ-૧૯ ની મહામારીએ વૈશ્વિક મંચ ઉપર ચીનના કપાળે કાલી ટિલી લગાવી છે અને આટલું થવા છતાં ચીનની અવળચંડાઇમાં ફેરફાર નથી થયો ત્યારે ફરી આ દેશો ચીનને ભેખડે ભરાવવાની સ્ટ્રેટેજી બનાવી રહ્યા છૈ. જે જરૂરી પણ છે. આ સ્ટ્રેટેજીનો એક મુદ્દો છે કે ચીનમાં સ્થપાયેલી વિશ્વભરની ફેક્ટરીઓને અન્ય દેશમાં કઇ રીતે ખસેડી શકાય? અને કયાં ખસેડી શકાય? આ માટે ભારતની આર્થિક તથા ભૌગાલિક પરિસ્થિતી સૌથી સાનુકુળ હોવાનું ફલિત થાય છે.

૨૦૧૮ નાં આંકડા જોઇઐ તો આ ચારેય દેશો એકબીજા કરતાં ચીન ઉપર સૌથી વધારે નિર્ભર છે. એમાં પણ ભારત ૨૫.૮ ટકા સાથે સૌથી મોખરે છે. જાપાન ૨૧ ટકા સાથે બીજા નંબરે, અમેરિકા ૧૫ ટકા સાથે ત્રીજા નંબરે તથા ઓસ્ટ્રેલિયા ૧૪.૭ ટકા સાથે ચોથા નંબરે છૈ. સામાપક્ષે ભારતની કુલ એક્સપોર્ટનાં ૨૬ ટકા ચીનમાં જાય છે. ભલે પછી તે ભારતમાં થતી કુલ આયાત કરતા ઘણી ઓછી હોય. ૨૦૦૦ ની સાલ સુધી આ સ્થિતી નહોતી. આ આંકડાનો  વધારો છેલ્લા બે દાયકામાં જોવા મળ્યો છે. આવા સંજોગોમાં જો વિદેશી કંપનીઓ ભારતમાં જ ઉત્પાદન શરૂ કરે તો ચીનને મોટા પાયે ફટકો પડી શકે છે. આ વિચાર ઉપર આમ તો કોવિડ-૧૯ અને લોકડાઉન શરૂ થયા એ પહેલા જ વાત ચાલતી હતી. ભારત સરકાર આશરે ૧૦૦૦ જેટલી વિદેશી બહુરાષ્ટ્રિય કંપનીઓ સાથે સંપર્ક પણ કરી ચુકી છે. ત્યારે આ કંપનીઓ એક ઇન્ડસ્ટ્રીને અન્ય દેશમાં ખસેડવા પાછળનો ખર્ચ, નવા દેશનાં કાયદાને અનુરૂપ ગોઠવણ તથા સ્કીલ વાળા કર્મચારીઓ મળે કે નહીં તે અંગે વિમાસણમાં હતી. આ ઉપરાંત ચીનમાં લેબર કોસ્ટ બહુ જ ઓછી છે. જે કદાચ તેમને ભારતમાં મળે કે કેમ તે સવાલ હતો.

પરંતુ હવેના સંજોગો બદલાયા છે. હવે કોવિડ-૧૯ બાદ ઘણી કંપનીઓ પોતે અન્ય દેશોમાં પલાયન કરવાની તકો શોધી રહી છે. ટેક્ષ્ટાઇલ તથા ગારમેન્ટ સેક્ટરની ઘણી કંપનીઓ ભારતમાં કામ મેળવી રહી છે. સાથે જ ઘણી કંપનીઓ બાંગ્લાદેશ તથા વિયેટનામમાં પણ ગઇ છે. આવી કંપનીઓ અન્ય દેશમાં જવાને બદલે ભારતમાં જ આવે તો મોટા કારોબારના કારણે ભારત સ્થિત કંપનીની ઉત્પાદન કોસ્ટ નીચી આવી શકે છે. સામા પક્ષે મંદીના કારણે ભારતમાં બેરોજગારી વધી રહી છે, એકંદરે પગારના ધોરણમાં ઘટાડા થયા છે. તેથી લેબર પણ સસ્તી મળી શકશે.

સૌ જાણે છે કે આ એક અભિયાન છે. ભારત આયાત રોકીને રાતોરાત સ્થિતી બદલી શકે નહીં. વળી જો રાતોરાત આયાત બંધ થાય તો ત્યાંથી આવતા કાચામાલની ઉપલબ્ધિ બંધ થતાં ભારતની સેંકડો ઇન્ડસ્ટ્રીને તાળાં લાગે. તેથી સંકલ્પની સિધ્ધી માટે ચાર મિત્રો ઉપરાંત દરેક દેશવાસીએ પોતાનું યોગદાન આપવું પડશૈ.

Loading...